વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ બગીખાનાના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ શરૂ કરી હતી. આ વર્ષે વડોદરા શહેરના વિદ્યાર્થી મિત્ર વડોદરા ગ્રૂપ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક ગ્રૂપો પાસેથી રાખડી એકત્રીત કરીને 12,000 રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે. વડોદરાના વીર શહીદ જવાનોના પરિવારોએ આ પહેલને આવકારી હતી.
જવાનોને રાખડી મોકલવાની પહેલ મને ગમી
દેશની સરહદ પર લડતા લડતા શહીદ થયેલા આર્મી જવાન દિપક પવારની પત્ની હેતલ પવારે જણાવ્યું હતું કે, સરહદ પર લડતા વીર જવાનોને રાખડીઓ મોકલવાનો પ્રયાસ મને ખુબ જ ગમ્યો. આવી પહેલથી સરહદ પર દેશની સેવા કરતા દેશના સપૂતોને પ્રોત્સાહન મળે છે. મારા પતિ સરહદ પર દુશ્મન સામે લડતા લડતા શહીદ થયા હતા. મને તેમના પર ગર્વ છે. અત્યારે દેશની સેવા કરતા જવાનોને હું સલામ કરૂ છુ. અને તેમને પ્રોત્સાહન આપતા લોકોની કામગીરીને પણ આવકારૂ છુ.
સૈનિકો તરફથી પણ સારો પ્રતિભાવ મળે છે
સંજય બચ્છાવે જણાવ્યું હતું કે, 1999માં કારગિલના યુદ્ધ સમયે વિદ્યાર્થીઓએ મળીને 526 પત્રો લખ્યા હતા અને સરહદ ઉપર સૈનિકોને મોકલ્યા હતા. નાગરીકો તેમજ બાળકોમા રહેલી દેશભક્તિ બતાવવાની આ એક અનૌપચારિક રીત છે. 5 વર્ષ પહેલા ધો.10ના વિદ્યાર્થીઓએ 75 રાખડી બનાવી સરહદ ઉપર મોકલી હતી. જેમાં વિદ્યાર્થીનીઓને સરહદેથી સૈનિકોનો ફોન અને પત્ર પણ આવ્યો હતો. સૈનિકોનો સારો પ્રતિભાવ મળતા રાખડી મોકલવાનું અમે છેલ્લા 5 વર્ષોથી ચાલુ રાખ્યું છે.
આ વર્ષે દુબઇથી પણ લોકોએ રાખડી મોકલાવી છે
ઉલ્લેખનીય છે કે આ વર્ષે દુબઇથી પણ લોકોએ રાખડી મોકલાવી છે. 30 જુલાઇ સુધીમાં આશરે 15000 રાખડી એકત્રિત થવાની સંભાવના છે. આ રાખડીઓ અમે કારગીલ, બટાલીક, દ્રાસ અને સિયાચીન સેક્ટર ખાતે મોકલવામાં આવશે. સૈનિકોને રાખડી મોકલવા ઇચ્છતા નાગરીકો હજુ પણ 30મી જુલાઇ સુધી તેમણે બનાવેલી કે લાવેલી રાખડી આપી શકે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.