મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની શ્રેયા ગાબાણીએ ઓલ ઈન્ડિયા લેવલે 68મું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ડોક્ટર પિતાની દીકરી શ્રેયાને દિલ્હીમાંથી એમબીબીએસ કરીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ધો. 11થી તૈયારી શરૂ કરેલી
મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામની વતની અને હાલ સુરતમાં રહેતી શ્રેયા શૈલેષભાઈ ગાબાણીએ નીટ માટે ધોરણ 11થી જ તૈયારી શરૂ કરી દીધી હતી. નીટ માટે તે અલગથી તૈયારી કરતી હતી. ધોરણ 12 સાયન્સની સાથે નીટ માટે અલગ સમય આપતી હતી. રોજના 10 કલાકનું વાંચન શ્રેયા કરતી હતી. શ્રેયાની સફળતાના પગલે ડોક્ટર પિતા શૈલેષ અને હાઉસ વાઈફ માતા શિલ્પાબેન તથા દાદા દાદીએ શ્રેયાની સફળતાને બિરદાવી હતી અને મિઠાઈ ખવડાવીને શુભકામના પાઠવી હતી.
અધરા ફિઝીક્સના પેપર સોલ્વ કરીને આસાન બનાવ્યું
શ્રેયાએ જણાવ્યું હતું કે, મને નવમાં ધોરણથી બાયોલોજી પ્રત્યે વધારે લગાવ હતો. અને એટલે જ બી ગ્રુપ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. નીટમાં ફિઝીક્સમાં પ્રોબ્લેમ હતો. સ્પીડ ઓછી હતી એટલે ક્વેશન પેપર સોલ્વ કરી કરીને સ્પીડ વધારી હતી.
પિતા મોરલી સપોર્ટ કરતા હતા
શ્રેયાએ જણાવ્યું હતું કે, સફળતામાં આકાશ ક્લાસીસ અને સ્કૂલ યોગી ઈંગ્લીશ એકેડમીનો પણ સાથે રહ્યો છે. તેમના માર્ગદર્શનની સાથે સાથે પિતા પણ મોરલી સપોર્ટ કરતાં અને માતા શિલ્પાબેન પણ દરેક બાબતોનું ધ્યાન રાખતાં હતાં. જેના કારણે જ આટલી સારી સફળતા મેળવવી શક્ય બની છે.