અમે ભગવાન શિવ અને મહર્ષિ દધિચીના પુત્ર પિપ્લાદની પ્રેરણાદાયી કહાની અહીં જણાવી રહ્યા છીએ.
પૌરાણિક કથા: મહર્ષિ દધિચીએ દેવતાઓની રક્ષા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું. એમના હાડકાંને લઈને વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું હતું. આ વજ્રની સહાયતાથી ઈન્દ્રએ વૃત્રાસુરને મારી સ્વર્ગ ઉપર ફરી કબજો કર્યો હતો.
દધિચીના પુત્રનું નામ પિપ્લાદ હતુ. તે પણ પોતાના પિતા દધિચીની જેમ તેજસ્વી હતો. તે પોતાના પિતા સાથે થયેલા વ્યવહાર માટે દેવતાઓને દોષિત માનતો હતો. તે એવું માનતો હતો કે પોતાના સ્વાર્થ માટે દેવતાઓને પોતાના પિતાનાં હાડકાંને માંગતા જરા પણ શરમ આવી ન હતી. આથી તેણે દેવતાઓનો નાશ કરવા માટે ભોળાનાથની આકરી તપસ્યા કરી.
પિપ્લાદની તપસ્યાથી ભોળાનાથ પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. પિપ્લાદે કહ્યું ભગવાન તમે તમારું ત્રીજું નેત્ર ખોલી દેવતાઓને ભસ્મ કરી દો. ભોળાનાથે પિપ્લાદને સમજાવ્યો કે મારા રોદ્રરૂપ સામે તુ પણ ટકી શકીશ નહીં. આમ છતા પિપ્લાદ માન્યો જ નહીં. એ કહેવા લાગ્યો કે ગમે તે થાય, ભલે બધુ ભસ્મ થઈ જાય પણ આ દેવતાઓનો નાશ કરો.
બાળહઠ સામે ભગવાન શિવ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું કે હું તને હજુ એક અવસર આપું છું. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું અને તેનાથી તું મારા રોદ્ર સ્વરૂપના દર્શન કર. આ દિવ્ય દ્રષ્ટીથી પિપ્લાદે ભોળાનાથના રોદ્રરૂપના દર્શન કર્યા. ભોળાનાથના રોદ્રરૂપમાં તે પણ બળીને ભસ્મ થઈ રહ્યો હતો. તે એકદમ ડરી ગયો અને ભોળાનાથની ક્ષમા માંગી કહેવા લાગ્યો કે ભગવાન મે દેવતાઓને ભસ્મ કરવાનું કહ્યું પરંતુ તમે તો મને જ ભસ્મ કરવાની શરૂઆત કરી દીધી.
ભોળાનાથે સમજાવ્યું કે વિનાશ કોઈ એક સ્થાનેથી શરૂ થઈને વિકરાળ રૂપ ધારણ કેર છે. હંમેશા ત્યાંથી શરૂથાય છે જે જગ્યાએથી તેનું આહવાન કરવામાં આવે છે. બીજાનું અમંગળ ઈચ્છવાથી પોતાનું જ અમંગળ થાય છે. ગુસ્સામાં લેવામાં આવેલા નિર્ણયથી ભવિષ્યમાં પસ્તાવું પડે છે. તારા પિતાએ જે કંઈ કર્યું તેનું તારે ગૌરવ અનુભવવું જોઈએ.
પિપ્લાદે ફરી ભોળાનાથની માફી માંગી.
બોધપાઠ– આપણે બીજાનો વિનાશ ઈચ્છીએ છીએ ત્યારે તે વિનાશની શરૂઆત તો આપણાથી જ થાય છે. બીજાનો વિનાશ ઈચ્છનાર વ્યક્તિનો જ વિનાશ થાય છે