ગુજરાતની રાજધાની ગાંધીનગરના પેથાપુર ગામમાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ બહાર શુક્રવારે મોડી રાત્રે તરછોડાયેલા માસૂમ બાળકના પિતાની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી ચૂકી છે. જો કે બાળક ‘સ્મિત’ની કમનસીબી એ રહી છે કે, ખુદ તેના પિતાએ જ તેની માતા મહેંદી ઉર્ફે હીના પેથાણીની હત્યા કરી નાંખી છે. કંઈક આવો જ એક ચર્ચાસ્પદ કિસ્સો થોડા દિવસ પહેલા વડોદરામાંથી જ સામે આવ્યો હતો. જેમાં સ્વીટી પટેલ મર્ડર કેસમાં પોલીસની તપાસના અંતે તેનો જ પ્રેમી જ જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શું હતો સ્વિટી પટેલ મર્ડર કેસ?
ગુજરાતભરમાં ચકચાર જગાવનારા સ્વીટી પટેલ કેસની તપાસમાં વડોદરા જિલ્લા પોલીસે કાચું કાપતાં તત્કાલિન ગૃહમંત્રીએ તપાસ આંચકી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSને સંયુક્ત રીતે તપાસનો આદેશ આપ્યો હતો. જેને લઈ તપાસ ટીમે કરજણમાં ધામા નાંખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વડોદરા ગ્રામ્યમાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, ખુદ PI અજય દેસાઈએ જ પત્ની સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ સ્વીટીના મૃતદેહને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા સાથે મળીને અટાલી ગામ નજીક આવેલી બંધ હોટલની પાછળના વાડામાં લઈને જઈને સળગાવી નાંખી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 5 જૂને સ્વીટી પટેલ ગુમ થઈ ગઈ હતી. જેની પહેલા 4 જૂનની રાત્રે અજય દેસાઈ અને તેની પત્ની સ્વીટી પટેલ વચ્ચે વડોદરાના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા ઘરમાં ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવીને અજય દેસાઈએ સ્વીટી પટેલનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આટલું જ નહીં, સ્વીટીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ તેના મૃતદેહને આખી રાત ઉપરના માળે આવેલા બેડરૂમમાં રાખ્યો. 5 જૂનની સવારે પોતાની કાળા કલરની જીપને ઘરના કમ્પાઉન્ડમાં રિવર્સમાં લાવીને મુખ્ય ગેટ નજીક ઉભી રાખી હતી. જે બાદ બેડરૂમમાં રાખેલી સ્વીટીની લાશને બ્લેન્કેટમાં લપેટીને જીપની ડેકીમાં રાખી દીધી. જે બાદ કારને નજીકના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરી દીધી અને સ્વીટીના ભાઈ જયદીપને સ્વીટીના ગુમ થયાની જાણકારી આપી હતી.
જે બાદ અજયે પોતાના મિત્ર કરજણ નિવાસી કિરીટ સિંહ જાડેજાની મદદ લીધી અને એ દિવસે બપોર બાદ ચાર વાગ્યે કરજણ-આમોદ-વાગરાથી દહેજ હાઈવે પર અટાલી ગામના પાટિયા નજીક આવેલી જાડેજાની બંધ હોટલના પાછળના વાડામાં લાશને સગેવગે કરવા પહોંચ્યા હતા. જ્યાં જીપની ડેકીમાંથી સ્વીટીની લાશ કાઢીને તેને આગના હવાલે કરી દેવામાં આવી.
પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટ સિંહ જાડેજાની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
હીના પેથાણી ઉર્ફે મહેંદીની પ્રેમીના હાથે હત્યા
હીના પેથાણી ઉર્ફે મહેંદીના કેસમાં પણ તેની તેના પ્રેમી દ્વારા જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. શુક્રવારે મોડી સાંજે પેથાપુરના સ્વામિનારાયણ મંદિર નજીક ગૌશાળાના દરવાજા પર તરછોડાયેલા બાળક ‘સ્મિત’ના માતા-પિતાની શોધખોળ માટે પોલીસ દ્વારા આકાશ-પાતાળ એક કરવામાં આવ્યા હતા આટલું જ નહીં, સંદેશ ન્યૂઝ દ્વારા પણ ખાસ ઝૂબેશ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે મોડી સાંજે પોલીસને બાળકના પિતાની ભાળ મળી ગઈ હતી.
માસૂમ ‘સ્મિત’ને તરછોડી દેનાર તેનો જ પિતા નીકળ્યો છે. જેની ઓળખ સચિન દીક્ષિત તરીકે થઈ છે. પોલીસે તેની ગઈકાલે સાંજે રાજસ્થાનના કોટાથી ધરપકડ કરી હતી. જે બાદ તેને ગાંધીનગર ખાતે લવાયો હતો. પોલીસની પૂછપરછમાં સચિન દીક્ષિતે ચોંકાવનારા ખુલાલા કર્યા છે.
પોલીસ પૂછપરછમાં સચિને કબૂલ કર્યું છે કે, તેણે જ હીના પેથાણી ઉર્ફે મહેંદીની ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. હીના પેથાણી એક શૉ રૂમમાં નોકરી કરતી હતી, જ્યાં સચિન દીક્ષિત સાથે તેનો પરિચય થયો હતો. જે આગળ જતાં પ્રેમસબંધમાં પરિણમ્યો હતો. જે બાદ સચિન અને હીના વચ્ચે શરીર સબંધ બંધાયો હતો. સચિન અને હીના 2019થી અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતા હતા. જ્યારે સચિને બે મહિના પહેલા જ વડોદરામાં નોકરી મેળવી હતી. આથી સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગરમાં રહેતો હતો.
બે દિવસ પહેલા સચિને પોતાની પત્ની સાથે વતન ઉત્તર પ્રદેશ જવાની વાત કરતાં પ્રેમિકા હીના ઉશ્કેરાઈ હતી. જેના કારણે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આવેશમાં આવીને સચિને વડોદરાના બાપોદ સ્થિત ફ્લેટમાં હીના ઉર્ફે મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. સચિને હિનાની લાશને સગેવગે કરવા માટે તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી.
પોલીસની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ અનેક ચોંકવનારા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. પોલીસના જણાવ્યા મુજબ, તરછોડાયેલા બાળકનું સાચુ નામ શિવાંશ છે, જે સચિનનું જ બાળક છે.
‘સ્મિત’ના પિતાની ભાળ મળ્યા બાદ ગઇકાલે રાત્રે 8 વાગ્યે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘સ્મિત’નું સાચુ નામ શિવાંશ છે. જો કે આ બાળકની જન્મદાતા કોણ છે તે અંગે તેઓએ કોઇ ફોડ પાડ્યો નહોતો.
સચિન વડોદરા ખાતે ઓઝોન ઓવરસીઝ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તે ગઇકાલે જ ગાંધીનગર આવ્યો હતો. ગૃહમંત્રીએ સચિનની પત્ની બાળકની માતા નહીં હોવાનું સ્પષ્ટતા કર્યા બાદ આ બાળક સચિનની પ્રેમિકાનું હોવાનું બિનસત્તાવાર રીતે સ્પષ્ટ થઇ રહ્યું છે. જે રીતે સચિન ગઇકાલે જ ગાંધીનગર આવ્યો તે જોતા તે બાળકને સાથે લાવ્યો હોવાનું પણ પોલીસ માની રહી છે. હાલ પોલીસ DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે.
શિવાંશની બાજુમાં રહેતા પાડોશી મહિલાએ કહ્યું કે શિવાંશનો જન્મ 10મી ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. આજે જ શિવાંશને 10 મહિના પૂર થયા. શિવાંશની માતા હીનાબેનનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેઓ પ્રેગનન્ટ હતા ત્યારે પણ અમે તેમને ઘણી વખત મદદ કરતાં. હીનાબેનના પતિ એટલે કે સચિનભાઇ કયારેય રાત્રે આવતા નહીં તેઓ દિવસ દરમ્યાન જ આવતા. હીનાબેનને પ્રેગનન્સી વખતે તકલીફ પડતી તો અમે તેમને મદદ કરતાં.
હીના અને સ્વિટીના કેસમાં સામ્યતા
એક તરફ જ્યાં હીના પણ તેના પરણિત પ્રેમી સચિન દીક્ષિત સાથે લિવ ઈનમાં રહેતી હતી. જ્યાં સામાન્ય બોલાચાલીના અંતે સચિને જ પ્રેમિકાનો કાંટો કાઢી નાંખ્યો હતો. આવી જ રીતે સ્વીટી દેસાઈ પણ PI અજય દેસાઈ સાથે લિવ ઈનમાં રહેતી હતી. આટલું જ નહીં, સ્વીટીએ અજય દેસાઈ સાથે રૂપાલના મંદિરમાં સાત ફેરા પણ ફર્યા હતા. બીજી તરફ PI અજય દેસાઈએ સ્વીટી સાથે શારીરિક સબંધો હોવા છતાં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે કકળાટથી કંટાળેયા અજય દેસાઈએ સ્વીટીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જો કે સ્વીટીના કેસમાં તેના પ્રેમીએ હત્યા કર્યા બાદ પ્રેમિકાની લાશને સગેવગે કરી નાંખી હતી. જો કે આખરે કાયદાની ચુંગાલમાં તેનો પતિ આવી જ ગયો છે. બીજી તરફ હીનાના પ્રેમી સચિને પણ તેની હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા માટે બેગમાં મૂકી દીધી હતી. જો કે બાળકને તરછોડવાની એક ભૂલના કારણે તે હાલ પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..