આઈ શ્રી ખોડિયાર માંની કથા અને મંદિરોની સંપૂર્ણ માહિતી

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. અને તેનું વિશેષ માહત્મ્ય પણ રહ્યું છે.ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી,આધ્ય શક્તિ શ્રી વેરાઈ , મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવાં દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા લોક વાયકા મુજબ મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમનાં દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.મહા સુદ 8 એટલે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ શ્રી ખોડિયાર માતાજીના પ્રગટ્યા વિષે અનેક દાંત કથાઓ છે જેમાં વાત કરીએ તો રોહીશાળા અને રાજપરા ગામને લગતા ખોડીયાર માતાજીના પ્રગટ્ય વિશે સહુ કોઈ જાણે છે.

ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડીયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે. જેમાં દોંગા પરિવાર ના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીનાં “અનુગ્રહ” મંદિરે લાખો શ્રધ્ધાળુંઓ દર્શને આવે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ, બોટાદ પાસે રોહિશાળા અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલાં છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલાં છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવાં મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર માં તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે.

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસનાં સમયની વાત છે. પાળિયાદ પાસે આવેલા રોહીશાળા ગામમાં રહેતા મામાડયો ચારણ વલ્લભીપુરના રાજા શીલ ભદ્રના દરબારમાં મામૈયા દેવ તરીકે જાણીતો હતો આ મામૈયા દેવ તેમની જીભ ઉપર સરસ્વતી માતાનો સાક્ષાત વસવાટ હતો આ ખોડિયાર માં માડયો દેવ નિ:સંતાન હોય તેનું મોં જોવું અપશુકન ગણાતું તેવી વાતો થતા રાજાએ મામાડયા દેવને તેના દરબારમાં આવવાની ના પડી દીધી હતી. મુંઝાયેલા મામાડયા દેવે મહાદેવને રીઝવવા માટે ઘર છોડી દીધું હતું. ભોળાનાથ મામડયા દેવ પર પ્રસન્ન થયા અને ૭ પુત્રી તથા ૧ પુત્રનું વરદાન આપ્યું હતું અને આ સાત પુત્રીમાંની એક પુત્રી એટલે ખોડીયાર માતાજી, મામાડયા ચારણનો દીકરો સર્પ દંશ ના કારણે મૃત્યુ પામ્યો બાદમાં હાલ જે ખોડીયાર માતાજી તરીકે ઓળખાય છે તેમનું મૂળ નામ જાનબાઈ હોવાનું મનાય છે બીજી એક લોકવાયકા મુજબ જોવા જઈએ તો આ ખોડીયાર માતાજી ધારીમાં પણ સ્થિર થયા હતા.

જાનબાઈમાંથી ખોડિયાર

વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.

ખોડિયાર માં એ મહારાજ ભાવસિંહજી સાથે એક શરત પણ મૂકી હોવાની લોકવાયકા છે

ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તેમની રાજધાની સિહોંરથી ભાવનગર ફેરવાનું નક્કી કરતાં માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી હતી અને માતાજીએ મહારાજ ભાવસિંહજી સાથે એક શરત પણ મૂકી હોવાની લોકવાયકા છે. માહારાજ ભાવસિંહજીને કહ્યું હતું કે, હું તારી સાથે ભાવનગર તો આવું પણ તારે પાછળ ફરી ને જોવાનું નહીં અને જો તેવું થશે તો હું એ જ જગ્યાએ સ્થિર થઇ જઈશ. તે પછી મહારાજા આગળ અને ખોડીયાર માતાજી ઝાંઝર પહેરીને રૂમ ઝૂમ કરતા તેની પાછળ આવવા નીકળ્યા હતા હજુ તો સિહોંરનું પાદર વટયા અને રાજપરા ગામ પાસે ઝાંઝરનો રણકાર બંધ થઇ જતા મહારાજા ભાવસિંહજીને શંકા ગઈ અને તેણે પાછુ વાળીને જોતા ખોડીયાર માતાજી તથા તેમની તમામ બહેનો ત્યાં સ્થિર થઇ ગઈ હતી. બાદમાં અહીં રાજવી પરિવારે તાંતણીયા ધરાનું નિર્માણ પણ કર્યું અને મંદિર પણ બનાવ્યું જે ખોડીયાર માતાજીનું મંદિર આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે.

ખોડિયાર મંદિર – માટેલ

ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવાં જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

રાજપરા ખોડિયારમાં મંદિર

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારત ભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગર નો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલ એ બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગર નાં રાજવી ભાવસિંહજી ગોહિલ એ આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી જુનાગઢ નાં રાજા રા’નવઘણની રક્ષા જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનું શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવાં આવતો હતો. કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી.

ખોડિયાર મંદિર – વરાણા

ખોડિયાર માતાજીનું વારાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં પાટણ જિલ્લા નાં સમી તાલુકાનાં વરાણા ગામે આવેલ છે. આ ગામ સમી થી આશરે ૫ થી ૬ કિ.મી.એ આવેલું છે. અહીં ખોડિયાર માતાનું કોતરણીવાળુ ભવ્ય મંદિર આવેલુ છે. અહીં વરાણા માં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમ નાં દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં પુરા ભારત દેશમાં વસતાં પાટણ જિલ્લાનાં ગુજરાતીઓ માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવાં આવે છે. ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે. અહીં રહેવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે. વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ ૧ થી મહા સુદ ૧૫ સુધી ચાલતા આ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળામાં ચગદોડ, નાની મોટી ચકરડીઓ, મોતનાં કુવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવાં મનોરંજનથી લોકો આનંદ મેળવે છે. અહીંનાં આજુબાજુનાં તમામ રોડ રસ્તાઓ પર વાહનોની કતાર લાગી જાય છે.

સૌજન્ય – દિવ્યભાસ્કર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

મંદિર