દિવ્યાંગ હોવા છતાંય તનતોડ મહેનત કરીને સમગ્ર ભારતનું ગૌરવ વધારનાર સોનલ બેન વસોયાની સંઘર્ષગાથા

મારે વાત કરવી છે સોનલની.

ગામ રાયડી (તા.ધોરાજી જિ. રાજકોટ) ની વસોયા કુટુંબની દીકરીની જે બે વરસની ઉંમરે પોતાના બંને પગ ગુમાવી કાયમી દિવ્યાંગ બને છે. પિતા રતિભાઈ અને માતા સાંકડી ખેતી અને ખેતમજુરી કરી પાંચ ભાઈઓના પરિવારની ધોંસરી ખભે નાખીને બેઠાં હોય ત્યાં આ કુદરતની થપાટ લાગે છે.પણ જેના હૈયામાં હામ હોય એને હિમાલય પણ નડે નહીં, મનની આ મજબુતાઈથી પિતા સોનલને MA પછી છેક MBA સુધીનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં રાજકોટ તથા અમદાવાદ જેવા ખર્ચાળ શહેરમાં કરાવે છે. દીકરી સોનલ ભણીને MBA થઈ ત્યાં જ સોનલને કારમો ધા પિતાની વિદાયનો લાગ્યો. જે પિતા દીકરીને ગુજરાત, ભારતનું ગોરવ તરીકે જોવા ઇરછતા હતા એ પિતાની વિદાયથી સોનલ ભાંગી પડી,પણ તરત જ સ્વસ્થ થઈ ગઈ.

પિતાનું સ્વપ્ન હતું કે સોનલ ભારતીય લેવલની સ્પોર્ટસગર્લ બને. હવે આકાશનો ચંદ્ર એ જ સોનલ માટે પિતા. સોનલે નક્કી કર્યું કે મારે MBA થઈને ખાનગી – સરકારી નોકરી મળતી હોવાં છતાં એ કરવી નથી, થોડો સમય નોકરી કરીને સાજા માણસોનું જગત પણ જોઈ લીધું! ઓછાં પગારે વધારે કામ આપીને દયા પાત્ર પણ બનીને સોનલ અંદરથી પાકી ગઈ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ! સ્વર્ગસ્થ પિતાએ મારા માટે કારમી ગરીબીમાં જે તનતોડ મહેનત કરીને મને અહીં સુધી પહોંચાડી છે, એ પિતાનું સ્વપ્ન જ મારે મારી જાત તોડીને સાકાર કરવું છે.આ એક સ્વપ્ન Any how, Any Cost સાકાર કરવા મથી પડવું એ જ લગની લાગી.
આ તરફ ગામડે નાનો ભાઇ, માતા અને કાકા પ્રફૂલ્લભાઇએ ઘરનો ભાર ઉપાડી લીધો.સોનલના પરિવારની વિશેષતા એ છે કે સોનલને એ લોકો દિવ્યાંગ દીકરી કે લધુતાગ્રંથીથી જોતા નથી. ધરમાં એંસી વર્ષના દાદીમાનું જે સન્માન છે, સોનલનું પણ એટલું જ સન્માન છે. લગ્ન પ્રસંગ, દાંડીયા રાસ, વાડી ખેતરે જવું, ગામની પ્રા.શાળામાં કે મતદાન કરવા જવું, આ કામ સોનલ હરખથી કરે છે. એમનો પરિવાર ૫ણ સોનલને એમની ચેર ઉપર સૌની આગળ રાખી દરેક જગ્યાએ લઈ જાય છે. નાનો ભાઈ, ભાભી, સર્વ કાકા, કાકીઓ, પિતરાઈ ભાઈ, બહેન અને દાદીમાને પણ ગોરવ છે કે સોનલ અમારી દીકરી છે.પરિવાર અને મોસાળ એમની આ ખેવના રાખે છે એ જ સોનલની હિંમત છે.

વાત એમ બની કે સોનલના કાકા શ્રી પ્રફૂલ્લભાઈ અને અ.સૌ. સુમિતાબહેનની મહેમાનગતિ માણવા એમના મિત્ર શ્રી જમનભાઇ વડાલિયા, શ્રી વિઠલભાઇ રામોલિયા તથા શ્રી વિનુભાઇ ભાયાણી સાથે હું જેતપુરથી ગયેલ. જાત મહેનતથી આગળ આવેલ પ્રફૂલ્લભાઈની ઓશરીમાં એમના એસી વર્ષના વૃદ્ધ બા બેઠાં હતા અને સામે બે સ્વર્ગસ્થ દીકરાઓની છબી હતી. વાત એમાંથી નીકળી ને સોનલનો પરિચય થયો. બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં એમના અવાજનો જે રણકો હતો એ ભલભલાથી જૂદો હતો. મેં મારા ફોનથી સ્પીકર ઓન રાખીને વાત કરી અને અમે સૌએ સોનલની પરસેવાની કમાણી એના મોંએ સાંભળી ત્યારે સૌ ગદગદિત થાય અને આંખો પણ ભીની થઈ. સોનલની વાત કરવાની રીત અને આત્મવિશ્વાસનો મને જે અનુભવ થયો પછી જ હું સોનલ અંગે જાણવા ઉત્સુક બન્યો. સોનલના બાળપણના સંઘર્ષ, પ્રા.શાળા, હાઈસ્ફૂલનું શિક્ષણ અને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, આર્થિક જરૂરિ યાત, ખેતી, ખેતમજૂરીમાં રીબાતું કુટુંબ, પિતાની સંયુક્ત કુટુંબની જવાબદારી, કાકાનું અચાનક મૃત્યુ અને અંતે જેમના માટે સોનલ જીવતી હતી એ પાપાનું મૃત્યુ.આમ અનેક ઠેકાણે અથડાતી સોનલ રાખના ઢગલામાંથી જેમ ફીનિક્સ પક્ષી ઊભું થાય એમ સોનલ ફરી ઊભી થઈ.

પ્રારંભે સોનલે જીમમાં જઇને પાવર તથા વેઇટ લીફ્ટીંગની તાલીમ લીધી. અહીં એમને જિલ્લા તથા રાજ્ય લેવલે ઘણા ઈનામ, સન્માન મળ્યા, પણ સંઘર્ષ જેના જીવનમાં હોય એને ચારેય બાજુથી દુઃખના વા વાય! વધારે વજન ઉપાડવાની તાલીમ લેતા સોનલને કરોડરજ્જુની ખામી થવા લાગી. આમ આ રસ્તેથી પાછી વળેલ સોનલને ક્યાંય ચેન પડતું ન હતું. આગળ વધીને આંતરરાષ્ટ્રીય લેવલે નામ રોશન કરી પિતાજીને શ્રદ્ધાંજલિ આપવી એ જ સોનલના જીવનનો ધ્યેય હવે બની ગયો. કહે છે ને જેને આગળ વધવું છે એ માત્ર સપના સેવતા નથી, પણ સપના સામર કરવા તનતોડ મહેનત કરે છે. હવે સોનલ સાચા રસ્તે આવી.તેણીએ પોતાની રમત જ બદલાવી નાખી.આ સોનલ આજે ગોળાફેંક,ચક્રફેંક અને બરછીફેંકની હરિફાઈમાં ગુજરાતમાં પ્રથમ નંબરે અને ભારત દેશમાં પ્રથમ નંબરે આવી આંતરરાષ્ટ્રીય ખેલાડી બની છે.

આનંદ એ વાતનો છે કે આ સોનલ આજે ભારત વતી બાવીસ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ દુબઇ ખાતે જે દિવ્યાંગ રમતવીરો હોય એ રમતમાં વિશ્વના ખેલાડીઓ સામે ૨મવા જઈ રહી છે. આ માટે આપણે સોનલને ખૂબ શુભેરછા અને best Luck કહી એમની જે મનોકામના છે એ માટે શુભેરછા પાઠવીએ.

સોનલની વાત કરતા ગોરવ થાય એવા એક સજજન એટલે શ્રી દલબીરસીંગ. મૂળ હરિયાણા અને રેલવેમાં જોબ કરતા દલબીર સીંગ કોઈ જાતની ફી વિના સ્વખર્ચથી સોનલને આજે પાંચેક મહિનાથી તાલીમ આપી રહ્યાં છે.એમને પણ આપણે ધન્યવાદ આપીએ કે તમારી શિષ્યા સોનલ આગળ વધે. બીજી એક વિશેષ વ્યક્તિછે શ્રી ભૂપેન્દ્રભાઇ જામ, જેઓ ફીટ એન્ડ ફબ નામનું જીમ ચલાવે છે.શ્રી ભૂપેન્દ્રભાઇએ કોઈ ફી વિના સોનલ માટે પોતાના જીમના દરવાજા ઘણાં વરસથી ખૂલ્લા રાખ્યા છે.જે રમતમાં આજે મોટી રકમનો ખર્ચ થાય ત્યારે માત્ર મહેનતથી અત્યાર સુધીમાં પાંચેક વખત નેશનલ ચેમ્પીઅન બનેલ સોનલ કેવી કેવી તકલીફો તાલીમ, ખોરાક અને રહેણાંક બાબતે ભોગવે છે! એ તો સોનલ જ જાણે છે.આમ કહીને આપણે એ સમજીએ કે એક ગરીબ ઘરની દીકરી પોતાની ઇરછાશક્તિથી આજે ક્યાં પહોંચી છે.સોનલ સ્વમાની યુવતી છે.સ્પોર્ટસગર્લ છે. સોનલ મેદાનની ખેલાડી છે.આટલી વાતમાં તમે સમજી જાઓ.
એક વાત આજના યુવાનોને કહેવાની ઇચ્છા થાય કે આપણી પાસે ઘણું બધું હોવાં છતાં ઘણી વખત કશું જ હોતું નથી, જ્યારે સોનલ પાસે કંઈ ન હોવાં છતાં આજે કેટલું બધું છે ! પોતાના અંગત મિત્રોમાં સલોની તરીકે ઓળખાતી, પતંગની હરિફાઈમાં ભાગ લેતી, ફૂદરતની સામે લડતા લડતા સોનલ સમાજની સામે પણ લડી છે.સોનલ બ્લડ ડોનેશનમાં માને છે અને માનવ અધિકાર માટે લડે છે. સોનલ સારું અંગ્રેજી, હિંદી બોલે છે અને સોનલને સૌની જેમ શોપીંગ કરવું પણ ગમે છે. સોનલને સાહિત્ય વાંચવું ગમે છે અને એમાં પણ લવ સ્ટોરી તો ખાસ વાંચે છે. પોતે બ્રેઈની છે, ચેસ રમીને મગજને સતત ચમકાવે છે. સોનલને ફેશન ડીઝાઇન અને ફેશન શોમાં જવું ખૂબ ગમે.સોનલે જો કે ફેશન શોમાં પણ ભાગ લીધેલ છે.

શું તમને લાગે છે કે સોનલને આપણે Best Luck કહેવા જોઇએ? આજે એ લડીને આગળ આવી છે ત્યારે સોનલને માત્ર રાયડી ગામની દીકરી, માત્ર ગુજરાતની ગુજરાતી દીકરી એ વાત ભૂલીને એ ભારતની; હિંદુસ્તાનની દીકરી છે એમ માનીને આપણે સૌ એમનો હાથ પકડીએ. સોનલ વિજય પામીને પાછી ભારત આવે ત્યારે એમના હાથમાં અનેક ગોલ્ડ મેડલ હોય, એ દશ્ય કેવું સારું હશે !

અત્યારે સોનલ એમની તૈયારીમાં વ્યસ્ત છે. મને લાગે છે કે આપણે Comment box માં best Luck કહીએ.
ચિ. સોનલ, ખૂબ આગળ વધો. ઇન્ટરનેશનલ ઇવેન્ટ દુબઇ માટે તમને અમારા તરફથી best Luck.

લેખક- ભીમજી ખારચિયા, જેતપુર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો