14 નવેમ્બર એટલે કે બાળ દિન નિમિત્તે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર 12 વર્ષના એક બાળકનો ફોટોગ્રાફ શેર કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. તે ફોટોગ્રાફ હતો બાજી રાઉતનો. બાજી રાઉત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી નાની વયનો શહીદ હતો. એણે માત્ર 12 વર્ષની કુમળી વયે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી. આટલી નાની ઉંમરે પણ એણે પોતાના દેશ અને પોતાના ક્રાંતિકારી સાથીઓ સાથે વિશ્વાસઘાત કરવાને બદલે મોતને વહાલું કરવાનું વધુ પસંદ કરેલું.
‘વાનરસેના’નો સભ્ય, કાળજું સિંહનું
5 ઓક્ટોબર, 1926ના રોજ ઓડિશાના ઢેંકાનાલમાં જન્મેલો બાજી રાઉત એક નાવિકનો સૌથી નાનો પુત્ર હતો. બાજીના પિતા ત્યાં વહેતી બ્રહ્માણી નદીમાં હોડી હંકારીને ગુજરાન ચલાવતા. બાજી દસ-અગિયાર વર્ષનો થયો ત્યાં સુધીમાં આઝાદીની ચળવળ દેશના ખૂણેખૂણામાં પ્રસરી ચૂકી હતી. ઠીક ઠીક સમજણો થયા પછી બાજી તે અરસામાં ઓડિશામાં ચાલી રહેલી‘પ્રજા મંડળ ચળવળ’ની બાળકોની પાંખ ‘વાનરસેના’નો સભ્ય બન્યો હતો.
જલિયાંવાલા બાગના પુનરાવર્તનની ચેષ્ટા અંગ્રેજોને ભારે પડી
10 ઓક્ટોબર, 1938ના દિવસે બ્રિટિશ પોલીસે ઓડિશાના ભુબન ગામના અમુક લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરેલા. આની સામે પ્રજામંડળના કાર્યકરોએ આવીને તેમને છોડવાની માગ સાથે પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન આદર્યું. પરંતુ બ્રિટિશ પોલીસે તેમની સાથે કોઈ જ સંવાદ સાધવાને બદલે પોતે જેના માટે કુખ્યાત હતી તે કામ આદર્યું, તેમણે એકઠા થયેલા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ગોળીબારમાં બે વ્યક્તિઓ શહીદ થઈ ગઈ. આ દુઃસાહસ અંગ્રેજોને ભારે પડ્યું. લોકો ગભરાઈને જતા રહેવાને બદલે વધુ ને વધુ લોકો ત્યાં એકઠા થવા લાગ્યા અને દેખાવ વધુ ઉગ્ર થવા લાગ્યો. બ્રિટિશ પોલીસને પણ લાગ્યું કે અહીંથી સમયસર છટકી જવામાં જ સાર છે. એટલે એમણે પાછળના રસ્તેથી નીલકંઠપુર ઘાટ થઈને ઢેંકાનાલ જવાનો રસ્તો લીધો. ઢેંકાનાલ પહોંચવાનો તે સૌથી ટૂંકો રસ્તો હતો.
‘જીવતો છું ત્યાં સુધી તો નદી પાર નહીં જ કરાવું’
11 ઓક્ટોબર, 1938ના પરોઢિયે જીવ બચાવીને ભાગી છૂટેલા તે બ્રિટિશ પોલીસના અધિકારીઓ નીલકંઠપુર ઘાટ પહોંચ્યા ત્યારે વરસાદ શરૂ થઈ ગયેલો. નદી કાંઠે ધ્યાન રાખવા માટે બાજી રાઉત ત્યાં હોડી સાથે તૈનાત હતો. અંગ્રેજોએ કરડાકીથી બાર વર્ષના એ છોકરાને નદી પાર કરાવી આપવા હુકમ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં પોલીસે જે ગોળીબાર કરેલો તેના સમાચાર બાજી રાઉત સુધી પહોંચી ગયેલા. એને એ પણ ખબર હતી કે સ્થાનિક લોકો આ પોલીસ અધિકારીઓની પાછળ પડ્યા છે. એટલે તે પોલીસ અધિકારીઓને ભાગતા રોકવા એ એક ક્રાંતિકારી તરીકે એની ફરજ પણ હતી.
પરિણામની કશી જ પરવા કર્યા વિના બાર વર્ષના એ ક્રાંતિકારી બાજી રાઉતે અંગ્રેજોને નદી પાર કરાવવાની સાફ ના પાડી દીધી. પોલીસે એનો હાથ મરડીને દમદાટી આપી. પરંતુ બાજી ટસનો મસ ન થયો.
હવે પોલીસનો પિત્તો ગયો. એણે પોતાની બંદૂકનો કૂંદો બાજીના માથા પર માર્યો. બાજીની કુમળી ખોપરીમાં ફ્રેક્ચર થયું અને લોહી વહેવા લાગ્યું. છતાં એ હિંમત એકઠી કરીને ફરી પાછો ઊભો થયો અને બ્રિટિશ પોલીસને પડકારીને કહ્યું કે પાછા જતા રહો, એ જીવતો છે ત્યાં સુધી તો તેમને નદી પાર નહીં જ કરાવે. આથી રોષે ભરાયેલા બ્રિટિશ પોલીસ અધિકારીએ બંદૂકની આગળ રહેલો છરો બાજીના શરીરની આરપાર કરી દીધો અને બીજા અધિકારીએ એના નાનકડા દેહને ગોળીએથી વીંધી નાખ્યો. આ સમગ્ર ઘટનાક્રમમાં બાજીની સાથે રહેલા તેના મિત્રો લક્ષ્મણ મલિક, ફાગુ સાહૂ, હૃષિ પ્રધાન અને નાટા મલિકે પણ શહીદી વહોરી હતી.
આજે ‘બાજી રાઉત સન્માન’ અપાય છે
બાજી રાઉતનો દેહ પડવાની સાથે જ તે ભારતની આઝાદીની ચળવળનો સૌથી નાની વયનો શહીદ બન્યો. આજે બાજી રાઉતની યાદમાં દર વર્ષે ‘ઉત્કલ દિવસ’ (1 એપ્રિલ) પર યુવાપ્રતિભાઓને ‘બાજી રાઉત સન્માન’ અપાય છે. તેમાં કળા, વિજ્ઞાન, સમાજસેવા, ઉદ્યોગસાહસિકતા વગેરે ક્ષેત્રોમાં નાની ઉંમરે કાઠું કાઢનારી યુવાપ્રતિભાઓને પોંખવામાં આવે છે.
બાજી રાઉતની યાદમાં ઢેંકાનાલમાં તેની એક પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..