નવરાત્રી પૂરી થયા બાદ માતાજીના ગરબા મંદિરમાં મુકવામાં આવતા હોય છે. પરંતુ રાજકોટની સંસ્થા અને વિદ્યાર્થીઓ દ્વાર નવતર પહેલ કરવામાં આવી છે. ગરબા એકત્ર કરી તેને ચકલીના માળા બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની સાથે રહી વિદ્યાર્થીઓ અને સંસ્થાએ આવા 30 હજાર માળા બનાવવાની તૈયારી આદરી છે. જેમાં માત્ર 18 કલાકમાં 10 હજાર માળા તૈયાર કરી રાજકોટના વિવિધ સ્થળેથી લોક વિતરણ કરવામાં આવશે. જેનો વર્લ્ડ રેકોર્ડ સ્થપાઇ તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ આ કાર્યને નામ આપ્યું વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ
સામાન્ય રીતે આપણે ત્યાં ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુ કે પૂજાની સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોય છે. જો કે ઉપયોગ થયેલી આ વસ્તુને પધરાવવાના બદલે તેના પર કલાત્મક રીતે કામગીર કરવામાં આવે તો એ નકામી થયેલી એ જ વસ્તુ પર્યાવરણ માટે મોટી ભેટ બની શકે છે. આ વાત સાબિત કરી છે રાજકોટના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ. આ વિસર્જન કરાયેલા ગરબામાંથી વિદ્યાર્થીઓએ કલાની મદદથી નવો જ આકાર આપી પર્યાવરણને નવી ભેટ આપી છે.
શહેરભરમાંથી 30 હજાર જેટલા ગરબા એકત્રિત કરાયા
રાજકોટની લાભુભાઈ ત્રીવેદી એન્જિનિયરિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગરબા એકત્રિત કરી તેને ચકલીના માળામાં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરી છે. દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી આશરે 30 હજાર જેટલા ગરબાઓ એકત્ર કરાયા હતા. આ ગરબાઓને કોલેજ પર લાવી તેમાં મશીનોની મદદથી હોલ પાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ ગરબા પર વિવિધ પ્રક્રિયા કરી ચકલીના માળાનું સ્વરૂપ આપવાં આવ્યું હતું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંતર્ગત જ આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીઓએ પ્રેક્ટીકલ જ્ઞાન પણ મેળવ્યું હતું.
400થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગરબામાંથી ચકલીઓના માળાઓ બનાવવામાં આવ્યા હતા. 18 કલાકમાં 10 હજારથી વધુ માળાઓ બનાવાયા છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લિમ્કા બુકમાં સ્થાન મળશે. ગરબામાંથી માળા બનાવવાની આ કામગીરીમાં રાજકોટ મહાનગરાપાલિકાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે પણ સહયોગ આપ્યો છે. વિનામૂલ્યે લોકોને આ માળાઓ વિતરણ કરવામાં આવશે.