સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળા ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતર્યા, 30 વર્ષથી મફત સારવારની શરત ઘોળીને પી ગયા

શહેરમાં કોરોના મહામારીના કપરાં સમયમાં નાગરિકોની પડખે ઉભા રહેવાને બદલે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ તંત્ર સામે ખુલ્લેઆમ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન તંત્રએ ચાર દિવસ પહેલાં નોટિફિકેશન જાહેર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓને કોરોનાની સારવાર માટે ૫૦ ટકા બેડની સોંપણી કરવા આદેશ કર્યો હતો પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ ખુલ્લેઆમ રાજકીય પ્રેસર લાવીને મ્યુનિ.ના અધિકારીઓના નાક દબાવવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જો કે વાસ્તવિકતા એ છે કે, સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓની દાદાગીરી કંઈ નવી વાત નથી. ઔડા પાસેથી ઓફરની રકમ ભરીને વર્ષ ૧૯૮૮માં મેમનગરમાં ૪,૬૯૧ ચો.મી. જમીન મેળવીને સ્ટર્લિંગ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી.

ઔડાની જમીન ફાળવણીની શરત મુજબ, ભોંયતળિયાના ૮૦ ટકા વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે ચેરિટેબલ દવાખાનું શરૂ કરવાનું હતું. પણ ત્રણ દાયકાથી નફો રળવાની લ્હાયમાં ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાની શરતને હોસ્પિટલ ઘોળીને પી ગઈ હતી. હવે કોરોના મહામારીમાં મ્યુનિ.ને ૫૦ ટકા બેડની સોંપણી કરવાને બદલે સ્ટર્લિંગ હોસ્પિટલે યેનકેન પ્રકારે કાનૂની દાવપેચ ઉભા કરીને મામલો ઘોંચમાં મૂકવાની ફિરાકમાં પડયાં છે.

ઔડાના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, ઔડાએ મેમનગરની ટીપી સ્કીમ નંબર ૧ના ફાઇનલ પ્લોટ નંબર ૧૮૨ની ૪,૬૯૧ ચો.મી. જમીન મેડિકેર સેન્ટરના હેતુ માટે ઓફરો મંગાવી હતી. તે વખતે શહેરમાં નાગરિકોને મેડિકલ સેવા ઉપલબ્ધ બને તેવો આશય હતો. ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને પણ વિનામૂલ્યે સારવાર મળે તેવી અપેક્ષા હતી.

ઔડાએ ડ્રાઇવ-ઇન મેડિકેર (સ્ટર્લિંગ હોસ્પિટલ)ને ઓફરના આધારે મેમનગરની ૪,૬૯૧ ચો.મી. જમીન ૯૦ વર્ષના ભાડાપટ્ટે આપી હતી. જે અંગે તા.૨૪-૫-૧૯૮૮ના રોજ દસ્તાવેજ કરાયો પછી જમીનનો કબજો સોંપી ફાળવણી કરાઇ હતી. તે પ્લોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલનું બાંધકામ કરાયું હતું.

તે વખતે ઔડા ખાસ દસ્તાવેજમાં શરત નંબર ૧૦/અ મુજબ, આ પ્લોટમાં કરવામાં આવેલા બાંધકામના ભોંયતળિયાએ ૮૦ ટકા જેટલો વિસ્તાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કે ટ્રસ્ટો દ્વારા સંચાલિત જાહેર દવાખાના માટે ઉપયોગ કરવાનો રહેશે. સ્ટર્લિંગ હોસ્પિટલ ઉભી કરી તેના ભોંયતળિયાના ૮૦ ટકા ભાગમાં ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવાની શરત હતી પણ ત્રણ દાયકા જેટલો સમય વિત્યો છતાં તેનો અમલ થયો નથી.

આ અંગે ઔડામાં ફરિયાદ થઇ હતી પછી ઔડાએ તા.૮-૧૦-૨૦૧૦ અને તા.૩૦-૧૦-૨૦૧૦ના રોજ પત્ર લખી સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ખૂલાસો માગ્યો હતો પણ ખૂલાસો આપવાને બદલે જવાબ રજૂ કરવાની પણ તસ્દી લેવાઇ ન હતી. સ્ટર્લિંગ હોસ્પિટલના ભોંયતળિયાના ભાગમાં કોઇ ચેરિટેબલ ટ્રસ્ટનું દવાખાનું કાર્યરત નથી.

તેના કાગળો પણ ઔડામાં રજૂ કરાયા નથી. આ સંદર્ભમાં ઔડાએ ગઇકાલે સ્ટર્લિંગ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલને ભાડાપટ્ટે આપવામાં આવેલા પ્લોટમાં શરતભંગ કરીને જમીન પરત કેમ ન લેવી ? તે અંગે તા.૨૨-૫-૨૦૨૦ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતા નેવે મૂકીને સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓ જે પ્રકારે વર્તી રહ્યાં છે તે જોતાં તો સરકારે એપેડેમિક એક્ટ હેઠળ સ્ટર્લિંગ હોસ્પિટલને પોતાના હસ્તગત કરી દેવી જોઇએ તેવો આક્રોશ નાગરિકોમાં પણ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીમાં પણ સ્ટર્લિંગ હોસ્પિટલને સારવારના નામે કરોડોની કમાણી કરવામાં રસ

કોરોના મહામારી જેવા રાષ્ટ્રીય આપત્તિના સમયમાં પણ સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓને કોરોના પોઝિટિવ દર્દીઓ પાસેથી કરોડોની કમાણી કરવામાં રસ છે. રાજ્ય સરકારે સ્ટર્લિંગ હોસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપી હતી. તે વખતે સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોનાની સારવારનું રૂ.આઠ લાખનું પેકેજ નક્કી કર્યું હતું.

જો દર્દીને સાદા રૂમમાં સારવાર આપવામાં આવે તો ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા અને આઇસીયુમાં ૧૪ દિવસ સારવાર આપવામાં આવે તો રૂ.૮થી ૮.૫૦ લાખનો ખર્ચ કરવો પડે તેવા પેકેજ તૈયાર કર્યા હતા.

હવે કોરોના દર્દીઓની સારવાર કરી હોસ્પિટલને કરોડોની કમાણી છોડવી નથી. જેથી મ્યુનિ.એ નોટિફિકેશન કર્યું છતાં ૫૦ ટકા બેડ આપવા તૈયાર થતી નથી. મ્યુનિ.ના અધિકારીઓ ઉપર રાજકીય દબાણ લાવીને ૫૦ ટકા બેડનું નોટિફિકેશન રદ કરાવવા ધમપછાડા શરૂ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો