આ સોસાયટીએ જુગાડ કરીને એક જ કલાકમાં વરસાદનું હજારો લિટર પાણી જમા કરી લીધું, જાણો કેવી રીતે

મેઘરાજાનું હજુ આગમન નથી થયું ત્યાં અડધો દેશ પાણી માટે ટળવળી રહ્યો છે. ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાણીની એટલી બધી તંગી છે કે લોકોને દિવસના એક-બે બાલટી કરતા વધારે પાણી વાપરવા નથી મળતું. સાચું જ કહ્યું છે, કુદરતી સ્રોતોની કિંમત ત્યારે જ સમજાય જ્યારે તે ખૂટી પડે. પાણી ખૂટી જશે ત્યારે આપણી શું હાલત થશે તેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે તે પાણીની કદર સમજે છે, એટલે જ ચેન્નાઈની એક સોસાયટીએ ગજબ જુગાડ વાપરી વરસાદ પડ્યો તો એક જ કલાકમાં 25,000 લિટર પાણી જમા કરી લીધું.

આંકડા મુજબ દેશના મોટાભાગના વિસ્તારમાં 2020 સુધીમાં ભૂગર્ભ જળ ખૂટી પડશે. આથી આપણે પણ સમયસર ચેતીને વરસાદનું જેટલું પાણી બચાવી શકાય તેટલું બચાવવું જોઈએ.

ચેન્નાઈના સબરી ટેરેસના રહીશોએ વરસાદનું પાણી કેવી રીતે બચાવી શકાય તેનું ઉમદા ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમણે 2017માં વરસાદનું પાણી બચાવવાની સિસ્ટમ ઊભી કરવાનું શરૂ કર્યું હતું. NDTVના રિપોર્ટ અનુસાર તેમણે 25,000 સ્ક્વેર ફૂટ ટેરેસ પર પડેલા વરસાદના એકેએક ટીપાને બચાવી કલાકની અંદર 30,000 લિટર પાણી એકઠું કરી લીધું હતું. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ચેન્નાઈની NGO રેઈન સેન્ટરે સોસાયટીને આ સિસ્ટમ વિકસાવવામાં મદદ કરી હતી.

બિલ્ડિંગની ટેરેસ વરસાદના પાણી માટે તૈયાર કરાયેલી ટેન્ક સાથે જોડાયેલી છે. તેની કેપેસિટી 3000 લિટરની છે. તેમાં કીચડ કે ઘનપદાર્થો નીચે બેસી જાય છે અને ચોખ્ખુ પાણી સચવાઈ રહે છે. આ ટેન્ક 1 લાખ લિટરની કેપેસિટી ધરાવતા એક વિશાળ ખાડા સાથે જોડાયેલી છે. ત્યાંથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે. આ સ્વચ્છ પાણી બીજા એક ખાડામાં સચવાય છે અને તે સીધું વપરાશમાં ઉપયોગ લેવાય છે.

તમને જાણીને નવાઈ લાગશે 2018માં સબરી ટેરેસ કોમ્પલેક્સના છપ્પને છપ્પન એપાર્ટમેન્ટે વરસાદનું પાણી બચાવવાની પહેલ કરી હતી ત્યારે પમ્પ ત્રણ જ દિવસમાં છલકાવા માંડ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર 29થી ઓક્ટોબર 31 દરમિયાન શહેરમાં ત્રણ કલાક વરસાદ પડ્યો હતો.

2019માં પણ સોસાયટીને વરસાદનું પાણી બચાવવામાં સફળતા મળી છે. આ પ્રોજેક્ટના હેડ હર્ષ કોડાએ જણાવ્યું, “જો આજે વરસાદ પડે તો અમને બે કલાકની અંદર અંદર એ પાણી વાપરવા મળે છે. 30,000 લિટર એટલે રૂ. 5000ની સીધી બચત.” હર્ષ કોડા અને તેમના પત્ની પ્રભા કોડાએ વરસાદી પાણી બચાવવાનું 2017થી શરૂ કર્યું છે. 25,000 સ્ક્વેર ફૂટની ટેરેસ પર એક કલાકમાં લગભગ 25,000 લિટર પાણી પડે છે. ત્રણ કલાક ધોધમાર વરસાદ પડે તો 1 લાખ લિટર પાણી જમા થઈ જાય છે. આટલું પાણી 56 ફ્લેટને ત્રણ દિવસ માટે પૂરતુ છે.

ચેન્નાઈની સોસાયટીએ વરસાદનું અમૂલ્ય પાણી કેવી રીતે બચાવી શકાય તેનું ઉદાહરણ આપણી સામે રજૂ કર્યું છે. આપણે ગુજરાતમાં પણ કોઈનું માર્ગદર્શન લઈને આવી સિસ્ટમ ઊભી કરવી જોઈએ.

આ પણ વાંચજો – ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો