આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, કોર્પોરેટરે મકાન ખાલી કરાવ્યું, યુવરાજ સિંહે કહ્યું: ‘હું વધારે મજબૂત બનીશ, પરંતુ મજબૂર નહીં’

ગુજરાતમાં સરકારની અનેક ભરતીમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે.  હકીકતમાં સચિવાલય ગેટ પાસે પ્રદર્શન કરતા વિદ્યાસહાયકોની અટકાયત બાદ તેના સમર્થનમાં પોલીસ હેડક્વાર્ટર દોડી ગયેલા વિદ્યાર્થી યુવરાજસિંહ પર પોલીસ કર્મચારીઓ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. આ મામલે પોલીસે યુવરાજસિંહ અને તેના અન્ય એક સાગરીતની પણ ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ મામલે ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યુ કે, આજે સચિવાલય ગેટ પાસે રસ્તો બ્લોક કરીને બેઠેલા 55 જેટલા વિદ્યા સહાયકોની પોલીસે અટકાયત કરી હતી. તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં રાખી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હતી, ત્યારે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે દિપક ઝાલા નામનો શખસ આવ્યો હતો.

યુવરાજે તાલીમ કેન્દ્રમાં રાખેલા વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે પોલીસ દ્વારા તેને વિદ્યા સહાયકો વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી ચાલતી હોય દખલ નહી કરવા જણાવ્યુ હતું. આ દરમિયાન યુવરાજે ઉશ્કેરાઇને પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ અન્ય પોલીસ કર્મચારીઓ આવી જતા યુવરાજને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેણે પોલીસને ધક્કો મારીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની જે ગાડી લઇને હેડક્વાર્ટર આવ્યો હતો તે લઇને ભાગવા જતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે ઉભા રહેવાના બદલે પોલીસ પર પોતાની ગાડી ચડાવી દીધી હતી.

આ બનાવમાં યુવરાજને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસ કર્મચારીને ગાડીના બોનેટ પર ચડાવી ઢસડવામાં આવ્યો હતો. આ બાબતના પુરાવા પોલીસ પાસે હોવાનું એસપી મયુર ચાવડાએ જણાવ્યુ હતુ. પોલીસે યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે આવેલા દિપક ઝાલા નામના શખસ સામે ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલો કરી ગાડી ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કરવા મામલે સેક્ટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કોણ છે યુવરાજસિંહ જાડેજા?
યુવરાજ સિંહ જાડેજા આમ તો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, પરંતુ તેઓ પોતાની ઓળખ એક વિદ્યાર્થી નેતા તરીકે જ આપે છે. મૂળ ગોંડલના યુવરાજસિંહ ગુજરાત સરકારની અનેક ભરતીઓમાં ગેરરીતિનો પર્દાફાશ કરી ચૂક્યાં છે. લોકરક્ષક દળ, બિન સચિવાલય હેડ ક્લાર્ક, ઉર્જા વિભાગ અને વન રક્ષક દળ સહિત અનેક ભરતીઓમાં ગેરરીતિઓ સામે લાવીને તેમણે સરકારની મુશ્કેલી વધારી દીધી હતી.

યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે, ટ્રોલ આર્મીને પાછળ લગાડીને મારું સોશિયલ મીડિયા હેક કરાવવામાં આવ્યું હતું. હવે ગાંધીનગરમાં જ્યાં રહું છુ, તે મકાન કોર્પોરેટરના દબાણથી ખાલી કરાવવામાં આવ્યું છે.

વધુમાં યુવરાજસિંહે જણાવ્યું કે, તમારે જે હથકંડા અપનાવવા હોય તે અપનાવો. મને જેટલો તોડવાનો પ્રયત્ન કરશો, એટલો હું વધારે મજબૂત બનીશ, પરંતુ મજબૂર નહીં.
 
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો