સુરતના 21 વર્ષીય યુવક ઋષિ પટેલે દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થામાં એડમીશન લેવા માટે પ્રાથમિક પરીક્ષા CAT આપી હતી. જેમાં તેને 99.99 પર્સેન્ટાટાઈલ રેન્ક મેળવીને ભારતભરમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષિએ અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ઋષિને અમદાવાદ IIMમાં પ્રવેશ માટે સરળતા રહેશે.
સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી સંસ્કાર પાર્ક સોસાયટીમાં 21 વર્ષીય ઋષિ દિલીપભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. હાલ ઋષિ IIT દિલ્હી બી ટેકના ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે. દરમિયાન CATની 29 નવેમ્બર 2020એ પરીક્ષા આપી હતી. દેશભરમાંથી 2 લાખ 27 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાંથી 9 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભારતમાંથી આ વર્ષે 10 વિદ્યાર્થીઓ લગભગ 100 ટકા પર્સેન્ટાઇલ લાવ્યા હશે. ઋષિ પટેલે 99.99 પર્સેન્ટાઇલ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે અને ટોપ 25માં સ્થાન મળ્યું છે.
99.99 પર્સેન્ટાઈલ આવતા IIMમાં પ્રવેશ દ્વાર ખુલી ગયા
ઋષિએ જણાવ્યું હતું કે, અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ બ્રેક લઈ પર્સેન્ટાઇલ લાવતા હોય છે. ત્રણ સેક્શન પર પરીક્ષા લેવાતી હોય છે. મારું પરીક્ષાનું સેન્ટર સુરત જ હતું. CATમાં 99.99 પર્સેન્ટાઈલ આવતા IIMમાં પ્રવેશ દ્વાર ખુલી ગયા છે અને અમદાવાદ IIMમાં પ્રવેશ માટે સરળતા રહેશે.
ઋષિએ વધુમાં જણાવ્યું હતું કે, પિતા રીલાયન્સમાં ઈજનેર અને માતા હાઉસ વાઈફ છે. પરિવારનો એકનો એક દીકરો છું. IIT દિલ્હીમાં અભ્યાસ પાછળ 10 લાખનો ખર્ચ થતો હોય છે. આગળના અભ્યાસ માટે 23 લાખ ખર્ચની પરિવારે તૈયારી બતાવી છે. આગળના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લઈશું. ધોરણ 12 સાયન્સ IITમાં રેન્ક આવતા પ્રવેશ મળ્યો હતો. ધોરણ 9થી હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કર્યો છે.
CAT ની પરિક્ષા માટે કોઈ પૂર્વ આયોજન ન હતું પણ વાંચન રેગ્યુલર હોવાથી રમત રમતમાં જ પરીક્ષા આપી હતી અને આત્મ વિશ્વાસ હતો કે રેન્ક આવશે. 100 ટકા આવવાની આશા હતી પણ 99.99 એ પણ ખુશ છું બસ અમદાવાદ IIMમાં પ્રવેશ મળી જાય તો ઘર પાસે રહી અને રજાના દિવસોમાં પરિવાર સાથે રહી શકાય.
ચેસ અને ક્રિકેટ રમવાની અને જોવાનો શોખ છે. સ્ટેજ કલાકાર કોલેજ હોવાથી આજે પણ આ કલાકારીને ભુલ્યો નથી. 7 વર્ષ બાદ આટલું બધું લોકડાઉનમાં ઘરે અને પરિવાર સાથે રહેવાનો સમય મળ્યો છે. લોકડાઉન દરમિયાન IIT દિલ્હીમાં થયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ભારતની એક સોલાર એનર્જી કંપનીમાંથી નોકરીની ઓફર આવી હતી પણ આગળ અભ્યાસ કરવાની ઈચ્છાને લઈ હજી કોઈ નિર્ણય લીધો નથી. MBAમાં પ્રવેશ લઈ 2 વર્ષનો અભ્યાસ કરી ફાયનાન્સ અને ટેકનોલોજીવાળી ફેકલ્ટીમાં નામના હાંસલ કરવી છે અને ભારતમાં રહીને દેશની પ્રગતિમાં યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..