વડોદરાથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસતી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પૂર્વમાં આવેલ છે. અગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હકૂમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભાળતા હતા. ત્યાર બાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર ‘શિકાર માટે અનામત’હેતુ અર્થે દેવગઢ બારિયા રાજ્યએ વહીવટ સંભાળી લીધો હતો. ત્યાર બાદ દેશી રજવાડાંઓને સરદાર પટેલે ભારત દેશ સાથે જોડતાં તેને રક્ષિત ‘બાયો સ્ફિયર રિઝર્વ’ તરીકે જાહેર કરવામાં આવેલ. ત્યાર બાદ છેક ૧૯-૩-૧૯૮૨ના રોજ આ વિસ્તારને ‘રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય’ તરીકે જાહેર કરવામાં આવેલ. આ અભયારણ્ય ૫૫.૬૪ ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવે છે. આ અભયારણ્ય વિસ્તાર તેના વાનસ્પતિક તેમજ પ્રાણીજ સંપત્તિ માટે ખૂબ જ ખ્યાતનામ છે.
રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વાનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે. પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે.
અભયારણ્ય વિસ્તારની ભૌગોલિક અને ઊંચાઈમાં વિવિધતાના કારણે વનસ્પતિની જાતોમાં પણ અલગ અલગ સ્થળે વિવિધતા જોવા મળે છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો, બોર, જાંબુ, ચારોળી, ખાખરો, શીમળો, બીયો, હુલદુ, કલમ, મોખો, તણછ, આંકલ, નાગોડ, સીતાફળ, કુંભી, કણજી, બીલી, ગરમાળો, કુસુમ, કેડા, મરડાસિંગ, અરડૂસી, વિકળો, ઉમરો, પારિજાત, અીઠા, સીસમ, મીઢળ વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. રતનમહાલના ઉચ્ચ સપાટ પ્રદેશ પર ટીમરુ, ચારોળી તથા સાદડના સહચર્યનો ઉત્તમ નમૂનો જોવા મળે છે.
વૃક્ષ આચ્છાદિત ડુંગરાળ સપાટ મેદાન અને મિશ્ર જંગલ ધરાવતા અભયારણ્યમાં રીંછની સારી એવી વસતી જોવા મળે છે. આ વિસ્તારમાં અતિ દુર્લભ ગણાતી ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.
આ સિવાય અહીંયાં માંસાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે. જેમાં મુખ્યત્વે દીપડાનો સારો એવો વ્યાપ છે. આ સિવાય અહીંયાં ઝરખ, તામ્રવર્ણ ટપકાંવાળી બિલાડી, જંગલી બિલાડી, શિયાળ, લોંકડી, નોળિયાની વિવિધ જાતો, તાડ વણિયર, નિલગાય, ચૌશિંગા, શાહુડી, ઘોરખોદિયું, કીડીખાઉ, જંગલી ભૂંડ, શેડો, હનુમાન લંગૂર, માંકડાં, સસલા, વિવિધ જાતના ચામાચીડિયા, ઉંદરની વિવિધ જાતો, ઉપરાંત સરિસૃપ વર્ગના નાગ, કાળોતરો, ખડચિતળો, ફૂરસો, ધામણ, વાંસ સાપ, અજગર, ઘો, કાચિંડા, ગરોળી અને કાચબાની વિવિધ જાતો જોવા મળે છે.
આ અભયારણ્યમાં દોઢસોથી વધુ પ્રકારના પ્રાણીઓની વિવિધ જાતો જોવા મળે છે. જેમાં રાખોડી જંગલી મુરઘો, ગુજરાતમાં જોવા મળતા ત્રણેય જાતના પોપટ, લીલો હરિયો, રાખોડી ચીલોત્રો, લક્કડખોદ અને ઘુવડની વિવિધ જાતો, બરજી, મઘીયો બાજ, શકટો બાજ, ચોટલિયો, સાપમાર, મોર બાજ જેવા શિકારી પક્ષીઓની સાથે સાથે ઘણી બધી જાતના દુર્લભ-અતિદુર્લભ પક્ષીઓ અહીં જોવા મળે છે. આ સિવાય કીટક અને કરોળિયાની અસંખ્ય વિવિધ જાતો આ અભયારણ્યમાં વસવાટ કરે છે.
પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ જાણકારી સાથે વન પ્રકૃતિ ભ્રમણની તકો પૂરી પાડવાની સાથે સાથે વન સંરક્ષણ પ્રત્યે જાણકારી આપી ઇકો ટૂરિઝમ થકી સ્થાનિક લકો માટે રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવી એ આ અભયારણ્યનો મુખ્ય ઉદ્દેશ છે તથા જંગલ અને જંગલમાં વસતા જીવો માટેની સાચી સમજ પ્રવાસીઓને પહોંચાડવી તથા જંગલની સુંદરતા અને જીવનની ઝાંખી કરાવવી એ પણ એક મુખ્ય ઉદ્દેશ છે.
સ્થાનિક વન અધિકારીઓ પ્રકૃતિ પરિભ્રમણકારોના સંકલનકાર રહે છે. રહેવા-જમવાની માર્ગદર્શનની અને કેમ્પ વગેરેની સેવાઓ ઇકો ડેવલપમેન્ટ સમિતિ દ્વારા આપવામાં આવે છે. અભયારણ્યમાં પ્રવેશ માટેના કેટલાક નિયમો તૈયાર કરવામાં આવેલા છે. જેમ કે પ્રવાસીઓએ અગાઉથી પરવાનગી અને આરક્ષણ મેળવીને આવવું. જંગલ વિસ્તારમાં પ્રવેશ સારા વ્યવહાર સાથે કરવો. જેમ કે સંગીતના સાધનો, ટેપ, રેડિય કે અવાજ પ્રદૂષણ કરે તેવા કોઈ પણ પ્રકારના સાધનો લાવવા કે વગાડવાની સખત મનાઈ છે. સારો અભિગમ રાખવો. સાથે પાલતું પ્રાણીઓ લાવવાની મનાઈ છે. રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં વન અધિકારીઓની પરવાનગી સિવાય પ્રવેશ કરવો એ ગુનાઇત પ્રવૃત્તિ ગણાશે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો સામાન ફેંકવો, માદક પદાર્થોનું સેવન કરવું, વન્ય જીવ અધિનિયમોનું ઉલ્લંઘન કરવું એ ગુનાપાત્ર ગણાશે. વન્ય પ્રાણીઓને હેરાન, પરેશાન કરવા નહીં તથા તેમનાથી સલામત અંતર રાખવું. અભયારણ્યમાં શસ્ત્રો કે જ્વલનશીલ પદાર્થો લઈ જવાની સખત મનાઈ છે. પૂર્વમંજૂરી સિવાય જંગલની અંદર ઝઈને ફોટોગ્રાફી કરવાની પણ સખત મનાઈ છે. આ સિવાયની કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ પણ ગુનાપાત્ર ગણાશે.
કેવી રીતે પહોંચશો:
વડોદરાથી ૧૬૦ કિ.મિ., ગોધરાથી ૯૦ કિ.મિ., દાહોદથી ૬૦ કિ.મિ., પીપલોદથી ૬૦ કિ.મિ. અને બારિયાથી ૪૫ કિ.મિ.નું અંતર છે.
મુલાકાત માટે અનુકૂળ સમય:
ચોમાસામાં અભયારણ્ય મુલાકાત બંધ કરી દેવામાં આવે છે. જે ૧૬મી જૂનથી ૧૫ ઓક્ટો. સુધી બંધ રહે છે. જો વરસાદ વધુ હોય તો ૧૫ નવેમ્બર સુધી પણ બંધ રહે છે. બાકી મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે.
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યના ભીન્ડોલ ગામે રમણીય વન વિસ્તારમાં નળધા કોતર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર અંગેની કેમ્પ સાઇટ વિકસાવવામાં આવેલ છે. જ્યાં પ્રકૃતિ શિક્ષણ શિબિરાર્થીઓને રહેવાની સગવડ તથા તંબુ બાંધવા માટેના કુલ ૧૨ પ્લેટફોર્મ તૈયાર કરેલ છે તથા વાર્તાલાપ માટેનું પણ પ્લેટફોર્મ તૈયાર કરેલ છે. તે ઉપરાંત ઉધલ મહુડા ખાતે પ્રકૃતિની ગોદમાં ડેમ પાસે કેમ્પ સાઇટ તૈયાર કરેલ છે. તદ્ઉપરાંત પરિભ્રમણ માટે વન કેડીઓ પણ નક્કી કરેલ છે. જ્યાં દર વર્ષે પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવામાં આવે છે. જ્યાં યુવા પેઢીને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવે છે.
રમેશચંદ્ર સુથાર