આ છે અમદાવાદ ગોતા અગ્નિકાંડના 6 રીયલ હીરો, જેમણે જીવના જોખમે બચાવ્યા લોકોને.

અમદાવાદમાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી માંડી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને ઉગારવામાં મદદ કરી હતી. રેસ્ક્યૂ કાર્યમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવું દાઝી ગયો હતો. તમામે જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવતાં પહેલા હિંમત દાખવી આ કામગીરી ન કરી હોત તો અકલ્પનીય જાનહાનિ થઈ હોત. આમની બહારદુરી વીશે જાણો વિગતે..

મનીષ બારોટ

પાંચમા માળે 1 ઘરનો દરવાજો તોડીને 5 લોકોને બહાર કાઢ્યા

એલઆરડી, એ ટ્રાફિક ડિવિઝન મનીષ બારોટ અને નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું અને મારો મિત્ર નરેશ ગોતામાં ડ્યૂટી પર હતા. આગના સમાચાર મળતા અમે બન્ને ત્યાં પહોંચ્યા. અમને કાંકરિયા રાઇડ, તક્ષશિલાકાંડનો વિચાર આવ્યો. અમે તરત ફ્લેટની ફાયર સેફ્ટીના પાણીની પાઇપ લઇને પાંચમા માળે પહોંચી ગયા. અમારી સાથે બીજા 5 લોકો હતા. મેં અને નરેશ તથા બાકીનાએ આગ લાગી હતી તે ઘરની સામેના ઘરનો દરવાજો તોડી 5 લોકોને બહાર કાઢ્યા. એક દાઝેલી મહિલાને દોરડાથી બાંધી નીચે ઉતારી. એક સમયે અમને લાગ્યુ કે નહીં બચીએ ગૂંગળામણ થઇ રહી હતી. 10થી 15 લોકો ભૂસકો મારે તેવો ડર હતો માટે અમે બૂમો પાડી લોકોને નીચે ગાદલા બિછાવવા કહ્યું. આગની એક ઝાળથી હું દાઝ્યો.

નરેશ ચૌધરી

એક યુવકે દીવાલના ટેકે પાંચમા માળે શેડ તોડી મહિલાને ઉગારી

ગણેશ જિનેસિસમાં લાગેલી આગને કારણે ઉપરના માળે ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની સ્નોરકેલ કામમાં ન આવી ત્યારે જૂની ઢબે લોકોને નીચે ઉતારવાની કામગીરી કરનારા જાંબાઝ નાગરિકોમાં એક અજાણ્યા શીખ યુવાનનો પણ સમાવેશ થાય છે. જેણે પોતાની જાતને જોખમમાં મૂકીને એક મહિલાને નીચે ઉતારી હતી.

ફાયર બ્રિગેડના કર્મચારીઓની સાથે સાથે અજાણ્યો શીખ યુવાન પળવારનો વિચાર કર્યા વિના ઉપર ચઢી ગયો હતો અને પાંચમા માળે ફાઈબરના શેડને તેણે જાતે દીવાલ પર ઊભા રહી તોડ્યો હતો. શેડ તોડીને આ યુવાન ચોથા માળની બાલકનીમાં ઉતર્યો હતો. તેણે ચોથા માળે ફસાયેલી એક મહિલાને કમરે દોરડું વિંટાળી નીચે ઉતારી હતી. આ શીખ યુવાનને પૂછતાં તેણે રેસ્ક્યૂની કામગીરીની ટ્રેનિંગ લીધી હોવાનું તેણે કહ્યું હતું અને કામગીરી પૂરી કરી તે ચાલ્યો ગયો હતો. આ શીખ યુવાનની હિંમત જોઈ લોકોએ તેને બિરદાવ્યો હતો.

વિરાટ પટેલ અને જિતેશ શાહ

જીવના જોખમે પાઈપ પરથી ચોથા માળે જઈ વૃદ્ધાને બચાવ્યા

વિરાટ પટેલ અને જિતેશ શાહ નામના આ બે યુવકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ગોતાના ગણેશ જેનિસિસમાં આગ લાગવાના દ્રશ્યો જોયા હતા. પળનો પણ વિચાર કર્યા વિના આ બંને યુવકો તાત્કાલિક આગ લાગી હતી તે ફ્લેટ તરફ દોડી ગયા હતા.

આગને કારણે ચારે તરફ ધૂમાડો ફેલાયેલો હતો, અને કોઈ ફ્લેટની નજીક જવાની હિંમત નહોતું કરી રહ્યું ત્યારે વિરાટ અને જિતેશ આગ અને ધૂમાડા વચ્ચે જીવનું જોખમ લઈને છેક પાંચમા માળે પહોંચી ગયા હતા. અહીં તેમણે આગથી ચોતરફે ઘેરાયેલા એક વૃદ્ધાને બચાવી લીધા હતા.

આ બંને યુવકોએ જે વૃદ્ધાને બચાવ્યા છે તેમની ઉંમર 65 વર્ષ છે. તેઓ આગ લાગવાને કારણે એટલા બધા ડરી ગયા હતા કે પોતાની મેળે નીચે આવવાની તેમનામાં હિંમત જ નહોતી રહી.

પાંચમા માળેથી 32ને ઉગાર્યા, પછી ધુમાડાથી બેભાન થયા

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું અને રાજેશ ભટ્ટ તથા અમારી ટીમના માણસો રેસ્ક્યૂ કામગીરી માટે ઉપર ગયા હતા. હું 5માં માળે પહોચ્યો ત્યારે આગ પર પાણીનો છંટકાવ કરતા આગની ફ્લેમ અચાનક ‌આવી તેમજ આગને લીધે ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા. જેમાં મને ગૂંગ‌ળામણ થઈ અને હું બેભાન થઇ ગયો. આ ઘટનામાં 32માંથી 9 લોકોને દોરડા અને સ્ટ્રેચરથી રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં એક મહિલા સહિત 2 લોકો ખૂબ દાઝ્યા હતા. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે વધુ દાઝેલી વ્યક્તિને સ્ટ્રેચરથી નીચે ઉતારી બચાવી લીધી હતી. મારી સાથે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ, જ્યંતી વાવડી, ગજેન્દ્ર સિંહ ચૌહાણ, ઘનશ્યામ વાયડા, કાનજી રબારી અને કલ્પેશ હતા. અમે એક મહિલાને બાલકનીમાંથી દોરડા વડે બાંધી નીચે ઉતારી હતી. ધુમાડા ખૂબ વધી ગયા હતા અને ફાયરકર્મીઓને ગૂંગળામણ થતાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો