આગામી વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં લઈને પ્રદેશ કોંગ્રેસે રાજ્યના 19 શહેર-જિલ્લા પ્રમુખોને બદલાવી નવા ચહેરાની જાહેરાત કરી છે, જેમાં રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીની અને જિલ્લામાં જિ.પં.માં સતત ચાર ટર્મથી ચૂંટાતા હાલ વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાની નિયુક્તિ કરાઈ છે. એને પગલે અર્જુન ખાટરિયાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જ્યાં MLA વસોયાએ પ્રેસ-કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હું ખભે બેસાડીને ચૂંટણી લડવા તૈયાર છું.
કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા
તેમણે વધુમાં કહ્યું હતું કે નરેશ પટેલ માટે હું મારી સીટ ખાલી કરી દઈશ. અમે સાથે મળીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશું. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે અને આ અંગે તેમણે સત્તાવાર તારીખો પણ આપી છે કે તેઓ 10થી 15 એપ્રિલ સુધીમાં કોંગ્રેસમાં જોડાઇ જશે અને તેમના આગમનથી કોંગ્રેસને ઘણો ફાયદો થશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત કગથરા અને કોંગ્રેસ અગ્રણી ભીખુ વારોતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં લાંબા સમય બાદ કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા.
પાટીદારો સભ્યોમાં વિરોધના સૂર જોવા મળ્યા
રાજકોટ કોંગ્રેસના માળખામાં પાટીદારોમાં શહેર-જિલ્લાકક્ષાએ પટેલ સમાજને હોદ્દાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળવાની લાગણી રોષ સાથે પણ છલકાઈ હતી. 4 દિવસ પહેલાં આ અંગે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગાએ મીડિયાને જણાવ્યું હતું કે પાટીદાર સંગઠનને કોંગ્રેસમાં પદ મળવું જોઈએ. જો અમારી માગ પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અર્જુન ખાટરિયાનો પદગ્રહણ સમારોહ યોજાતાં કોંગી પાટીદારો સભ્યોમાં વિરોધના સૂર જોવા મળ્યા છે.
મોંઘવારીનો બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ
આજે શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રી કાર્યકરોએ મોંઘવારીનો વિરોધ બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો. આ અંગે અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે ભાજપની ગુજરાતની આ સરકારમાં બેરોજગારી એટલી હદે ઊભરીને બહાર આવી છે, જેમાં તલાટીની 3400 જગ્યા હોય અને 18 લાખ ઉમેદવારો ઊમટી પડે, કલાર્કની 1200ની જગ્યા હોય અને 21 લાખ ઉમેદવારો ઊમટી પડે. આ જોતાં બેરોજગારી સૌની નજરે દેખાઈ આવે એવી સ્પષ્ટ છે, જેથી આજે અમે એનો વિરોધ કર્યો છે.