સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ સેવા નામના સંગઠનની સ્થાપ્ના થઈ હતી. સેવાના 100 જેટલા વકીલોએ 30મી મેની રાત્રે મિતુલ ફાર્મ ખાતે મિટીંગ યોજી હતી. જેમાં વકીલોએ સંગઠનનું પહેલું જ કામ મૃતકોને ન્યાય અપાવવાનું સ્વિકાર્યું હતું. વકીલોએ તમામ મૃતકોને ન્યાય કેવી રીતે મળી શકે તે અંગેની ચર્ચા કરીને પાંચ વિભાગમાં જવાબદારી વહેંચી લીધી હતી.
મૃતકોને ન્યાય મેળવવા મથામણ
સરથાણા જકાતનાકા પાસે આવેલા મિતુલ ફાર્મમાં 100થી વધુ વકીઓએ ભેગા મળીને 22 માસૂમ મૃતકને ન્યાય અપાવવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તમામ મૃતકોને માત્ર શ્રધ્ધાંજલિ આપીને બેસી ન રહેતા એક થઈને તમામ મૃતકનો કેસ એકી સાથે કરવા માટે વિચારણા હાથ ધરાઈ હતી. વાલીઓ તરફથી સેવા સંસ્થાના વકીલોએ કેસ લડવાનું નક્કી કર્યું હતું. જેના માટે વકીલોની ટીમો પોતાના સુજાવ વ્યક્ત કર્યાં હતાં. કેસમાં માત્ર બિલ્ડર જ નહીં પરંતુ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે આકરા પગલાં લેવામાં આવે તે રીતે પુરાવા એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી વહેલી તકે થાય તે માટે કામની સોંપણી કરવામાં આવી હતી.
મૃતકોનો આત્મા ન્યાય માંગે છે
સેવા સંસ્થાના અગ્રણી મહેશ સવાણી અને અરવિંદ કાકડીયાએ જણાવ્યું હતું કે, 22 માસૂમોના મોત થયા છે ત્યારે હાથ પર હાથ રાખીને બેસી ન શકાય. આ નવા શરૂ થયેલા સંગઠનનું પહેલું જ કામ ન્યાય માગતા મૃતકોને ન્યાય અપાવવાનું છે. જેના માટે વકીલોની ટીમ પાછી પાની નહીં કરે અને જવાબદાર એક પણ અધિકારી, પદાધિકારીઓ પર આકરી કાર્યવાહી થાય તે દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.