અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની સાથે વાતાવરણ પણ એવું જ મળશે જેની તમે આશા રાખતા હશો. આ થીમ બેઝ રેસ્ટોરન્ટનું નામ છે રજવાડુ.
મૂળ અમદાવાદી એવા મનિષ પટેલે 1998માં અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રજવાડુ રેસ્ટોરન્ટ શરૂ કરી ત્યારે તેમને સાથ મળ્યો પરેશ પટેલ અને રાજેશ પટેલનો. રજવાડુ નામ કેવી રીતે પડ્યું તે અંગે મનિષ પટેલ જણાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે આ નામ આપ્યુ છે. રજવાડુમાં તમને પરંપરાગત ગુજરાતી વાનગીઓની સાથે મીઠો આવકારો પણ મળશે.
લગભગ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા રજવાડુમાં સ્વાદના શોખીનોને ગુજરાતી થાળીમાં 20 કરતાં વધુ વાનગીઓ પિરસવામાં આવે છે. રેસ્ટોરન્ટમા માલિક મનિષ પટેલ જાતે આ વાનગીઓનું સિલેક્શન કરે છે. રજવાડુનો ટેસ્ટ માત્ર અમદાવાદ પુરતો સીમિત નથી, ગુજરાત અને દેશના અન્ય ભાગો ઉપરાંત એનઆરઆઇ પણ મોટી સંખ્યામાં રજવાડુની વાનગીઓના દિવાના છે.