ગુજરાતીઓની સફળતા અને સિદ્ધિઓની વાત આજે કોઈ માટે અજાણી નથી. દરેક ક્ષેત્રની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુજરાતીનો ડંકો વાગે છે. મૂળ નડિયાદના અમરીશભાઈ પટેલના પરિવારને પણ આખું મહારાષ્ટ્ર તેમના શિક્ષણના કાર્ય બદલ બિરદાવે છે. કરમસદ-સોજિત્રાના છ ગામના આ પટેલ પરિવારને કદાચ ગુજરાતમાં ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ મહારાષ્ટ્રના નાનું ગામ પણ તેમના કાર્ય માટે તેમને સલામ કરે છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના કુંટુંબ સાથે નજીકના સંબંધ ધરાવતા અમરીશભાઈનો પરિવાર વર્ષો પહેલા મહારાષ્ટ્રના છેવાડાના વિસ્તારમાં પેટ્રોલની એજન્સી ચલાવતો હતો. સુરત, ઈન્દોર, અમદાવાદ, મુંબઈ, ભિવંડી, ઉજ્જૈન જેવા શહેરો ફરી મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના શિરપુરમાં પટેલ પરિવાર સ્થાયી થયો છે. સમાજકરણ માટે જાણીતા અમરીશભાઈ અને તેમના ભાઈએ રાજકારણમાં ઝંપલાવ્યા બાદ પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં કચાસ રાખી નથી. શિરપુર બેઠક પરથી ચાર વાર વિધાનસભાની ચૂંટણી જીતનાર અમરીશભાઈ પટેલ થોડા સમય મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે.
કોણ છે અમરીશભાઈ પટેલ
– સરદારના ભાઇ કાશીભાઇનો પરિવાર ધુલે જિલ્લાના સિરપુરમાં વરસોથી રહે છે.
– કાશીભાઇની દીકરી સમજુબાના વિવાહ ચરોતર પંથકના જ ચુનીભાઇ પટેલ સાથે થયા હતા.
– ચુનીભાઇ મૃત્યુ પામ્યા ત્યારે સમજુબા 36 વરસના જ હતા,ચુનીભાઇ રેલવે કોંટ્રાક્ટર હતા.
– સમજુબાના સંતાનોમાં ત્રણ દીકરા શાંતિભાઇ, રસિકભાઇ અને વિષ્ણુભાઇ અને એક દીકરી ઇંદુબેન.
– સમજુબા નાની ઉંમરે વિધવા થયા પછી પટેલ બંધુઓના પિતા રસિકભાઈ થોડા સમય સરદારના ઘરે કરમસદ રહ્યા હતા.
– સમજુબાના પુત્ર રસિકભાઇ વ્યવસાય અર્થે નડિયાદથી ઇન્દોર ગયા હતા અને બાદમાં શિરપુર આવીને સ્થાયી થયા હતા.
– રસિકભાઈએ અહીં પેટ્રોલિયમના ધંધાની શરૂઆત કરી હતી, રોજગારની સાથે સામાજિક કાર્યોમાં પણ ઝંપલાવ્યું હતું.
– રસિકભાઇને ત્રણ પુત્રો અમરીશભાઇ, મુકેશભાઇ (સ્વર્ગીય) અને ભુપેશભાઇ.
– અમરીશભાઇ શિરપુરના નગરાધ્યક્ષ પણ બન્યા હતા. અમરીશભાઇ અને બે ભાઇઓ વરસોથી અહીંના રાજકારણના સૌથી જાણીતા નામો છે.
– આ પરિવાર દ્વારા બે ટ્રસ્ટ ચાલે છે જે આજુબાજુના વિસ્તારોમાં અનેક શાળાઓ અને કોલેજો ચલાવે છે.
– પટેલ પરિવારને રાજકારણ સાથે જૂનો સંબંધ છે, અમરીશભાઈના કાકી હંસાબેન ઉજ્જૈનમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
– બાદમાં અમરીશભાઈએ રાજકારણમાં ઝંપલાવ્યું અને તેઓ કોંગ્રેસમાં જોડાયા.
– અમરીશભાઈના ભાઈ ભૂપેશ ભાઈ શિરપુર નગર પાલિકા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
ગામમાં કેવી સુવિધાઓ વિકસાવી
– મેગાસિટી મુંબઈમાં લોકોને ઘરબેઠા પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.
– પણ અહીંથી 400 કિલોમીટર દૂર આવેલા શિરપુરમાં લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળે છે.
– પીવાના પાણીની શુધ્ધતા માટે જર્મન ટેકનિક વાપરવામાં આવી છે.
– પાણી માટે તાપી નદીમાંથી 13 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે.
– આશરે 70 હજારની વસ્તી ધરાવતું શિરપુર પટેલ પરિવારના કારણે શૈક્ષણિક કેન્દ્ર બની ગયું છે.
– એટલું જ નહીં આ ઉપરાંત શિરપુરમાં પાકા રસ્તા છે, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ અને અન્ડરગ્રાઉન્ડ સીવેજલાઈન છે.
– અત્યાધુનિક હોસ્પિટલ ઉપરાંત રોજગારી માટે ટેક્સ્ટાઈલ મિલ ચાલે છે, જેમાં 6000 કામદારો કામ કરે છે.
– હાઈફાઈ ક્લબની સુવિધાઓ ધરાવતુ મ્યુનિસિપલનું જિમખાના છે.
– વોટર લેઝર શો સાથેનો વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક અને બાગ-બગીચા છે.
– આ ગામ રાજ્યમાં આદર્શ ગણાય છે, રમત ગમત સંકુલ છે, ગરીબ લોકો માટે અલગ કોલોની છે.
– પટેલ પરિવારના બે ટ્રસ્ટની શિરપુર નગર અને આસપાસ કુલ મળીને 69 શાળાઓ તેમજ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, ટેક્સ્ટાઈલ સહિત 13 જેટલી કોલેજો છે.
– શિરપુર અને નજીકમાં ફેલાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં આશરે 32 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
અમરીશભાઈની રાજકીય સફર
– અમરીશભાઈના પિતા રસિકભાઈ થોડા સમય ઈન્દોર રહીને શિરપુર આવ્યા હતા.
– ગામડામાં સમાવેશ થતા શિરપુરમાં આ સમયે રસ્તા પણ નહોતા.
– આ સમયે અમરીશભાઈના બંન્ને ભાઈઓ મકેશ અને ભૂપેશ ઉજ્જૈનમાં રહીને મોટા થયા.
– અમદાવાદમાં થોડો સમય અભ્યાસ કરી અમરીશભાઈ શિરપુર આવી પિતાના ધંધામાં જોડાય ગયા.
– નવરાશના સમયમાં લોકોને પાણીની બચત અને સ્વચ્છતાની જરૂરત અંગે માર્ગદર્શન આપતા હતા.
– 70ના દાયકામાં સ્થાનિક લોકોના આગ્રહથી અમરીશભાઈને નગરપાલિકામાં માનદ સભ્ય તરીકે દરજ્જો મળ્યો.
– ઘણા વર્ષો શિરપુર પાલિકામાં આ સેવા આપ્યા બાદ તેઓ ચૂંટણી લડ્યા અને નગરાધ્યક્ષ બન્યા.
– શિરપુર વિધાનસભા વિસ્તારમાંથી સતત ચાર વાર વિધાનસભા ચૂંટણી જીત્યા
– મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન તરીકે પણ જવાબદારી નિભાવી.
– સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે તેઓ પ્રિયદર્શિની ટેક્સ્ટાઈલ મિલ પણ ચલાવે છે.
– અમરીશભાઈના ભાઈ મુકેશભાઈ પણ શિવસેનાની ટિકિટ પરથી રાજ્યસભાના મેમ્બર બન્યા હતા.
– જો કે 2002માં હ્રદયરોગના તીવ્ર હુમલાને કારણે નાની વયે તેમનું નિધન થયું હતું.
વધારે ભણ્યા નથી અમરીશભાઈ
– વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અનેક શૈક્ષણિક સંકુલ શરૂ કરનારા અમરીશભાઈ વધારે ભણ્યા નથી.
– અમરીશભાઈ મહાનગરની પ્રતિષ્ઠિત વિદ્યાસંકુલ શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ(એસવીકેએમ)ના પ્રમુખ છે.
– આ ઉપરાંત પટેલ શિરપુરમાં પટેલ પરિવાર સંચાલિત રસિકલાલ સી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શિરપુર એજ્યુકેશન સોસાયટીના પણ તેઓ પ્રમુખ છે.
– એસવીકેએમની જુદી જુદી શિક્ષણસસ્થામાં ચાલીસેક હજાર વિદ્યાર્થી ભણે છે.
– તેમજ મંડળ હસ્તક એનએમઆઈએમએસ નામની ડીમ્બ યુનિવર્સિટી પણ છે.
– આ યુનિવર્સિટી બેંગલુરુ, હૈદરાબાદ, શિરપુર, ચંદીગઢમાં કેમ્પસ ધરાવે છે.