શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાતથી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. રાતે ત્રણ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે શહેરના ઘમરોળી નાખ્યું છે. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા નવરંપુરા સહિતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાના કારણે સ્કૂલે મુકવા જતા વાલીઓ તેમજ સવારના નોકરીએ જવા નીકળેલા લોકોના વાહનો બંધ થઈ ગયા હતા. વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે નવરંપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ પાણીમાં ડૂબી ગયું છે.
આ સિવાય અમદાવાદમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાયેલા છે. કેટલીક જગ્યાઓ પર તંત્રની બેદરકારીઓ પણ સામે આવી હતી. બ્રિજ અને રોડ પર મોટા ખાડા પડી જવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
અમદાવાદમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી , 4ના મોત
શહેરના બોપલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે એક દિવાલ ધરાશાયી થતા 4 લોકોના દબાઇ જવાથી મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
ક્યાં કેટલો વરસાદ?
ઈસ્ટ ઝોન
ચકુડીયા 116 મિ.મિ., ઓઢવ 104 મિ.મિ., વિરાટ નગર 100 મિ.મિ., સરેરાશ 106 મિ.મિ. વરસાદ નોંધાયો છે.
વેસ્ટ ઝોન
ટાગોર કન્ટ્રોલ 134 મિ.મિ.,ઉસ્માનપુરા 120 મિ.મિ., ચાંદખેડા 132 મિ.મિ., રાણીપ 127 મિ.મિ., સરેરાશ 258 મિ.મિ. વરસાદ પડ્યો છે.
ઉત્તર પશ્ચિમ
બોડકદેવ 148 મિ.મિ., ગોતા 158 મિ.મિ. જ્યારે સરેરાશ 153 મિ.મિ. વરસાદ થયો છે.
મધ્ય ઝોન
મ્યુનિસિપલ કોર્પોરેશન 129 મિ.મિ., દુધેશ્વર 118 મિ.મિ., સરેરાશ 124 મિ.મિ. વરસાદ નોંધાયો છે.
ઉત્તર ઝોન
મેમ્કો 101 મિ.મિ., નરોડા 86 મિ.મિ., કોતરપુર 78.50 મિ.મિ. જ્યારે સરેરાશ 88 મિ.મિ. વરસાદ થયો છે.
દક્ષિણ ઝોન
મણિનગર 128 મિ.મિ., વટવા 107 મિ.મિ., સરેરાશ 117 મિ.મિ. વરસાદ થયો છે.