ગુજરાતમાં શિક્ષણની સાથે-સાથે હવે ઓફલાઈન સ્કૂલો શરૂ થવાની અટકળો વચ્ચે વાલીઓની પણ હાલત કફોડી બની છે. એમાં પણ ખાનગી સ્કૂલ-સંચાલકોએ તો બેફામ બનીને ફીનાં ઉઘરાણાં શરૂ કરી દીધા છે. સ્કૂલો લાખો રૂપિયાની ફી વસૂલે છે, પણ સંચાલકોની લાલચ ત્યાં પૂરી થતી નથી. ફીથી સંતોષ ન હોય એ રીતે સ્કૂલ-સંચાલકો હવે યુનિફોર્મનો પણ ધંધો કરવા લાગ્યા છે. દર બે-ત્રણ વર્ષે યુનિફોર્મની ડિઝાઈન બદલી દેવાની અને આ નવો યુનિફોર્મ ચોક્કસ દુકાનેથી જ મળે. આમ, સ્કૂલોને તગડું કમિશન અને દુકાનવાળાને લખલૂટ નફો થાય ને એમાં પીસાય બિચારા વાલીઓ.
અમદાવાદમાં યુનિફોર્મ ખરીદવાની વાત આવે એટલે પિન્ટુ ગાર્મેન્ટ્સ, જીબી બ્રધર્સ અને કોઠારી સ્ટોરનાં નામ વાલીઓએ ક્યારેક તો સાંભળ્યાં જ હશે. આ ત્રણ સ્ટોર જ અમદાવાદની 90% સ્કૂલના યુનિફોર્મ વેચે છે. એમાં પણ આશ્રમ રોડ પરના એક ગાર્મેન્ટ સ્ટોરે તો આજે શહેરમાં પાંચ-પાંચ યુનિફોર્મ શોરૂમ ખડકી દીધા છે. આ સ્ટોર્સની ખાસિયત એ છે કે એ આખા વર્ષમાં બે મહિના જ બરાબર યુનિફોર્મનો ધંધો કરી લે છે અને બાકીનો સમય તો કિડ્સવેર જ વેચે છે.
નક્કી કરેલી દુકાનો સિવાય બીજે ક્યાંય મળતો નથી યુનિફોર્મ
અમદાવાદની અનેક ખાનગી સ્કૂલો સ્કૂલ-યુનિફોર્મ માટે વાલીઓને કેટલીક નક્કી કરાયેલી દુકાનમાંથી જ ખરીદવા માટે આગ્રહ કરે છે, જેથી સ્કૂલ-યુનિફોર્મ આ ચોક્કસ એક કે બે દુકાને જ જોવા મળે છે. અમદાવાદની પશ્ચિમ વિસ્તારની ખાનગી સ્કૂલો દ્વારા મોટે ભાગે આશ્રમ રોડ પરની એક દુકાનમાંથી જ સ્કૂલ-યુનિફોર્મ ખરીદવા માટે આગ્રહ કરે છે. કેટલીક સ્કૂલોનો યુનિફોર્મ એ સિવાયની એકપણ દુકાને મળતો નથી.
અમદાવાદમાં છેલ્લાં 40 વર્ષથી પિન્ટુ ગાર્મેન્ટસની દુકાન ચાલે છે. શરૂઆતમાં તેની એક દુકાન હતી, હવે તેની પાંચ બ્રાંચ થઈ ગઈ છે. આ દુકાનો સ્કૂલ-યુનિફોર્મ માટે ખાસ જાણીતી છે. સ્કૂલો દ્વારા આ દુકાનમાંથી જ યુનિફોર્મ ખરીદવા માટે વર્ષોથી સૂચના આપવામાં આવે છે અને એ દુકાન સિવાય જે-તે સ્કૂલનો યુનિફોર્મ મળતો પણ નથી, જેથી વાલીઓએ મજબૂરીમાં ત્યાંથી જ યુનિફોર્મ ખરીદવો પડે છે.
‘બેજ આપવા માંડીએ તો ધંધો બંધ કરવો પડે, સેટ જ લો’
કોઈ વાલી પાસે સ્કૂલને મળતો યુનિફોર્મ હોય અને માત્ર સ્કૂલનો બેજ કે નાનીમોટી પટ્ટી યુનિફોર્મમાં ના હોય તોપણ સ્કૂલ તરફથી નવો યુનિફોર્મ ખરીદવા જણાવાય છે. આ યુનિફોર્મ સ્ટોર મોનોપોલીનો ધંધો કરે છે, માટે એના સિવાય બીજે ક્યાંય યુનિફોર્મ મળતા નથી. આ સ્ટોરવાળા પણ એકલો બેજ કે પટ્ટી આપતા નથી. માટે વાલી સ્કૂલ-યુનિફોર્મ ખરીદવા જાય અને માત્ર બેજ માગે તોપણ તેમને ચોખ્ખું પરખાવાય છે કે બેજ આપવા માંડીએ તો ધંધો બંધ કરવો પડે. આખો યુનિફોર્મ સેટ જ લેવો પડશે.
આ રીતે યુનિફોર્મ વેન્ડર અને સ્કૂલ-સંચાલક વચ્ચે થાય છે ગોઠવણ
કોઈ સ્કૂલ શરૂ થાય ત્યારે તે 4-5 મોટા વેન્ડરને બોલાવીને યુનિફોર્મ માટે ડિઝાઈન મગાવે છે. આમાંથી જે ડિઝાઈન પાસ થાય એનો સ્કૂલ-યુનિફોર્મ નક્કી કરીને વેન્ડરને એ યુનિફોર્મનો સ્ટોક કરવા જણાવાય છે. હવે સ્કૂલ શરૂ થાય એટલે નોટિસ બોર્ડ પર કે સ્કૂલમાં યુનિફોર્મનો ડેમો મૂકવામાં આવે છે, જેની નીચે દુકાનનું નામ અને એડ્રેસ આપીને ત્યાંથી જ યુનિફોર્મ ખરીદવા ફરજ પડાય છે. આમાં સ્કૂલ-સંચાલકને પ્રતિ યુનિફોર્મ સેટ 25% જેટલું કમિશન મળી રહે છે. અમદાવાદમાં 4-5 મોટી દુકાન આવેલી છે, જ્યાં આ પદ્ધતિ ચાલી રહી છે.
ત્રણ વર્ષે યુનિફોર્મ બદલી નાખવાનો ને લાખો કમાઈ લેવાના
આ અંગે એક સ્કૂલ-સંચાલકે નામ ના જણાવવાની શરતે દિવ્યભાસ્કરને કહ્યું હતું કે સ્કૂલ-સંચાલકોનું નક્કી જ હોય છે કે દર ત્રણ વર્ષે યુનિફોર્મ બદલી નાખવાનો. આને લીધે દરેક સ્ટુડન્ટના વાલીએ ફરજિયાત નવો યુનિફોર્મ સેટ ખરીદવો જ પડે. સ્કૂલ-યુનિફોર્મમાં પટ્ટી અને બેજ અથવા શર્ટના કલરમાં નાના-મોટા ફેરફાર કરીને 1200થી 1500 રુપિયામાં નવા સેટ વેચાય છે. સ્કૂલો પણ વાલીઓને ફરજિયાત નક્કી કરેલી દુકાનમાંથી જ યુનિફોર્મ ખરીદવા ફરજ પાડે છે.
પિન્ટુ ગાર્મેન્ટસના માલિક આશુતોષે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે 40 વર્ષથી સ્કૂલ-યુનિફોર્મ વેચીએ છીએ. GST વધશે તો હજુ યુનિફોર્મના ભાવ વધવાની શક્યતા છે. અમદાવાદ પશ્ચિમની સારી સ્કૂલોના યુનિફોર્મ અમે વેચીએ છીએ. અમદાવાદમાં અમારી 5 બ્રાંચ છે. અમે યુનિફોર્મનો સ્ટોક રાખીએ જ છીએ. અમે રૂ. 650થી શરુ કરીને અલગ અલગ કિંમતના યુનિફોર્મ વેચીએ છીએ. યુનિફોર્મ ઉપરાંત સ્કૂલ-શૂઝ, મોજા, બેલ્ટ, સ્વેટર, ટાઈ અને જેકેટ પણ વેચીએ છીએ. છેલ્લા દોઢ વર્ષથી ધંધો સાવ બંધ હતો, જે સ્કૂલો શરૂ થતાં ફરીથી શરૂ થયો છે.
આચાર્યને રજૂઆત કરી તો 20 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું
આ અંગે અમદાવાદના એક વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલ શરૂ થતા મારા દીકરાની સ્કૂલમાંથી મને જણાવવામાં આવ્યું કે પિન્ટુ ગાર્મેન્ટસમાંથી સ્કૂલ-યુનિફોર્મ ખરીદવાનો રહેશે. જેથી હું પિન્ટુમાં સ્કૂલ-યુનિફોર્મ ખરીદવા ગયો, પરંતુ ભાવ વધારે જણાતાં સ્કૂલને જાણ કરી અને આચાર્ય સાથે રજૂઆત કરી ત્યારે મને પિન્ટુમાંથી 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે સ્કૂલનું કમિશન હતું એ બાદ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..