કોઈ ગામમાં રામા નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે વાત-વાત પર ગુસ્સે થઈ જતો. બીજા લોકો ઉપર પણ ગુસ્સો કરતો હતો. પરિવારના સભ્યો તેના આવા વ્યવહારથી ચિંતિત રહેતા હતા. સમયની સાથે-સાથે રામાનો ગુસ્સો પણ વધતો જતો હતો. રામાના વ્યવહારના કારણે સંબંધીઓ અને મિત્રો પણ તેની સાથે વાત નહોતા કરતા…
એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત આવ્યા. તેમની ચર્ચા આખા ગામમાં થવા લાગી. રામાને લાગ્યુ કે આ સંત કદાચ તેની આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એક દિવસ રામા એકલો સંતને મળવા ગયો અને પોતાની સમસ્યા જણાવી. સંતે રામાને કહ્યુ – હું જેવું કહુ, એકદમ એવું જ કરજે. રામાએ કહ્યુ – સારું…
સંતે કહ્યુ – તારા બંને હાથની મુઠ્ઠી બંધ કરી લે. રામાએ એવું જ કર્યુ. તેના પછી સંતે કહ્યુ કે બંને હાથની મુઠ્ઠીને તરત ખોલી દે. રામાએ એવું જ કર્યુ. સંતે આ પ્રક્રિયા વારંવાર કરવા કહ્યુ. રામાને સમજમાં નહોતુ આવી રહ્યુ કે આવું કરાવીને સંત આખરે કરવા શું માંગે છે?
ઘણી વાર સુધી આવું કર્યા પછી રામાએ સંતને કહ્યુ કે મુઠ્ઠી ખોલવા અને બંધ કરવાથી મારી સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે છે? સંતે પ્રેમથી તેને સમજાવતા કહ્યુ કે – તે તારી મુઠ્ઠી સ્વયં બંધ કરી અને તેને સ્વયં ખોલી. એટલે તારું તારા અંગો ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે.
એવી જ રીતે જ્યારે પણ તને ગુસ્સો આવે, તારે સ્વયં જ તેને નિયંત્રિત કરવાનો છે. કોઈ અન્ય તારી મદદ નથી કરી શકતું. જે દિવસે વિચારો પર તારું નિયંત્રણ થઈ ગયુ, તે દિવસ તું ગુસ્સો કરવાનું છોડી દઇશ. રામા સંતની વાતો સમજી ચૂક્યો હતો અને તેને હવે સ્વયંને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધુ હતુ.
બોધ પાઠ
જીવનમાં ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે, જેને આપણે સ્વયં દૂર કરી શકીએ છીએ, પરંતુ કરવા ઈચ્છતા નથી. આપણે ઈચ્છીએ છીએ કે આપણી સમસ્યા કોઈ અન્ય વ્યક્તિ આવીને દૂર કરે. આવું વિચારીને આપણે તે સમસ્યાને વધવાની તક આપીએ છીએ. ઘણી વખત આ સમસ્યા વધુ ગંભીર થઈ જાય છે એટલે સમય રહેતા પોતાની સમસ્યાનો ઉકેલ સ્વયં કરો.