આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું.  રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW – Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો.RAWના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને જોબ ઓફર કરી જેમાં રવિન્દરને અન્ડર કવર એજન્ટ તરીકે પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારતને પહોંચાડવાની હતી. આ કોઈ મોજમજા વાળી નહિ પણ દેશ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાની નોકરી હતી. રવિન્દરે દેશસેવાની આ તક ઝડપી લીધી.

 

RAW દ્વારા રવિન્દરને 2 વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી. દિલ્હીમાં રહીને એ ઉર્દુ શીખ્યા અને મુસ્લિમ ધર્મનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કારણકે પાકિસ્તાનમાં રહેવાનું હતું. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે ‘નબી અહેમદ શાકીર’ નામ ધારણ કરીને પાકિસ્તાનમાં આવી ગયા. કરાંચી યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો.

અભ્યાસ પૂર્ણ કરીને પાકિસ્તાન આર્મીમાં જોડાઈ ગયા અને મેજરના પદ સુધીનું પ્રમોશન પણ મેળવ્યું. 1979થી 1983 સુધી પાકિસ્તાની સેનાની ઘણીબધી ગુપ્ત માહિતી ભારત સરકારને પહોંચાડી. આ માહિતીથી ભારતીય સેનાને ખૂબ ફાયદો થયો. પાકિસ્તાનની સેનામાં મેજર તરીકે રહેલા નબી અહેમદ ઉર્ફે રવિન્દર કૌશિકની બહાદુરી અને હિંમતને લીધે ભારતીય સેનામાં એને ‘The black Tiger’ તરિકે ઓળખવામાં આવતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટાઇટલને મંજૂરી આપેલી.

1983ના સપ્ટેમ્બરમાં રવિન્દરની ઓળખ છતી થઇ ગઈ. એના પર પાકિસ્તાની કોર્ટમાં કેઈસ ચાલ્યો અને 1985માં ભારતમાંના આ વીર સપૂતને ફાંસીની સજા આપવામાં આવી. જો કે પાછળથી આ સજા ઓછી કરીને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી. 1999માં જેલમાં જ રવિન્દર કૌશિકનું અવસાન થયું. 16 વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં આ નરબંકા પર કેવા અત્યાચારો થયા હશે એની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી.રવિન્દર કૌશિક જેવા કેટલાય યુવાનો ભારતમાતાની સુરક્ષા અને સલામતી માટે જીવન ન્યોછાવર કરી દે છે ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. લોકો દેશ માટે પોતાનું જીવન આપી દે છે અને આપણાથી સાલો ટેક્સ પણ નથી અપાતો..આપની બહાદૂરી, હિંમત, દેશભક્તિ અને સમર્પણને સો સો સલામ.

– શૈલેષભાઇ સગપરિયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

શૈલેષ સગપરિયા