સિક્કિમ: તમે ભૂતોની ઘણી વાતો સાંભળી હશે. તેમાંથી કેટલીક તો એવી પર હશે જેના પર ન ઇચ્છવા છતાંપણ તમારે વિશ્વાસ કરવો પડ્યો હશે. જ્યારે કેટલીક વાતોને તમે મજાકમાં ઉડાવી નાખી હશે. હાલમાં આવી જ એક વાત જબરદસ્ત ચર્ચામાં છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભારતીય સરહદની પહેરેદારી કરનાર સિપાહી હરભજન સિંહના ભૂત વિશે. એવું કહેવામાં આવે છે કે તેમનું ભૂત આજે પણ ભારતીય સરહદની પહેરેદારી કરે છે.
હિમાલયની વાદીઓમાં તમે જશો તો કોઇપણ ટેક્સી ડ્રાઇવરને ‘હરભજન બાબાની જય’ બોલતા સાંભળીને આશ્ચર્ય ન પામતા. અહીંયા તિસ્તા નદી પર બનેલા પુલ પરથી પસાર થતી દરેક ગાડીનો ડ્રાઇવર હરભજન બાબાની જયજયકાર કરતો જ ત્યાંથી નીકળે છે. વાત એવી છે કે સિક્કિમમાં વહેતી આ નદીની આસપાસ જ હરભજન બાબાનું ભૂત હોવાનું માનવામાં આવે છે.
મર્યા પછી પણ સેનામાં કાર્યરત હરભજન સિંહ
ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ એક એવા સૈનિક હતા, જે મરણોપરાંત પણ પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે. મર્યા પછી પણ તેઓ સેનામાં કાર્યરત છે અને તેમની પોસ્ટ્સનું પ્રમોશન પણ થાય છે. આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે 30 ઓગસ્ટ, 1946ના રોજ જન્મેલા બાબા હરભજન સિંહ 9 ફેબ્રુઆરી, 1966ના રોજ ભારતીય સેનાના પંજાબ રેજિમેન્ટમાં સિપાહીના પદ પર ભરતી થયા હતા.
કેવી રીતે થયું હરભજન સિંહનું મોત
1968માં હરભજન સિંહ પંજાબ રેજિમેન્ટની સાથે પૂર્વ સિક્કિમમાં સેવારત થયા. આ જ વર્ષે 4 ઓક્ટોબરના રોજ પૂર્વીય સિક્કિમની પાસે તેમનો પગ લપસ્યો અને તેઓ ઘાટીમાં નીચે પડી ગયા. ઘાટીમાં પડી જવાથી તેમનું મોત થઇ ગયું. અહીંયા પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ વહેતા-વહેતા 2 કિલોમીટર દૂર પહોંચી ગયા.
સાથી સૈનિકના સપનામાં આવીને આપી જાણકારી
બે દિવસ સુધી બાબા હરભજનને તે જ જગ્યાએ ખૂબ શોધવામાં આવ્યા, પરંતુ તેઓ ન મળ્યા. કહેવામાં આવે છે કે ત્યારબાદ તેમણે પોતાના એક સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના શરીર વિશે જાણકારી આપી. સપનામાં તેમની જણાવેલી જગ્યા પર તપાસ કરવાથી ત્રણ દિવસ બાદ ભારતીય સૈન્યનો તેમનો પાર્થિવ દેહ તે જ જગ્યાએથી મળ્યો.
તેમણે સપનામાં કહેલું તેઓ ભવિષ્યમાં પણ સરહદ પર રહેશે તહેનાત
બાબા હરભજને સિપાહીને સપનામાં એમપણ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પણ સરહદ પર તહેનાત રહેશે. તે વાત પણ સાચી પડી. કહેવામાં આવે છે કે બાબા હરભજન સિંહ નાથુલાની આસપાસ ચીની સૈન્યની ગતિવિધિઓની જાણકારી પોતાના મિત્રોને સપનામાં એવી જ રીતે આપતા રહે છે, જેવું તેમણે કહ્યું હતું. આ જાણકારીઓ હંમેશાં સાચી પણ સાબિત થતી હતી.
બે જણને આવીને સપનામાં એક જેવી માહિતી આપી
બાબાના સપના સાચા હોવાની સાબિતી એ પણ હતી કે એકવાર તેમણે એક જ જાણકારીને લઇને બે અલગ-અલગ લોકોને એક જ જેવુ સપનું બતાવ્યું હતું. મોટી વાત એ છે કે બંનેના સપનામાં જે એક વાત જણાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે સાચી સાબિત થઇ.
બાબાએ સપનામાં પોતાની સમાધિ બનાવવાની ઇચ્છા દર્શાવી
કહેવામાં આવે છે કે સપનામાં બાબા હરભજન સિંહે ઇચ્છા દર્શાવી હતી કે તેમની સમાધિ બનાવવામાં આવે. તેમની ઇચ્છાનું માન રાખીને તેમની એક સમાધિ પણ બનાવડાવવામાં આવી. આ સમાધિ પર હવે ત્યાં મંદિર બનાવડાવી દેવામાં આવ્યું છે.
સેનાના જવાનો કરે છે મંદિરની ચોકીદારી
ભારતીય સેનાના જવાન બાબાના મંદિરની ચોકીદારી કરે છે. ફક્ત એટલું જ નહીં, તેઓ દરરોજ તેમના જૂતા પણ પોલિશ કરે છે. તેમના યુનિફોર્મને સાફ કરવામાં આવે છે. તેમના માટે પથારી પણ પાથરવામાં આવે છે. ત્યાં તહેનાત થયેલા સિપાહી જણાવે છે કે સાફ કરેલા જૂતા પર બીજા દિવસે કાદવ લાગેલો હોય છે અને તેમની પથારી પર સળો પણ પડેલી હોય છે.
બાબાની આત્મા હોવાની વાત ચીનનું સૈન્ય પણ માને છે
બાબાની આત્મા હોવાની વાત ભારત જ નહીં ચીનનું સૈન્ય પણ જણાવે છે. ચીની સૈનિકો પણ જણાવે છે કે તેમને ઘોડા પર સવાર થઇને રાતે પેટ્રોલિંગ કરતા બાબા જોવા મળ્યા છે. ભારત અને ચીન બંને આજે પણ બાબા હરભજન હોવાની વાત પર વિશ્વાસ કરે છે. એટલે બંને દેશોની દરેક ફ્લેક મીટિંગમાં એક ખુરશી બાબા હરભજનના નામની આજે પણ રાખવામાં આવે છે.
વર્ષો પહેલા ચીની સૈન્યના હુમલા વિશે બાબાએ સપનામાં કરેલી જાણ
વર્ષો પહેલા ઘણા સૈનિકોએ બાબા હરભજન સિંહના નિર્દેશવાળું એક જ સપનું જોયું. તે સપનામાં તેઓ તે સૈનિકોને સીમાની સુરક્ષામાં ઉણપ વિશે ચેતવણી આપતા જોવા મળ્યા. તેમણે સપનામાં સૈનિકોને એમ પણ ચેતવ્યા કે જો સુરક્ષા વ્યવસ્તાને જલદી સુધારી નહીં તો ચીની સૈન્ય ગમે ત્યારે હુમલો કરી શકે છે.
બાબા હરભજનને પણ આપવામાં આવે છે વેતન
આ બધું જોયા અને સાંભળ્યા પછી ટુંક સમયમાં જ ભારતીય સૈન્યને પણ બાબા હરભજન સિંહના હોવા પર વિશ્વાસ બેસી ગયો. હવે તમામ ભારતીય સૈનિકોની જેમ બાબા હરભજન સિંહને પણ દર મહિને વેતન આપવામાં આવે છે. સેનાના પેરોલમાં આજે પણ બાબાનું નામ લખેલું છે. તેમના નામથી મળતા વેતનને આજે પણ દર મહિને કપૂરથલામાં તેમના પરિવારને મોકલી દેવામાં આવે છે.
ખતરનાક રસ્તા પરથી પસાર થઇને લોકો પહોંચે છે બાબાના મંદિરે
હવે લોકો મંદિરમાં બાબાની સમાધિના દર્શન કરવા માટે 14,000 ફૂટની ઊંચાઇ પર સાંકડા રસ્તા પર સરકતાં ગાડી લઇને આવે છે. આટલો ખતરનાક રસ્તો હોવા છતાંપણ લોકો આટલી ઊંચાઇએ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દૂર-દૂરથી આવે છે. ઘણા લોકો તો બીમારીની હાલતમાં અહીંયા ચમત્કાર જોવા અને મન્નત માંગવા પણ આવે છે. તેમનું માનવું છે કે અહીંયા માંગવામાં આવતી મન્નત ચોક્કસપણે પૂરી થશે. તેમની સમાધિ વિશે માન્યતા છે કે અહીંયા પાણીની બોટલ થોડા દિવસ રાખવાથી તેમાં ચમત્કારિક ગુણ આવે છે. તેનું 21 દિવસ સુધી સેવન કરવાથી શ્રદ્ધાળુઓ પોતાના રોગોથી સો ટકા છૂટકારો મેળવે છે.
અહીંથી પસાર થનાર ટેક્સી ડ્રાઇવર પણ અહીંયા રોકાઇને તેમની સમાધિ પર માથું ટેકવીને પછી જ આગળ જાય છે.