સુરત: પી.પી.સવાણી વિદ્યાસંકુલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 261 દીકરીઓએ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. વિધવા મહિલાઓના હાથે ઉદ્ઘાટન કરાવી સમારોહનો પ્રારંભ કરાવાયો હતો. સમાજના આ 59માં સમૂહલગ્નમાં 50 હજારથી વધુની મેદનીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહલગ્નની એક ખાસ વાત છે કે, તમામ વરરાજાઓ નિર્વ્યસની હતા.
દેશભરના પાટીદાર-કુર્મી અગ્રણી ઉપસ્થિત રહ્યા
નવયુગલોને આશિર્વાદ આપવા દેશભરના પાટીદાર અને કુર્મી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા. ઉપસ્થિતોમાં પાટીદાર કુર્મી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિજયસિંહ નિરંજન, મુંબઇના અગ્રણી પ્રિતિબેન પટેલ, ન્યૂયોર્કથી આવેલા પલ્લીબેન વઘાસીયાનો સમાવેશ થાય છે.
ત્રણ યુગલોથી શરૂ કરીને એક સ્થળે 261 યુગલોના સમુહલગ્ન
છેલ્લાં 35 વર્ષોથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સમૂહ લગ્નના માધ્યમથી સમાજના મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક સામાજિક રીતે ખુબ મોટું કામ કરી રહ્યું છે. ત્રણ યુગલોથી શરૂ કરીને એક સ્થળે 261 યુગલોના સમુહલગ્નનું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નનો હેતુ માત્ર ખર્ચ બચાવવું એટલું જ નહીં. તેના દ્વારા સમાજમાં અનેકવિધ પરિવર્તન લાવવા. સમાજને નવી દિશા આપવી અને સમાજની વિશિષ્ઠ પ્રતિભાઓને ઓળખીને તેને યોગ્ય સન્માન આપવું.
વિધવા મહિલાઓના હાથે ઉદ્ઘાટન
આ વખતના સમુહલગ્નમાં પટેલ સમાજના સામાન્ય પરિવારમાં ઉછરીને દેશ અથવા દુનિયામાં મોટું સ્થાન મેળવ્યું હોય તેવી પ્રતિભાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. પતિના અવસાન બાદ આપણે વિધવા કહીએ છીએ તેવા બહેનોને શુભ કાર્યામાં આગળ કરાતા નથી. પોતાના દીકરાના લગ્ન હોય તો પણ તેમનું સ્થાન આગળ હોતું નથી તેવા ગંગાસ્વરૂપ બહેનોના હાથે સમારોહનું ઉદ્ઘાટન કરી સમાજની ખોટી માન્યતાનું ખંડન અને ગંગાસ્વરૂપ બહેનોને સમાજ માન સન્માનથી જોતો થાય તે 59માં સમુહલગ્નનું સૌથી મહત્વનું પાસુ હતું.
સુરતમાં યોજાયા 261 યુગલના અનોખા સમુહલગ્ન, તમામ વરરાજા નિર્વ્યસની