તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં..
જો એ દિવસે હું મહેસાણામાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયો હોત તો ચેમ્પિયન બનીને પાછો આવ્યો હોત! છાપાંમાં મારો ફોટો તો છપાત પણ એની નીચે શ્રદ્ધાંજલિ ન હોત!
જો એ દિવસે હું દર વખતની જેમ રીસેસમાં ઘરે જમવા ગયો હોત તો તમારી જેમ તક્ષશીલાની આગનો વીડિયો જોઈ શક્યો હોત અને મારા મિત્રોને બચાવવા દોડી ગયો હોત પણ જો અને તો ની વચ્ચે મારા નસીબમાં આગ લખેલી હતી, સળગેલો દાદર હતો, ફાયર બ્રિગેડની ટૂંકી પડેલી સીડી હતી અને શ્વાસને રૂંધતો કાળો ધુમાડો હતો.
એમ ના માનશો કે આગ જોઈને હું ડરી ગયો હતો. ધુમાડો જોઈને પાછો પડી ગયો હતો. હું કરાટે જાણતો હતો, લડી શકતો હતો પણ આગ સામે લડી શકાતું નથી, આગને પ્રહાર કરી શકાતો નથી, આગને દુ:ખ થતું નથી, સાવ નિર્દોષ બાળકોને સળગાવી દે છતાં આગને કોઈ જ દુ:ખ થતું નથી. આદ નિર્દયી હોય છે, નિષ્ઠુર હોય છે.
કોઈ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે!? મારા ઘરમાં, મારાં દાદી સ્વેચ્છાએ પણ રસોડામાં કામ કરવા જતાં તો મને દયા આવી જતી. હું એમને રોકી લેતો અને મમ્મીને કહેતો કે દાદીને થોડું કામ કરાવાય! કામ તો મારે કરવાનું હતું, મોટા થઈને ઇન્ટિરિયર ડિઝાઇન બનવાનું હતું.
વિદેશ જઈને સેટલ થવાનું હતું. ઘણી બધી ગાડીઓ લેવાની હતી. ખૂબ બધા ફોટો પડાવવાના હતા. સૌથી વધુ તો મારે જીવવાનું હતું. મારે આમ આગમાં મરવું નહોતું. ધોરણ 11 સાયન્સમાં હું 70 ટકા લાવ્યો હતો.
ત્યારે જ મેં મારાં મમ્મી અને પપ્પાને કહ્યું હતું, ‘હું એક દિવસ મોટો માણસ બનીશ. આપણા માટે મોટો બંગલો બંધાવીશ અને તેનું ઇન્ટિરિયર પણ હું જાતે જ ડિઝાઇન કરીશ.’ મારું આ સપનું પૂરું કરવા 6 દિવસ પહેલાં જ મેં તક્ષશીલા આર્કેડમાં નાટાના ક્લાસિસમાં જવાનું શરૂ કર્યું હતું.
મારા કરતાં મારો મિત્ર નસીબનો બળિયો નીકળ્યો. એ દિવસે હું બપોરે મમ્મી સાથે જમીને ક્લાસમાં ગયો હતો અને મારો મિત્ર બપોરે જમવા ઘરે ગયો હતો. મારો મિત્ર બચી ગયો, એનો મને આનંદ છે. એ દિવસે ક્લાસમાં જવા માટે મારી પાસે મારું વાહન પણ નહોતું!
મારો મિત્ર ધ્રુવિન મને ક્લાસ સુધી મૂકી ગયો હતો. ધ્રુવિન મારા પડછાયા જેવો જ મારો મિત્ર! મેં અને ધ્રુવિને બીજા દિવસે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું હતું. ધ્રુવિન, હવેથી તારે એકલાએ જ ફિલ્મો જોવી પડશે. કારણ કે, મારી જિંદગીનો તો કાયમ માટે પડદો પડી ગયો છે.
કરાટેમાં મેં ઘણા મેડલ મેળવ્યાં છે પણ આગ સામે મારું માર્શલ આર્ટ કામ ન લાગ્યું. તમે કરાટે નહીં શીખો તો ચાલશે પણ આગ સામે લડી લેવાનું શીખજો. કારણ કે, કરાટેથી આગ સામે લડી શકાતું નથી!