લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કમરનો દુખાવો રહે છે? તો મટાડવા આ 4 સરળ કસરત કરો

આજકાલ મોટા ભાગના લોકોને પીઠનો દુખાવો થતો હોય છે. વધારે પડતું વજન ઉઠાવવું, આર્થ્રાઇટિસ, અયોગ્ય પોશ્ચર એટલે સુધી કે માનસિક સ્ટ્રેસને લીધે પણ પીઠનો કે કમરનો દુખાવો થઇ શકે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી પણ કમરનો દુખાવો થાય છે. જેમને સતત કમ્પ્યુટર પર કામ કરવાનું રહેતું હોય તેમને પીઠનો અને કમરનો દુખાવો થવાની સંભાવના વધારે રહે છે. કરોડરજ્જુ લચકદાર રહે અને સારી રીતે કાર્ય કરે તે માટે કસરત મદદરૂપ છે. આ કસરત ખુરશી પર બેસીને કરી શકો છો એટલે કે તે ઘર કે ઓફિસમાં પણ સહેલાઇથી કરી શકાય છે. કમરનો દુખાવો હોય તો ડોક્ટરની સલાહ વિના આ કસરત કરવી નહીં.

આ રીતે કરો શરૂઆત

આ સરળ કસરત તમે ઘર કે ઓફિસ જ્યાં સમય મળે ત્યાં કરી શકો છો જેનાથી પીઠ મજબૂત બને છે, કમરના દુખાવામાં રાહત મળે છે અને કરોડરજ્જુ લચકદાર રહે છે

બેક બેન્ડ, ચેસ્ટ સ્ટ્રેચ જેવી કસરતો તમે ઓફિસ અને ઘરમાં પણ કરીને ફાયદા મેળવી શકો છો

બેક બેન્ડ

બંને હાથને કમરના નીચેના ભાગ પર ટેકવો. આંગળીઓ નીચેની તરફ રહેવી જોઇએ. ઊંડો શ્વાસ લઇ તે છોડતાં પાછળ વળો. આ સ્થિતિમાં પાંચ વાર ઊંડા શ્વાસ લો. ધીરે ધીરે અગાઉની સ્થિતિમાં આવી જાવ. આ ક્રિયા ત્રણથી પાંચ વાર કરો.

ચેસ્ટ સ્ટ્રેચ

હાથને પાછળ માથા પાસે (ગરદન પર) ટેકવી આંગળીઓ એકબીજામાં ભેરવો. અંગૂઠાને કાનની નીચેના ભાગમાં ટેકવો. માથાને હાથ પર ટેકવો જેથી તમારો ચહેરો ઊંચો રહે. ઉચ્છવાસ છોડતા કમરથી ડાબી તરફ ઝુકો. તમારી ક્ષમતાથી વધારે ઝુકવાનો પ્રયત્ન ન કરવો. બે વાર શ્વાસ લો અને પહેલાંની સ્થિતિમાં આવી જાવ. આ જ ક્રિયા જમણી તરફ કરો. આ રીતે આખા દિવસમાં એકાદ-બે વાર તમારી અનુકૂળતા અનુસાર કરો.

બેક સ્ટ્રેચ

પગને જમીન પર ગોઠવો. તમારા બંને હાથને કમરની પાછળ લઇ જઇ આંગળીઓને એકબીજામાં ભરાવી દો. જો આંગળીઓ ભરાઇ ન શકે તો હાથ પકડો. ઊંડો શ્વાસ લઇ તે છોડતી વખતે હાથને પાછળ ખેંચો અને શરીરને આગળની તરફ લઇ જાવ. ત્રણ વાર ઊંડો શ્વાસ લો અને હાથને છોડતાં પહેલાંની સ્થિતિમાં આવો. આ ક્રિયા ત્રણ વાર કરો. દિવસ દરમિયાન ઘરે કે ઓફિસમાં આ કસરત કરી શકો છો.

કેટ કાઉ

હાથને ગોઠણ પર ટેકવો. ઊંડો શ્વાસ લઇ તે છોડતાં કમરથી પાછળની તરફ વળો. નજર ઊંચી રાખો. ઊંડો શ્વાસ લઇ આગળની તરફ વળો. નાભિને બને એટલી અંદરની તરફ ખેંચી હડપચીને છાતી સાથે અડાડવાનો પ્રયત્ન કરો. હાથથી ગોઠણ પર વજન આપો. ફરી પહેલાંની સ્થિતિમાં આવી જાવ. આવી રીતે બે થી ત્રણ વાર કસરત કરો. આના માટે ચોક્કસ સમય ફાળવવાની જરૂર નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો