સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું ગામ રફાળા બન્યુ ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’

એકલપંડે ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’ બનાવનાર ગુજરાતી ‘હીરો’ !

સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું એક નાનકડું ગામ રફાળા સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓકટોબર નિમિત્તે સરદારે એક કરીને નિર્માણ કરેલા ભારત દેશમાં પ્રિય મોરારિબાપુના આશીર્વાદ સાથે અજોડ સ્થાન મેળવી રહ્યું છે. વતનનું ઋણ કેવી રીતે કોઈ દિલદાર દેશભક્ત સજ્જન ચૂકવે એ જોઇને દુનિયા દંગ થઇ જાય એવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અને એના એકલવીર કર્મઠ શિલ્પી છે, મારા હુંફાળા વડીલ મિત્ર ને અંગત પારિવારિક સ્વજન વ્હાલા સવજીભાઈ વેકરિયા.

સવજીભાઈ વેકરિયા હીરાવાળા કે ટેસ્કટાઈલવાળા ઉદ્યોગપતિ નથી, પણ ઉદ્યમી એવા કે આખા સુરતના બધા જ અણમોલ શ્રેષ્ઠીઓ માત્ર એમને ઓળખે જ નહિ, પણ ચાહે ! સુરતમાં રહેતા હોઈને ત્યાંના દરેક મોટા કાર્યક્રમમાં પડદા પાછળ એ અચૂક હોય. આયોજનમાં એકદમ અમેરિકન શિસ્તના ચુસ્ત આગ્રહી. ઉદારતાથી ભાતભાતના ભોજન સહિત આતિથ્યસત્કાર કરવામાં રંગીનશોખીન કાઠિયાવાડી. બીજા માટે કોઈ સ્વાર્થ વિના ઘસાઈને ઊજળા થનાર માનવી. પાંચ હાથ પૂરી પડછંદ કાયા પણ અંદર લાગણીથી ભીનું ભીનું સંવેદનશીલ હૃદય. પહેલીવાર મારા પ્રવચનના યજમાન બન્યા ત્યારથી અમારી તો અંગત ભાવભીની સ્નેહગાંઠ બની ગઈ, મારા જન્મથી ન મળેલા મોટા ભાઈ જ સવજીભાઈ. પણ આ લખવાનું કારણ અંગત સંબંધ નથી, જાહેર ઋણાનુબંધ છે !

રફાળા જેવા સૌરાષ્ટ્રના ગામડેથી દાયકાઓ પહેલા આંખોમાં સપના, હૈયામાં હિંમત અને બાવડામાં પરિશ્રમ લઈને સવજીભાઈએ ભણવા ને સાહસ કરવાની યાત્રા શરુ કરી. સુરતમાં સ્થાયી થઇ કમાયા પણ ભોગવવાને બદલે દેશદાઝથી પ્રેરિત થઇ મેળવેલું બધું રાષ્ટ્રસેવા માટે ગુપ્તદાન કરી દીધું. પોતે જ ઉભી કરેલી સોસાયટીમાં ભાડે રહેવા આવતા રહ્યા સામાજિક કર્તવ્ય નિભાવવા ! પણ દીકરી-દીકરો મોટા થયા ત્યારે કૌટુંબિક જવાબદારી માટે ફરી વ્યવસાયમાં ઝુકાવ્યું. પોતાના પરિવારની દીકરીઓના ય રંગેચંગે ગાંઠનું ગોપીચંદન કરીને, કરિયાવરમાં પુસ્તકો આપીને લગ્ન કર્યા. પણ પોતાની ઘેર યુવાન સંતાનો હોવા છતાં એમના લગ્નને બદલે એમના મનમાં બીજો જ માંડવો આકાર લેતો હતો. અને એ સાકાર થયાની ઘડી હવે આવી રહી છે.

થોડા વર્ષ પહેલા સવજીભાઈને થયું કે વયોવૃદ્ધ માતા-પિતા ગામડે રહે છે. એમના મૃત્યુ બાદ દેખાડા માટે ભપકા અને ખોટા ખર્ચ કરવાને બદલે જ્યાં એમની જુવાની અને ઘડપણ વીતે છે, એ ગામને જ આદર્શ ને અદ્ભુત બનાવીએ. વડીલો માટેનું એ જ તર્પણ. વતનની વાતો કરનારા ને વતન માટે યથાશક્તિ દાન આપનારા ઘણા હોય છે. પણ આ તો નોખી જ માટીનો વિચારવંત માનવી. સાહિત્ય-કળા માટે ભરપૂર આદર ધરાવતા સવજીભાઈ મહેમાનો માટે મેમેન્ટો બનાવે એમાં ય અવનવા આઈડિયા હોય. તો પછી નવું શું થાય ?

ઓલરેડી દાદાના નામના મોહનભાઈ ડાયાભાઈ લોકકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ તો સવજીભાઈ ચલાવતા. ઉપરાંત, દેશભરમાંથી ચિંતકો ને કલાકારો બોલાવી ગ્રામજનોને એનો લાભ પણ આપતા. પણ આ વખતે એમને જરા વિશેષ કરવું હતું. આખા ગામનું નવનિર્માણ કરવાનું આખેઆખી સરકારો માટે ય આઝાદીથી આજ સુધી અસંભવ એવું સપનું જોયું ! પણ મહેનતુ પાટીદાર ખેડૂતનું લોહી, એટલે માત્ર સપના જોવાને બદલે એ સાકાર કરવા પરસેવો પાડવાનું નક્કી કર્યું. મહીનાઓ સુધી ધંધો ને કુટુંબ મુકીને ખડે પડે કડકડતી ટાઢ, ધોમધખતા તાપ અને મૂશળધાર વરસાદમાં ખુદ ઉભા રહી , શ્રેષ્ઠ માણસો શોધીને કામે લગાડી અંગત દેખરેખ નીચે આખું ગામ નવું કર્યું ! પોતાની મરણમૂડી જેવું ધન ખરચી નાખ્યું, ઉધારઉછીના કર્યા અને કરોડોના ખર્ચે આખરે બે’ક વરસમાં તો ઝપાટાબંધ આખું ગામ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ને નવા ભવનો સાથે રીતસર ઉભું કરી દીધું ! ગ્રામજનોએ પણ એમની સુવાસને લીધે બધી જ રીતે સહકાર આપ્યો. તમામ જ્ઞાતિ-ધર્મના લોકો પ્રેમથી આ કર્મયજ્ઞમાં જોડાયા. અને આમ સાકાર થઇ ગયું ગોલ્ડન વિલેજ : રફાળા.

ગામમાં કેટકેટલા નવા પ્રોજેક્ટ્સ પુરા થયા એની યાદી તો સાથેના કાર્ડની તસવીરમાં જોઈ શકશો. ગામના ઓડીટોરીયમ / મેરેજ હોલની ગરજ સારે એવું ‘લાડલી ભવન’ બનાવાયું. જેમાં ગામની તમામ વર્ગ-જ્ઞાતિની દીકરીઓ, સાસરે ગયેલી કે સાસરે આવેલી તમામના ફોટો ગેલેરી સાથે થાપા લઇ સાથે ‘વુમન પાવર’ પ્રદર્શન નિર્માણ કર્યું. સેનાના પરમવીરચક્ર વિજેતાઓને સમર્પિત દરવાજો ઇન્ડિયા ગેટ બનાવ્યો ને અમર જવાન જ્યોતિ સાથે શહીદસ્મારક ચોક પણ રચ્યો. મુક્તિધામ ( સ્મશાન ) ૧૧ ફીટ ઊંચા શિવલિંગ ને શિવ-હનુમાનજીની પ્રતિમા, ભાલકાતીર્થ રેપ્લિકા સાથે બનાવ્યું. પણ સ્મશાનચિંતનના ભાગ રૂપે અંધશ્રધ્ધાના મુકાબલા માટે ત્યાં જીવન બહેતર બનાવનાર ૭૬ જેટલા વિશ્વના વૈજ્ઞાનિકોના જીવન-દર્શનની ઝાંખી તૈયાર કરી ! રામજી મંદિર સહિત તમામ ગ્રામજનો માટેના મંદિરોનું નવનિર્માણ કર્યું. આરસીસી બ્લોક, પાણીની પાઇપ લાઈન, સ્મારકો, શહીદ ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓના નામના ચોક ને અશોક સ્તંભ જેવા સ્તંભ તૈયાર કર્યા. શાળાનું નવું સરસવતી મંદિર સાથે નિર્માણ કર્યું. રસ્તા, પંચાયત ઓફિસ, બસ સ્ટેશન, પારિવારિક પ્રદર્શન, પશુ અવેડા, કપડા ધોવાનો ઘાટ, પાણીની વ્યવસ્થા બધું જ નવુંનક્કોર. ઘેર ઘેર સ્વચ્છતા માટે કચરાપેટી અને કોમન ડસ્ટબીન મુકાવ્યા. આખા ગામમાં મહાનગરો પણ જેમાં પાછળ રહી જાય છે એવી વાઈફાઈ, અન્ડરગ્રાઉન્ડ ગટર અને એલઇડી લાઈટ્સની સગવડો તૈયાર કરાવી !

અને આમ સવજીભાઈ વેકરિયાએ તપસ્વીની જેમ પોતાના સુખ ને આરોગ્યનો ભોગ આપી વતનના ગામ રફાળાને ‘ગોલ્ડન વિલેજ’ બનાવવાની પહેલ પાડી ! વર્લ્ડ હેરિટેજ સાઈટ્સના શહેરોની જેમ આખા ગામને એક જ સોનેરી રંગે રંગવામાં આવ્યું. વ્યક્તિગત ખર્ચે ને અંગત મહેનતે બધું તૈયાર કરાવ્યું હોવા છતાં ક્યાંય પોતાનું કે કુટુંબનું નામ રાખ્યું નહી. બધે ભારતની વિભૂતિઓ અને રાષ્ટ્રનેતાઓના જ નામો આપ્યા છે ! ૫૦૦૦ થી વધુ ટ્રેક્ટર ટ્રોલીથી વધુ માટી ખોદાણ ને પુરાણ કરાવ્યું. આવું ભગીરથ કામ એરકન્ડીશન્ડ ઓફિસમાં બેસીને હુકમો કર્યે કે થાય નહિ. સવજીભાઈએ આયુષ્યના વર્ષો ઓછા થાય એટલી રઝળપાટનો પુરુષાર્થ તકલીફો વેઠીને કર્યો છે , જેનો હું સાક્ષી છું. પત્ની હંસાબહેન, પુત્ર સિધ્ધાંત અને પુત્રી સુભદ્રા પણ સતત એમની શક્તિ બનીને સાથે રહ્યા. પરિવારજનો, સુરતના અને સ્થાનિક મિત્રો અને શુભેચ્છકો મદદરૂપ થયા.

પણ કસોટી તો કામ કરનારની થવાની જ. જે માતા-પિતાનું જીવતા જગતિયું કરવા આ સંકલ્પ લીધો એમાં પિતા કુરજીભાઈ થોડા મહીના પહેલા જ સ્વર્ગવાસી થયા. એ અગાઉ જ માતા લાભુબહેનની અવસ્થાને લીધે દ્રષ્ટિ જતી રહી. જો કે, એમણે ગામનું નવનિર્માણ થતું જોયું જરૂર. પણ લોકાર્પણ નિહાળી નહી શકે. પણ પિતા ઉપરથી અને માતા અંતરથી આશિષ જરૂર વરસાવશે. સવજીભાઈ સ્ટેજ પાછળની સ્ટ્રેન્થ છે. એમને પોતાના વખાણ પણ ગમતા નથી. ખુદ નવા આવાસમાં થોડા વર્ષ પહેલા ગયા ત્યારે મોટા માણસોને આસાનીથી વાસ્તુમાં બોલાવી શકે, ભવ્ય પૂજા કરાવી શકે પણ સમાજ જેમને મંદબુદ્ધિના ગણે એવા બાળકોને તદ્દન નવા ઘરમાં રમવા બોલાવી, મજા કરાવી, જાતે પીરસીને જમાડીને ગૃહપ્રવેશ ઉજવ્યો ! પણ આ તો ગામનો હરખ હતો. ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો જમાનો યાદ દેવડાવે એવા આ ગામનું લોકાર્પણ કરવા માટે સવજીભાઈના હૈયે એક જ નામ હતું. હેતુ વગર હેત કરતા ને તોડવાને બદલે માનવજાતને જોડવા નીકળતા સર્જકતા અને સદભાવના જ્યોતિર્ધર પ્રિય મોરારિબાપુ. એમનો સમય ન મળે તો પ્રોગ્રામ જ ન કરવો એ સંકલ્પ.

પણ પ્રિય બાપુએ સરદાર જયંતીની જ સવારનો સમય આપ્યો છે. ખરા સંતપુરુષ સ્વામી માધવપ્રિયદાસજીની પાવન ઉપસ્થિતિમાં મહાઆરતી , રાસ ગરબાના સંસ્કૃતિક કાર્યક્રમો, કૃષિજ્ઞાન પરિસંવાદ, આ ઉત્સવ માટે કોઈ રાજકીય સ્વાર્થ કે ધાર્મિક તહેવાર વિના આખું ગામ હિલોળે ચડ્યું છે. સુરતમાં જેમની એક મિનીટ પણ એક હીરા જેવી ગણાય એવા મહાનુભાવો નામની અપેક્ષા વિના સારા કામને સાત્વિક સમર્થન કરવા આવી રહ્યા છે. લશ્કરના પરમવીરચક્ર વિજેતાઓ હાજર રહેવાના છે. અઢળક મોંઘેરા મહેમાનો આવવાના છે, પણ કાર્ડમાં એમના નામનો ય મોહ એમણે રાખ્યો નથી. બધા સવજીભાઈના સાકાર થયેલા સપનાનો સાક્ષાત્કાર કરવા હરખ ને હોંશથી આવશે.

સમય મળે આપ પણ મુલાકાત લેજો. લોકાર્પણ કાર્યક્રમમાં માત્ર બાપુના આશીર્વચન છે. ઓપન ફોર ઓલ છે. આ મેસેજ શક્ય ત્યાં તમામ માધ્યમમાં ફેલાવજો જેથી આપણી જવાબદારી માટે જાગૃતિ વધે અને સારું કામ કરનારની કદર કરતા શીખીએ. મીડિયાના મિત્રોને મારા કાર્યક્રમ માટે કદી કહેતો નથી, કોઈને ટેગ પણ કરતો નથી. પણ સત્કર્મ માટે પણ જાહેર અનુરોધ કે ચૂંટણીના સમાચારો વચ્ચે ખરા અર્થમાં ગુજરાત ને ભારત માટે કોઈ રાજકીય સત્તા કે અંગત પ્રસિદ્ધિની પણ ખેવના વિના આ સમાચાર તાપમાં ઊભીને ‘બહુજન હિતાય’ તપની પ્રવૃત્તિ કરનાર નાગરિકને પોંખવા લોકો સુધી પહોંચાડજો. પાટીદારની કૂખનું આ ખરું સામર્થ્ય છે. માત્ર દાન નથી આપ્યું પણ ઘરના સ્વજનો કે પ્રસંગો પડતા મૂકી, કોઈ વળતરની અપેક્ષા વિના અતુલ્ય હાર્ડ વર્ક ને કમિટમેન્ટથી ગ્રામવિકાસ પર ધ્યાન આપ્યું છે ખડે પગે ! આ છે પેશન. આ છે મનોબળ. સઁકલ્પ ને કોઠાસૂઝનું સમર્પણ.

પણ સવજીભાઈના સત્ય,પ્રેમ,કરુણાની ચેતનાથી લોકાર્પણ થતા ગોલ્ડન વિલેજ રફાળાને જોઇને સૌથી વધુ રાજીપો સરદારસાહેબના આત્માને થશે. તંત્ર બધી જ અનુકુળતા છતાં જે નથી કરી શકતું, એ દેશનો એક પનોતો પુત્ર ગાંધીના ગ્રામસ્વરાજના ચીલે ચાલીને કરી બતાવે છે ! કાશ, સરકારો-વહીવટીતંત્રોમાં આવા સવજીભાઈ વેકરિયા મળી જતા હોત તો ગામેગામ માત્ર એક જ આવો માથાફરેલ માનવી જોઈએ દેશને સ્વર્ણિમ બનાવવા ! હૈયું , મસ્તક, હાથ…બહુ દઈ દીધું નાથ કહીને જે ફરિયાદો કરવાને બદલે ખુદને ખર્ચી નાખી કોઈ ભેદ વિના ભાવથી સમાજને ઉજળો કરે, ગામને આત્મનિર્ભર કરીને બેઠું કરે. જો દરેક ગામમાં એક સવજીભાઈ પેદા થાય જે કોઈના પર આધાર રાખ્યા વિના જાતે જ ગામને રળિયામણું અને આધુનિક બનાવવા કટિબદ્ધ થાય….. તો વિકાસ વોટ્સએપને બદલે નકશામાં ફેલાઈ જાય ભારતવર્ષના !

“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન ને હવે મારું એક નાનકડું સૂત્ર જય ઇમાન !”

~ જય વસાવડા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો