મારી આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે પરંતુ અમુક ધનવાન માતાપિતા પોતાનાં સંતાનોને બગાડવા માટે પૈસા વાપરે છે. સંતાનોને મળતી ખીસાખર્ચી કેટલાક પરિવારોની માસિક આવક કરતાં પણ વધારે હોય છે.અને એમાં પણ જો અનીતિ નાં નાણાં આવ્યા હોય તો નિર્દોષ બાળકો બચી જ ન શકે એવી સ્થિતિ સર્જાય છે. વધારે પડતી આવકને પહોંચી વળવા માટે નવા નવા ખર્ચા શોધી કાઢવા પડે છે. રૂપિયાની થપ્પીઓ તિજોરીઓ અને બેંકોમાં નથી સમાતી તેથી રૂપિયા ક્યાં નાખવા એ પ્રશ્નો થાય છે. આવાં માતાપિતાનાં સંતાનો ખરેખર કમનસીબ ગણાય કારણ કે તેઓ પ્રેમ સિવાય બીજું બધું જ મેળવે છે.
સભ્યસમાજમાં બાળકો પર થતા લોભામણા પ્રહારોનો તૂટો નથી. કાજુ.બાદમ,અખરોટ, આલુ, અંજીર કરતાં અમુક કંપનીની ચોકલેટ સસ્તી નથી આવતી. અને આજના સમય માં એવો વાયરો છે કે જે સસ્તી વસ્તુ ખરીદવામાં આવા લોકો સંકોચ અનુભવે છે મગફળી કાજુ કરતાં મોંઘી મળતી હોત તો ગરીબોને ભાગમાં થોડા કાજુ જરૂર આવત. મોંઘી વસ્તુ આપોઆપ શ્રેષ્ઠ બની જાય, ત્યારે માનવું કે ઘરમાં અનીતિનો પૈસા નો પગ પડ્યો છે. મધ્યમ વર્ગના પરિવારો પણ ધીમેધીમે આવા ખોટા ફતવા રવાડે ચડ્યા છે.અને પછી એ કુટેવો ગરીબોનાં ઘર તરફ રવાના થાઈ છે. ટીવી પર આવતી જાહેરખબરો આ કામને ઝડપી બનાવે છે. આ જાહેરખબરો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને આકર્ષિત કરીને લઘુતાગ્રંથિમાં બાંધે છે. આ કારણે બગડેલાં બાળકો સમજણા થાય પછી ભારે માથાકૂટ કરાવે છે. પિતા લિમિટેડ કંપનીના માલિક હોય છે અને દીકરો બેફામ ખર્ચા કરવાની કુટેવનો બંધાણી હોય બન્ને વચ્ચે રકજક થાય ત્યારે એક રૂપિયાની જગ્યાએ સો રૂપિયા ખર્ચનારી માતાએ પહેરેલા મોંઘા ઘરેણા ઝાંખા પડી જાય છે. હાથમાંથી સરી ગયેલા દીકરા આગળ ગરીબ બની ગયેલાં માતાપિતા પોતે જ કરેલાં કુકર્મોનું દુ:ખ રૂપી વ્યાજ મેળવતા રહે છે. માણસનાં ગઢપણ સમયના સુખદુઃખનો આધાર સંતાનો કેવાં છે એ વાત પર રહેલો હોય છે.
દરેક બાળક વ્હાલનો અધિકારી છે.અને પોતાના ફૂલને લાડ લડાવવા એ માબાપનું કર્તવ્ય છે. મોટા શહેરોમાં બાળકો ને જરા અમથી છીકવધારે આવી જાય તો પણ માતાપિતા પોતાના લાડકવાયાને મોંઘીદાટ હોસ્પિટલમાં લઈ જાય અને બે પાંચ હજાર નું બીલ બને ત્યારે જ એને શાંતિ થાય.અત્યંત સુખી ઘરનાં બાળકો ચોવીસે કલાક એરકન્ડિશન્ડ માં રહે છે.ઘરમાં, કારમાં અને સ્કૂલમાં એસી હોય છે.આવાં બાળકો લાંબું નહીં, થોડુંક ચાલવાથી પણ હાંફી જાય છે. વીસ-પચ્ચીસ વર્ષની ઉંમરે આવેલા હૃદયરોગના હુમલાઓ વિશે સાંભળીશું એ સમય દુર નથી.કેટલાંય સુખી પરિવારોમાં નવાબની ખર્ચાળ માગણીઓ ખંડણી જેવી હોય છે.બાળકને નાનપણથી જ થોડી કેળવણી મળવી જોઈએ બે-ચાર કિલોમીટર ચાલવાની, એસી વગર રહેવાની, સામાન ઊંચકવાની, એકાદ ટંક ચણા કે ગોળ ખાવાની,તેની માગણીના અસ્વીકારની અને વડીલો સાથે વિવેકપૂર્વક વાતો કરવાની ટેવ પાડવી જોઈએ. કેટલાક નબીરાઓને ‘ના’ સાંભળવાની ટેવ જ નથી હોતી. ત્યાં આવા નબીરાઓના એટીટયુડ આડા આવે છે અને કેટલાંક ઘરોમાં આવેલા અનીતિ ના નાણા ના કારણે પત્નીને અને એમનાં સંતાનોને ખર્ચ કરવાનાં નવાં નવાં બહાનાં શોધવાં પડે છે.આવા પરિવારોમાં પાછલી ઉંમરે ઘરમાં એક લાચાર ધૃતરાષ્ટ્ર જીવતો જોવા મળે છે.
જરૂરી છે માતાપિતા બાળકોને પૂરતો સમય આપે,મોંઘીદાટ શાળામાં પ્રવેશ મળી જાય મોંઘા ટ્યૂશનો ગોઠવાઈ જાય, રમકડાંનો ઢગલો જાય, ફ્રીજમાં ઠંડાપીણા, આઇસ્ક્રીમ,ચોક્લેટ ભરાય જાય,ડાઈનિંગ ટેબલ પર વાનગીઓ વધી પડે અને ફેશનેબલ વસ્ત્રોથી કબાટ છલકાય ત્યારે આના માબાપને લાગે કે એમની ફરજ પૂરી થઈ.પછી બાળકોને વાર્તા કહે તે બીજા જે માતા કે પિતા પાસે પોતાના ફૂલને કહેવા જેવી એક વાર્તા પણ નથી એવા વાલી પર મને દયા આવે છે. તેઓ પોતાની કારને ગેરેજમાં રિપેરમા મૂકે તેમ બાળકને નર્સરીમાં મૂકી આવે છે.ગુજરાતી માધ્યમમાં ભણેલાં માબાપનાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે ત્યારે તેઓ માબાપ સાથે ઉદ્ધતાઈ બતાવે તે પણ અંગ્રેજીમાં ત્યારે આવા માતપિતા ને કાપો તોય લોહિ ના નીકળે એવી પરિસ્થિતિ સર્જાય.
કેટલાક પરિવારોમાં સુખ અને સંસ્કાર ભેગાં રહેતાં જોવા મળે છે. કોઈ સુંદર પુસ્તક ઘર મા આવે ત્યારે ઘરનાં સૌ વચ્ચે પડાપડી થાય છે. મધ્યમ વર્ગમાં અને ગરીબ વર્ગમાં પણ આવા પરિવારો જોવા મળે છે.વિચારો જુદા પડે તોય હૃદય જુદાં થતા નથી. સૌ પોતપોતાનું કામ કરે છે. જમતી વખતે સૌ સાથે હોય છે. આવા પરિવારોમાં જવાનું થાય ત્યારે સમજાય છે કે દેશ ટકી રહ્યો છે તેનું રહસ્ય શું છે. રિક્ષામાંથી ઊતરતી વખતે સામાન લઈને પગથિયા તરફ જનાર વડીલના હાથમાંથી સામાન ઉપાડી લેનારાં સંતાનોનાં માતાપિતાને કરોડપતિ જાણવાં. આવા પરિવારની જીવનમાધુરી આગળ તાતા, બિરલા અને અંબાણીની સુખસમૃદ્ધિ પાણી ભરે છે.આ બાબત મા આપણો કચ્છી સમાજ મોખરે છે. પારિવારીક લાગણી,પ્રેમ સંસ્કાર જે કચ્છી સમાજે આધુનીક સમય મા પણ જીવંત રાખ્યા છે એમ કહી શકુ છુ.
– રાકેશ નાકરાણી