દિલ્હી પોલીસની તમામ મહિલા પોલીસ કર્મી પોતાના સાહસ માટે વખણાય છે પરંતુ તેમાં કોન્સ્ટેબલ જયા યાદવની વાત જ અલગ છે. જયા પોલીસ, સમાજ અને પોતાના પરિવાર માટે અલગ અલગ રોલ ભજવતી જોવા મળે છે. છોકરીઓની છેડતી કરનારા પર તે આફત બનીને તૂટી પડે છે. પુરુષ ઑફિસરોને મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના આરોપ લાગવાનો ડર રહેતો હોય એવી પરિસ્થિતિ ઊભી થાય અથવા તો ભીડમાં ભેગી થયેલી મહિલાઓને સમજાવવાની હોય, જયા યાદવ અગ્રેસર રહે છે. જયા પોતાના પરિવાર માટે પણ રોલ મોડેલ છે. તે બધા જ કામ એટલી સહજતાથી અને કાબેલિયતથી પૂરા કરે છે કે બધા તેના ફેન થઈ જાય છે.
સાસુએ આપી પોલીસ કર્મી બનવાની પ્રેરણા
તમને જાણીને નવાઈ લાગશે પણ જયાને પોલીસ કર્મી બનવાની પ્રેરણા તેના સાસુએ આપી હતી. યુ.પીની જયા લગ્ન બાદ હરિયાણા શિફ્ટ થઈ ગઈ હતી. કારકિર્દીની શરૂઆતમાં તે ડ્યુટી તો કરતી હતી પણ રોલમાં ફિટ નહતી બેસતી. 5 ફૂટ 6 ઈંચની હાઈટ ધરાવતી જયાને દબંગ બનાવવામાં તેની સાસુની મહત્વની ભૂમિકા છે. જયા જણાવે છે, “મને બાઈક પર પેટ્રોલિંગ કરવાનું ઘણુ મન થતુ પરંતુ મને બાઈક ચલાવવાની આદત નહતી. આવામાં એક વાર વાત-વાતમાં મારાથી આ વાત મારા સાસુને થઈ ગઈ. મારા સાસુએ ન માત્ર મને બાઈક ચલાવવા પ્રેરણા આપી પણ સાથે દબંગ બનીને ડ્યુટી કરવા માટે અનેક ટિપ્સ પણ આપી જેથી હું છોકરીઓની છેડતી કરનારા અને બદમાશોના છક્કા છોડાવી શકું.”
દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ જયાની શરૂઆત ટ્રાફિક પોલીસની ડ્યુટીથી થઈ હતી. પછી તેમણે ઘણો સમય પીસીઆરમાં પણ વીતાવ્યો. છેલ્લા બે વર્ષથી તે ખ્યાલા પોલીસ સ્ટેશનમાં ડ્યુટી બજાવે છે. તે અહીં રિસેપ્શનનું કામ પણ સંભાળે છે પણ તેને ફિલ્ડ ડ્યુટી વધુ સારી લાગે છે. તે બાઈક પર પેટ્રોલિંગ કરતા મહિલાઓ અને ખાસ કરીને છોકરીઓમાં હિંમત ભરવા માંગે છે.
ભટકી ગયેલા યુવાનોને ભણાવે છે પાઠ
જયા ભટકી ગયેલા યુવાનોને પણ ભરરસ્તે પાઠ ભણાવે છે. તે ઘણા યુવાનોને થાણે બોલાવીને ખોટો રસ્તો છોડી સાચા રસ્તે ચાલવાની સલાહ આપે છે. આ દબંગ લેડી સિંઘમ આજે પોતાના તમામ પોલીસ ઑફિસરોના ગુડ લિસ્ટમાં છે. ભીડ અને મહિલાઓને હેન્ડલ કરવાની ડ્યુટીમાં જયા હંમેશા આગળ રહે છે. તેની જોબ પ્રત્યે નિષ્ઠા એટલી વધારે છે કે તે ઘડિયાળ જોઈને ડ્યુટી નથી કરતી પરંતુ ત્યારે ડ્યુટી કરે છે જ્યારે ડિપાર્ટમેન્ટને તેમની જરૂર હોય. કાયદો અને વ્યવસ્થા ખોરવાય ત્યારે ડ્યુટી ટાઈમ ઑફ થયા બાદ પણ તે ઘટનાસ્થળે ઉપસ્થિત થઈ જશે.
અત્યાર સુધીમાં 1000 કરતા વધારે યુવાનોની સાન ઠેકાણે લાવી ચૂકેલી જયા પિસ્તોલ, એકે 47 અને એમપી-5 ગન ચલાવવામાં એક્સપર્ટ છે. તેનું નિશાન એકદમ સટીક છે. તે ઘણું સારુ બેડમિન્ટન પણ રમે છે. ડિપાર્ટમેન્ટની તરફથી તે ઘણી વાર બેડમિન્ટનમાં સારુ પરફોર્મ કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.