મંદિરમાં શિવલિંગની ઉપર સતત જળધારા થતી રહે છે
સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે શંકર ભગવાનના શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરકાંઠા જીલ્લામાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા પર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી ૩ર કિ.મી. જેટલા અંતરે અને હિંમતનગરથી ૩૦ કિ.મી. જેટલા અંતરે તેમ જ સામે કિનારે આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર કિ.મી. અંતરે આવેલું છે. મંદિરમાં શિવલિંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળધારા થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
જળધારા ક્યાંથી આવે છે તે આજસુધી કોઈને ખબર નથી
સપ્તેશ્વર મહાદેવના આ પવિત્ર સ્થાનમાં મંદિરના શિવલિંગની ઉપર ગૌમુખમાંથી સતત પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગને શુધ્ધ કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે તે આજસુધી કોઈને ખબર નથી. જળધારાનું આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છે.
આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી જ જાણી શકાય છે કે આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી. હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથો પરથી જાણવા મળે છે કે આ સપ્તઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પૌરાણિક અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં આ સાતેય શિવલિંગો અલગ-અલગ એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય.
ધાર્મિકની સાથે-સાથે પર્યટક મહત્ત્વ પણ રહેલું છે
અહીં રમણીયતા ચોમેર છવાયેલી છે વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડા ઘર, હોટેલ અને રસોડાની પણ સગવડ છે. તેથી આ સ્થળનું ધાર્મિક મહત્ત્વની સાથે-સાથે પર્યટક મહત્ત્વ પણ ઘણું છે. સપ્તેશ્વરથી એકદમ નજીક બનેલા બે જિલ્લાઓને જોડતા નવા પુલને કારણે આ સ્થળ વધુ સુગમ બન્યું છે. વર્ષ દરમિયાન આસપાસના વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઈને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દર્શન અને સાથે-સાથે પ્રવાસની મજા માણવા માટે આવે છે.