દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પાણીને અમૃતની ઉપમા આપવામાં આવી છે, પરંતુ આજની લાઈફ સ્ટાઇલમાં લોકો શુદ્ધ પાણી પીવાના ચક્કરમાં પાણીમાં રહેલા પોષકતત્ત્વો અને વિટામિન ખતમ કરી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાં વેચવામાં આવતા પાણીમાં પ્લાસ્ટિકના તત્ત્વો ભળી જતા હોવાને લીધે કેન્સર સહિતના રોગ થવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. મિનરલ વોટરનો આગ્રહ રાખતા લોકોને કદાચ જાણ નહીં હોય કે પ્લાસ્ટિકની બોટલમાં પ્લાસ્ટિકના તત્ત્વો ભળી જાય છે અને આરઓનું પાણી પીતા લોકોમાં વિટામિન બી-12ની ઉણપ જોવા મળે છે અને જેના કારણે હાડકાં અને આંતરડાના રોગને આમંત્રણ આપવા જેવી સ્થિતિ સર્જાય છે.
એક લિટર પાણીની બોટલમાં 10.4 માઈક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ ભળે છે
પાણીની બોટલ કે પાઉચનું પાણી પીતા કરોડો લોકો માટે ચેતવણી રૂપ બાબત એ છે કે, આપણે રોજિંદા દિવસોમાં જે પાણીનું સેવન કરી રહ્યા છીએ તેનાથી ખરેખર કેન્સર સહિતના અનેક રોગ થવાનું જોખમ રહેલું છે. પ્લાસ્ટિકમાં પેક કરેલા પાણીથી પ્લાસ્ટિકના તત્ત્વો આસાનીથી પાણીમાં ભળી જાય છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનું સંશોધનમાં સાબિત થયું છે.
એક રિપોર્ટ ટેસ્ટ દરમિયાન એક લિટર પાણીની બોટલમાં 10.4 માઈક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ મળ્યા હતા. જે નળમાંથી આવતા પાણીની સરખામણીમાં બે ગણા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર કશ્યપ ઠુમ્મરે કરેલું સંશોધન અને રિસર્ચ પેપર જુલાઈ-2017માં જર્મનીના બર્લિનમાં પણ પ્રસિદ્ધ થયું છે અને ભારત સરકારે પણ દેશની અનેક સંશોધન કરતી સંસ્થાઓને તથ્યો બહાર લાવવા આદેશ કર્યો છે. થેલેટ કેમિકલ, ડાયમિથાઈલ થેલેટ, ડાયઈથાઈલ થેલેટ, ડાયઈથાઈલ હેક્ઝાઈલ, ડાયબ્યુટાઈન થેલેટ જેવા નુકસાનકારક કેમિકલ પાણીમાં ભળે છે.
વિટામિન બી12ની ઉણપ ત્રણ ગણી વધે છે
પાણીને પીવાલાયક બનાવવા માટે RO સિસ્ટમ લગાવવી જરૂરી છે અને સોસાયટીમાં એનું એક સ્ટેટ્સ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં RO પાણીના ગેરફાયદાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ રિપોર્ટ પ્રમાણે RO પાણીનો સતત ઉપયોગ કરવાથી આંતરડામાં રહેલા બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે અને પાચન તંત્રને તથા પોષણને લગતા રોગો થઇ શકે છે.
શરીરમાં કેલ્સિયમ અને મેગ્નેશિયમની ઉણપ અને તેને લગતા રોગો થઇ શકે છે. હાડકાં નબળા થવાની તથા તેમાં ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે.પશ્ચિમ ભારતમાં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે 28% ભારતીય નાગરિકો વિટામિન B12 ની ઉણપ ધરાવે છે, પરંતુ RO પાણીનો ઉપયોગ કરનાર લોકોમાં આ ઉણપ 50.6% જેટલી જોવા મળી છે. RO સિવાયનું પાણી પીવા વાળામાં આ ઉણપ માત્ર 17.5% જેટલી જ જોવા મળી છે. આ સર્વેક્ષણ પરથી એવું તારણ કાઢી શકાય કે RO નું પાણી પીવાવાળામાં વિટામીન B12 ની ઉણપ 3 ગણી વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ROના પાણીમાં કુદરતી ખનીજો નષ્ટ થાય છે
આરઓ દ્વારા પ્રોસેસ કરેલા પાણીમાં કુદરતી ખનીજો નષ્ટ થઇ જાય છે. તેના બદલે પાણી ગાળીને કે ઉકાળીને પીવું જોઈએ. પાણીમાં ખૂબ જ ક્ષાર હોય તો જ આરઓ જરૂરી બને છે. – ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી, ન્યુરોસર્જન
બોટલના પાણીથી આ રોગની સંભાવના
* કેન્સર * અસ્થમા * ડાયાબિટીસ * હૃદયરોગ
ROના પાણીથી આ રોગ થવાની સંભાવના
- આંતરડાના રોગ
- પાચનને લગતા રોગ
- હાડકાં નબળા પડે
- રક્તકણ ઘટે