સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની એક મીટીંગ મળી હતી તેમાં સુરત અને ગુજરાતના મોભી બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ હતો જીપીબીએસ 2020. જાન્યુઆરી 2018માં જીપીબીએસ સમીટની ભવ્ય સફળતા બાદ હવે પાટીદાર સમાજ જીપીબીએસ 2020ની તૈયારીઓ કરી રહ્યુ છે. તેના ભાગરૂપે સુરતમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગના વેપારીઓ હાજર રહ્યા હતા.
જીપીબીએસના મંચ પરથી સરદારધામ ટ્રસ્ટના પ્રમુખ એવા ગગજીભાઇ સુતરીયાએ કહ્યુ હતુ કે, આપણા સમાજનો મુખ્ય હેતુ સમાજ ઉત્થાનનો હોવો જોઇએ. આપણા સમાજમાં હજુ ઘણા એવા લોકો છે કે જેઓ ગરીબી રેખાની નીચે જીવે છે ત્યારે તેઓના બાળકો ભણતર કે સુવિધા વગરના ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. ત્યારે સમાજમાં થતી કથા, વ્યથા અને પ્રથાને બંધ કરીએ અને દીકરા દીકરીઓને સારું શિક્ષણ પુરુ પાડીએ. કથામાં વેડફાતા પૈસાના કારણે કોઇનો ઉદ્ધાર નહીં થાય પણ આપણા સંતાનોને ભણાવીશું તો ચોક્કસથી સમાજ આગળ વધશે. આજે સરદારધામ જે બની રહ્યુ છે તેમાં યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરી રહેલા બાળકોને એક રૂપિયાના ટોકન પર ભણતર મળી રહ્યુ છે. આ આપણા સમાજની સૌથી મોટી એકતા કહેવા છે. હવે કથા કરવાનો નહીં પરંતુ રાષ્ટ્ર કથા કરવાનો સમયપાકી ગયો છે. આપણે આપણા સમાજના યુવાન દિકરા દિકરીઓ આગળ આવે સમાજનું નામ રોશન કરે તેવું કામ કરવું છે. સાથે આપણે આગળ વધીશું તો બીજા સમાજ પણ આપણી સાથે વધી રહ્યા છે. સુરતમાં કીરણ હોસ્પિટલ બની તો ત્યાં રોજ માંડ 10 ટકા જ પાટીદારો આવતા હશે પણમોટાભાગના બીજા લોકો પણ લાભ લઇ શકે છે. તો આપણે મૂળ હેતુ લોક કલ્યાણનો છે, લોકઉપયોગીનો છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ જ્યાં જ્યાં પાટીદાર વસે છે તે તમામ આ સરદાર ધામ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આ પ્રસંગે ભૂતપૂર્વ ધારાસભ્ય એવા નાનુભાઇ વાનાણીના નેતૃત્વ હેઠળ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર નું ઉદ્દઘાટન થયુ હતુ. જે સંદર્ભે નાનુભાઇએ કહ્યુ હતુ કે, સરકારી યોજનાઓ માત્ર ગરીબો માટે જ છે તે માન્યતા તદ્દન ખોટી છે. ટાઉન પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલ્પમેન્ટ, ગામડાની પ્રગતી આવી અનેક યોજનાઓ છે કે જે નવા ઉદ્યોગસાહસિકો માટે પણ કામની છે. સુરતની આંબાતલાવડી ખાતે આ કેન્દ્ર રાખવામાં આવ્યુ છે જેમાં સચોટ જાણકાર કર્મચારીઓ લોકોને સરકારી યોજનાની માહિતી આપશે અને લોકો વધારેમાં વધારે સરકારી યોજનાનો લાભ લે તેવી કોશીષ કરશે.