જીવનમાં કોઇ કામ નાણાંને ધ્યાનમાં રાખીને ન કરો, જે કામ કરો તેમાં તમને સંતોષ મળવો જોઇએ. કામ પ્રત્યે લગન (passion) હશે તો જ જીવનમાં સફળ થવાશે. આ શબ્દો છે દેશની ટોચની 50 ફાર્મા કંપનીઓમાં જેનો સમાવેશ થાય છે તેવી અમદાવાદની કંપની ટ્રોઇકા ફાર્માના સીએમડી કેતન પટેલના.
1984માં માત્ર 8 લાખ રૂપિયાની મામૂલી રકમથી શરૂ થયેલી ટ્રોઇકા ફાર્મા આજે 588 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઇ છે. 1984માં અમદાવાદ નજીક થોળમાં ફકત 15 કર્મચારીઓથી ટ્રોઇકા ફાર્માની શરૂઆત થઇ હતી. છેલ્લા ત્રણ દશકથી ટ્રોઇકા ફાર્માસ્યૂટિકલ્સ વૈશ્વિક સ્તરે કાઠુ કાઢી ચૂકી છે. મૂળ ખેડા જિલ્લાના સોજિત્રાના વતની એવા કેતન પટેલનું માનવું છે કે ઇનોવેશનથી જ તેમની કંપનીની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઇ છે.