કોરોના વાયરસને કારણે શરીરના કિડની તેમજ ફેફસા જેવા અંગો પર વિપરિત અસર થાય છે, અને તેના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પણ થતું હોય છે. જોકે, અમેરિકાના ડોક્ટર્સને પહેલીવાર કોરોના વાયરસની મગજ પર કેવી અસર થાય છે તેનો એક ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. લાઈવ સાયન્સ તેમજ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા લક્ષણ જોવા મળી રહ્યા છે.
1 એપ્રિલે અમેરિકાના ડેટ્રોઈટમાં એક 50 વર્ષીય મહિલાને માથામાં દુ:ખાવા ઉપરાંત ક્યાંય ધ્યાન કેન્દ્રિત ના થતું હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. આ મહિલા પોતાના નામ સિવાય બીજું કશુંય જણાવી શકવાની સ્થિતિમાં નહોતી. તેને બીજી જે તકલીફો હતી તેના આધારે ડોક્ટરોને આ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા ગઈ, અને તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. જ્યારે તેના મગજને સ્કેન કરવામાં આવ્યું ત્યારે તેમાં અસામાન્ય સોજો અને કેટલાક ભાગમાં મગજના કોષ નાશ પામ્યાનું પણ સામે આવ્યું.
માર્ચમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં 74 વર્ષના એક વૃદ્ધ ઉધરસ અને તાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે, એક્સ-રેમાં તેમને ન્યૂમોનિયા ના હોવાનું બહાર આવતા તેમને પાછા મોકલી દેવાયા હતા. બીજા દિવસે તેમને અચાનક જ ભયાનક તાવ આવ્યો, અને તેમને ફરી હોસ્પિટલ લવાયા. તેઓ શ્વાસ પણ નહોતા લઈ શકતા, તેમની હાલત એટલી ગંભીર હતી કે તે પોતાનું નામ બોલી શકવાની સ્થિતિમાં પણ નહોતા. તેમને અચાનક આંચકી આવવાની શરુ થઈ, અને તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.
અમેરિકાના હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમના ન્યૂરોલોજિસ્ટ ડૉ. એલિસા ફોરીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પેશન્ટ્સના મગજને ડેમેજ થતું હોવાનું સામે આવી રહ્યું છે. દુર્લભ સંજોગોમાં આ વાયરસ દર્દીના મગજને પણ સીધી અસર કરતો હોવાની શક્યતા છે. જોકે, તેની સીધી લિંક હજુ સુધી મળી નથી અને તેના પર સંશોધન ચાલુ છે.
માત્ર અમેરિકા જ નહીં, ઈટાલી અને વિશ્વના અન્ય દેશોના ડોક્ટર્સને પણ કોરોનાના દર્દીઓમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે દર્દીઓમાં સ્ટ્રોક, આંચકી, મગજમાં લોહી જામી જવા જેવી સમસ્યા સામે આવી રહી છે. કેટલાક કેસમાં તો કોરોનાને કારણે તાવ આવે તે પહેલા પેશન્ટને મગજને લગતી તકલીફ થઈ જાય છે. ઈટાલીમાં આવા દર્દીઓની સારવાર માટે અલગથી ન્યૂરોકોવિટ યુનિટ પણ શરુ કરાયું છે.
જ્યાં આ વાયરસ સૌ પહેલા જોવા મળ્યો હતો તેવા ચીનના વુહાનમાં પણ ડોક્ટર્સને કેટલાક પેશન્ટ્સમાં મગજને લગતી આવી જ તકલીફો જોવા મળી હતી. ચીનના ડોક્ટરોએ આ અંગે ઓનલાઈન પ્રિલિમિનરી પેપર પબ્લિશ કર્યા બાદ જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, ઈટાલી અને હોલેન્ડ તેમય યુએસમાં પણ આવા લક્ષણ દેખાયા હતા, જેમાં 60 વર્ષથી નીચેની વય ધરાવતા દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
કેટલાક ડોક્ટર્સે એવા કેસ પણ રિપોર્ટ કર્યા છે કે જેમાં દર્દીને માનસિક તકલીફ સાથે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, અને આખરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જેવા કે તાવ કે ઉધરસ જોવા નહોતા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..