હજુ 2018ને શરૂ થયાને થોડાક દિવસો જ ગયા છે અને લોકોના મનમાં હજુ નવા વર્ષની ઉજવણીની યાદો તાજા હશે. નવા વર્ષની ઉજવણી વિદેશોમાં પણ ધૂમધામપૂર્વક થઇ. આફ્રિકાના યુગાન્ડામાં પણ અલગ અલગ સ્થળોએ હજારોની સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડીને ન્યૂયર સેલિબ્રેશન કર્યું પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે તેમણે જે ફટાકડા ફોડ્યા તેનો સૌથી મોટો ડિસ્ટ્રીબ્યૂટર એક ગુજરાતી છે.
સંજીવ પટેલ ધ ફાયર મેન
યુગાન્ડાના ઘણાં ઓછા લોકો એ વાત જાણતાં હશે કે સંજીવ પટેલ યુગાન્ડામાં ફટાકડાના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર અને આયાતકાર છે. 1992થી તેઓ આ બિઝનેસમાં છે અને ફાયરવર્કસ અંગે ઘણું નોલેજ ધરાવે છે. તેઓ જણાવે છે કે યુગાન્ડામાં સૌપ્રથમ ફટાકડા ત્યારે ફૂટ્યા હતા જ્યારે અંગ્રેજોએ યુગાન્ડાનો વહીવટ સ્થાનિકોને સોંપીને દેશ છોડીને જતા રહ્યા હતા. જો કે ભૂતપુર્વ પ્રેસિડેન્ટ ઓબોટેએ યુગાન્ડામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સંજીવ પટેલને હજુ ઇદી અમીનની બર્બરતા યાદ છે જ્યારે હજારોની સંખ્યામાં એશિયન લોકોએ આફ્રિકા છોડવું પડ્યું હતું.
1990માં પાછા ફર્યા સંજીવ
ઇદી અમીનની વિદાય પછી 1990માં સંજીવ પટેલ યુગાન્ડા પરત ફર્યા અને ફટાકડાના ડિસ્ટ્રીબ્યૂટર બની ગયા. શરૂઆતમાં આ બિઝનેસ નહોતો પરંતુ ફક્ત ચેરિટીના હેતુથી ફટાકડા વેચવાનું શરૂ કર્યું. ત્યાર બાદ 1997માં બિઝનેસ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યારથી આ બિઝનેસ તેમના માટે નફાકારક ધંધો બની ગયો છે. આજે તેઓ હજારો લોકોને નોકરીની તક પૂરી પાડી રહ્યા છે. એટલું જ નહીં યુવાનોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે.
ઓસ્ટ્રેલિયાના લોકો સિડનીમાં દરવર્ષે ન્યૂયરની ઉજવણીમાં માત્ર 10 મિનિટ ફટાકડા ફોડવામાં પાછળ 1.5 મિલિયન યુએસ ડોલર્સ ખર્ચી નાંખે છે. જે યુગાન્ડાના લોકો માટે આશ્ચર્યથી વધુ કંઇ નથી. સંજીવ મોટાભાગના ફટાકડા ચીનથી આયાત કરે છે અને તેમના જણાવ્યા અનુસાર નવા વર્ષના દિવસોમાં લગભગ 250 જેટલા લોકોને ફટાકડા સપ્લાય કર્યા છે.