વડોદરા : વૃદ્ધાવસ્થામાં બાંકડા પર બેસી ટાઇમ પાસ કરવાને બદલે કોઈના મોઢા પર સ્મિત આવે તેવું કામ કરવાની ભાવના સાથે રસિકભાઈ જોષીએ સંપૂર્ણ સમય ગરીબ બાળકો,વૃદ્ધોની સેવા પાછળ વિતાવે છે.આજે તેઓ આનંદ આશ્રમ, સ્નેહ ફાઉન્ડેશન,જલારામ સેવા ટ્રસ્ટ જેવી પાંચેક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકાર્ય કરે છે.
વસ્ત્રદાન સેવા થકી રસિકભાઈએ છેલ્લાં 4 વર્ષમાં 8 લાખથી વધારે કપડાંનું વિતરણ કર્યું છે. વાસણા રોડ ખાતે રહેતા રસિકભાઈ જોષીએ(63) જણાવ્યું કે, હું 4 વર્ષ પહેલાં રિટાયર થયો.નિવૃત્તિ બાદ અમુક લોકોની જેમ બાંકડા પર બેસી પાછલું જીવન પસાર કરવું ન હતું. દરમિયાન રેલવે સ્ટેશન પર આનંદ આશ્રમના વોલન્ટિઅન્ટર દ્વારા ગરમીમાં છાશ અને નાસ્તાનું વિતરણ કરાઈ રહ્યું હતું. આ સેવા જોઈ હું આનંદ આશ્રમ સાથે જોડાઈ ગયો, જેમાં મને વસ્ત્રદાનની જવાબદારી સોંપાઈ હતી. હું કપડાં ભેગાં કરી તેને મારા ઘરે લઈ જતો હતો. જ્યાં હું આ કપડાંને પુરુષ,સ્ત્રી અને બાળકો ત્રણ કેટેગરીમાં વહેંચી વિતરણ કરું છું.
રસિકભાઈ કહે છે કે મારું મૂળ વતન ઈડર તાલુકાનું વેરાબર છે. મારા ગામે જઉં ત્યારે મારી ટવેરા કારમાં કપડાં લેતો જાઉં. વચ્ચે જે ગામ આવે ત્યાં સ્ટોલ ઉભો કરી ગરીબોને કપડાં વહેંચું.મારી ગાડી ક્યારે આવે તેની ગામડાંમાં લોકો રાહ જુએં છે.
નિરાધાર વૃદ્ધો માટે રસિકભાઈ 24 કલાક ખડેપગે સેવા માટે ઊભા રહે છે
શહેરમાં જે નિરાધાર હોય તેમની કોઈ સેવા કરનારું ન હોય તેવા વૃદ્ધોની રસિકભાઈ સેવા કરે છે. કોઈ વૃદ્ધ બીમાર પડ્યો હોય તેને હોસ્પિટલ પણ લઈ જવાવાળુ કોઈ ન હોય તેની જાણ થતાં જ રસિકભાઈ જે તે વૃદ્ધને હોસ્પિટલ લઈ જઈ ગમે તેટલા દિવસ થાય તેની દિવસ-રાત સેવા કરી તેને સાજો કરી વૃદ્ધને તેના ઘરે પહોંચાડે છે. જલારામના ભક્ત રસિકભાઈ નોકરી કરતા ત્યારે બે ટિફિન લઈને જતા,જેમાં એક ટિફિનમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિને જમાડતા. રસિકભાઈં કહે છે કે, છેલ્લાં 8 વર્ષથી મુઝમહુડામાં ફુટપાથ પર રહેતી એક વ્યક્તિને દર ગુરુવારે તેઓ ભોજન જમાડે છે.અન્ય દિવસોમાં તેને ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરે છે.