આ છે મહારાષ્ટ્ર બીડના ગૌ સેવક શેખ શબ્બીર મામૂ, 25 જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડના અધિકારીની યાદી જાહેર થઇ તેમાં શબ્બીર મામૂનું નામ પણ સામેલ હતું. તેઓ તેમની 50 એકર જમીનમાં ગાય માટે ચારો ઉગાડે છે અને 175થી વધુ ગાય-બળદને નિભાવે છે. તેઓ જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતાનું સ્લોટર હાઉસ બંધ કરાવ્યું હતું અને તે સમયથી તેમનો પરિવાર ગૌ સેવામાં લાગી ગયો હતો. ચાલો જાણીએ મામૂ વિશેની થોડી રસપ્રદ વાતો…
ખેતીવાડી નહીં માત્ર ગૌ સેવા જ કરે છે
– એક નાનકડા વિસ્તારમાં રહેતા શેખ શબ્બીર મામૂનું નામ પદ્મશ્રીની યાદીમાં આવતા તે હવે જાણે સેલિબ્રિટી બની ગયા છે. તેમને ગૌ સેવા માટે આ સન્માન મળ્યું છે.
– શબ્બીરનું નામ તો પુરસ્કારની યાદીમાં આવી ગયું પરંતુ તે આ સન્માનથી બિલકુલ અજાણ છે. તેમણે પદ્મશ્રી સન્માન વિશે ક્યારેય કંઇ સાંભળ્યું પણ ન હતું. તે માત્ર ગાયોની નિસ્વાર્થ સેવા કરે છે.
– તેઓ 50 એકર જમીનના માલિક છે. જેમાં તે ખેતી નથી કરતા માત્ર ચારો જ ઉગાડે છે અને 175 ગાય-બળદનું ભરણપોષણ કરે છે.
10 વર્ષના હતા ત્યારે કતલખાનુ કરાવ્યું બંધ
– શેખ શબ્બીર મામૂએ જણાવ્યું કે તેના પિતા એક કતલખાનું ચલાવતા હતા. ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. કતલખાનામાં કપાતા ઢોરને જોઇને મામૂના બાળમાનસ પર ઊંડી અસર થઈ. તેને આ બધું જ જોઈને ખૂબ જ આઘાત લાગ્યો.
– શબ્બીર મામૂએ પિતાને કતલખાનું બંધ કરવા માટે જણાવ્યું, આ સમયે તેમની ઉંમર માત્ર દસ વર્ષની હતી. દસ વર્ષની નાની ઉંમરે તેમણે કતલખાનુ બંધ કરાવ્યું અને રઝડતી દસ ગાયોને લાવ્યા અને તેની સેવા શરૂ કરી દીધી. હાલ તેમની પાસે 175 ગાય-બળદો છે. જેની તેનો આખો પરિવાર સેવા કરે છે.
આ રીતે કરે છે ગાય-બળદનું રક્ષણ
– શબ્બીર શેખને લોકો મામૂ તરીકે ઓળખે છે. તે ગાયના ગોબરને વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. ગોબર વેચવાથી તેને 60થી70 હજાર જેટલા રૂપિયા મળી જાય છે.
– તેઓ ગાયના વાછરડાની પણ એક બાળકની જેમ સારસંભાળ રાખે છે. જો કોઇ તેમની પાસે ગાય-બળદ ખરીદવા માટે આવે તો તેમની પાસે લખાણ કરાવે છે કે જ્યારે તે ગાય -બળદ તેમના માટે બિનઉપયોગી બની જાય તો પરત અહીં જ છોડી જાય તેને કતલખાનામાં ન મોકલે. તેમને તેમની કિંમત પરત મળી જશે. આવા છે શેખ મામૂ જે આ રીતે ખોટ સહન કરીને પણ આ અબોલ પ્રાણીની રક્ષા કરે છે.
જહાં ચાહ વહાં રાહ
– 175 ઢોરને સાચવવા અને તેની સારસંભાળ લેવી કોઈ સરળ કામ નથી પરંતુ તેમણે જણાવ્યું કે, જહાં ચાહ વહાં રહા, લોકોની સમયે સમયે મદદ મળતી રહે છે.
– જ્યારે સરકારી અધિકારી પદ્મશ્રી અવોર્ડના સમાચાર આપવા તેમના ઘરે પહોંચ્યાં ત્યારે પણ તેઓ તબેલામાં ગૌ સેવામાં વ્યસ્ત હતા. મામૂ મોબાઇલ ફોન યુઝ નથી કરતા માટે અધિકારીઓએ તેના આવવા સુધી રાહ જોવી પડી. શબ્બીર મામૂએ જણાવ્યું હતું કે, મેં કોઇ અવોર્ડ માટે આ નથી કર્યું.
-શબ્બીર મામૂને બે દીકરા છે જે પરણિત છે. તેમના પૌત્ર પણ મામૂ શેખની રાહ પર જ છે. તેઓ પણ માને છે કે, ગૌ સેવામાં જ સુકૂન છે. તેમણે જણાવ્યું હતું કે પિતાનું ગૌ સેવાનું મિશન ક્યારેય થંભશે નહી અમે અને અમારા સંતાન પણ આ સેવાને અવિરત ચાલુ જ રાખશે