દેશને આઝાદી મળ્યા બાદ ભારતમાં મોટા ગજાના રાજકારણીનું નામ અને હોદ્દો તેમના પરિવારજનો વટાવીને ફાયદો મેળવતાં હોય છે. પણ આ પરિવારોની વચ્ચે સરદાર પટેલનો સીધી લીટીનો વારસદાર પરિવાર એવો છે કે જે સરદાર પટેલ સાથે સંકળાયેલી તમામ પ્રસિદ્ધિથી દૂર રહે છે, કયાંય તેમનું નામ સુદ્ધા લેતા નથી, કે નથી મીડિયામાં કોઇ ઇન્ટરવ્યૂ આપતાં. આ પરિવાર એટલે સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ અને તેમના પુત્ર ગૌતમભાઇ તથા ગૌતમભાઇના પુત્ર અને સરદાર પટેલના પ્રપૌત્ર કેદાર પટેલ.
ગૌતમભાઇના પુત્ર કેદાર જે અમેરિકામાં રહે છે તે પણ આ સમારોહમાં નહીં હોય
તાજેતરનો તેનો સૌથી મોટો પુરાવો એ છે કે, સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઇના પુત્ર ગૌતમભાઇ પટેલ પોતાના દાદાજી સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેટ્યૂ ઓફ યુનિટીના ઉદઘાટન પ્રસંગે હાજર રહેવાના નથી. એટલું જ નહીં ગૌતમભાઇના પુત્ર કેદાર જે અમેરિકામાં રહે છે તે પણ આ સમારોહમાં નહીં હોય. અઠવાડિયા અગાઉ સરકારી અધિકારીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં તેમને હાજર રહેવા માટે આમંત્રણ આપવા આવ્યાં હતા પણ તે અગાઉ જ તેઓ અમેરિકા પહોંચી ગયા હતા.
પરિવારની આજે ત્રીજી પેઢી પણ આ સલાહને અચૂકપણે માની રહી છે
સ્વતંત્ર ભારતના ઘડવૈયા અને સૌથી શક્તિશાળી વ્યક્તિએ પોતાના પરિવારજનોને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં તેમના પરિવારની આજે ત્રીજી પેઢી પણ આ સલાહને અચૂકપણે માની રહી છે. રાજકારણથી તો જોજનો દૂર રહે છે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્ર ડાહ્યાભાઇ હતા. તેમના બે પુત્રો બિપીન અને ગૌતમ પટેલ હતા. જે પૈકીના ગૌતમભાઇ પટેલ (ઉ.વ.78) વડોદરામાં રેસકોર્સ વિસ્તારની એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહે છે. હાલમાં તેઓ અમેરિકામાં તેમના પુત્ર કેદાર પાસે જતા રહ્યાં છે. જ્યારે બિપીનભાઇનું અવસાન જાન્યુઆરી, 2004માં થયું હતું.
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ કે કીર્તિનો ઉપયોગ કરવો નહીં
ગૌતમભાઇને પણ સરદાર વલ્લભભાઇ પટેલે રાજકારણથી દૂર રહેવાની સલાહને જ વળગી રહ્યાં છે. તેમના પત્ની નંદિનીબહેન પટેલે નવ વર્ષ પહેલા એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘ અમે સરદાર પટેલ અને તેમના જીવન વિશેના મંતવ્યો આપવાનું ટાળીએ છીએ. કારણ કે અમે એક યા બીજા પક્ષના રાજકારણના સાણસામાં સપડાઇ શકીએ છીએ.’ ગૌતમભાઇ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાં તેઓ એવી વિચારધારા સાથે હતા કે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ કે કીર્તિનો ઉપયોગ કરવો નહીં.
સરદારના પુત્ર ડાહ્યાભાઇનો એક ઓછો જાણીતો કિસ્સો
વિદ્યાનગરમાં મ્યુઝિક સ્ટોર ચલાવતા સરદારના ભત્રીજાના પુત્ર ભૂપેન્દ્રભાઇ પટેલે એક અંગ્રેજી અખબાર સાથેના ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યાં છે કે, ‘ વલ્લભભાઇ પટેલે પરિવારજનોને રાજકારણમાં આવવાની ના પાડી હતી. આ વાત મારા દાદા કાશીભાઇએ (સરદાર પટેલના કાકાના પુત્ર) મને કહી હતી.’સરદારના પુત્ર ડાહ્યાભાઇનો એક ઓછો જાણીતો કિસ્સો છે. એકવાર ડાહ્યાભાઇનો સન્માન સમારોહ દિલ્હીની કોઇ એનજીઓએ રાખ્યો હતો. ડાહ્યાભાઇએ પોતાના પિતાજીને મળવાનો દિલ્હીમાં પ્રયાસ કર્યો. ત્યારે વલ્લભભાઇ પટેલના સેક્રેટરી વી.શંકરે સરદારને આ વાત કરી. સરદારે તુરંત કહ્યું કે તેને જમાડીને પરત મોકલી દો. સરદાર ડાહ્યાભાઇને ન જ મળ્યાં.
સરકારી અધિકારીઓ માત્ર અઠવાડિયા અગાઉ વલ્લભભાઇ પટેલના પૌત્રના ઘરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા
જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને ગયા ત્યારે તેમના ત્રીજા માળના બે ફ્લેટ્સ બંધ હતા. તેમની આસપાસના લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ પંદર દિવસ અગાઉ જ અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. એપાર્ટમેન્ટમાં તેમના સંપર્કમાં આવતાં લોકોના જણાવ્યા મુજબ ગૌતમભાઇનો સ્વભાવ ખૂબ સરળ અને રહેણીકરણી પણ સાદગીભરી છે. સરદાર વલ્લભભાઇ પટેલના પૌત્ર હોવા છતાં તેમણે ક્યારેય તેમના નામનો બડાઇમાં કે નોંધપાત્ર રીતે ઉલ્લેખ કર્યો નથી. લોકોએ એટલા સુધી કહ્યું કે, તેમને જોઇએ તો સરદાર વલ્લભભાઇની ઝલક જોતા હોઇએ તેવો અહેસાસ થયા વિના રહેતો નથી.’ જ્યારે અન્ય એક પડોશીએ તેઓ એક ઉમદા વ્યક્તિ છે જે પાડોશીઓ સાથે ખપ પૂરતી વાત કરે છે પણ સરદાર પટેલ વિશે કોઇ વાત કરી હોવાનું યાદ નથી.’ ગૌતમભાઇના ભાઇ બિપિનભાઇનું અવસાન જાન્યુઆરી, 2004માં થયું હતું.
જ્યુબિલિબાગમાં છેલ્લું ભાષણ યોજાયું
સરદાર વલ્લભભાઇ પટેલે વડોદરામાં 1949માં ન્યાયમંદિરમાં અને ત્યારબાદ જ્યુબિલિબાગ ખાતે છેલ્લે વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન તેમણે 14મી ડિસેમ્બર,1950ના રોજ આપ્યું હતું. જ્યારે તેમની સ્મૃતિમાં જ્યબિલિ બાગ પાછળ સ્થિત સરદાર ભવનનું સત્તાવાર બાંધકામ તેના એક દિવસ બાદ 15મી ડિસેમ્બર,1950ના રોજ પૂરું થયું હતું.