વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ પાસે ગઇકાલે બની હતી. જસદણના વેપારી ભીખુભાઇ મોલીયા પીઠડિયા ગામે આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોધારું થઇ ગયું છે. મૃતકે તોતિંગ વ્યાજના વિષચક્રમાં ફસાઇને જીવ આપવા સાથે એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં વ્યાજખોર કેમ પરેશાન કરતો હતો તેનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો છે. જેતપુર ACP સાગર બાગમારે જણાવ્યું હતું કે, મૃતકે 8 લાખ વ્યાજ લીધા હતા અને આરોપી 40 લાખની માગણી કરી અવારનવાર માનસિક દબાણ કરતો હતો. આથી કંટાળીને ભીખુભાઇએ આપઘાત કરી લીધો છે.
મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી
ગઇકાલે રાજકોટ જિલ્લાનાં વિરપુર પાસેના પીઠડીયા પાસેથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તેણે ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. મૃતક તરીકેની ઓળખ ભીખુભાઇ મોલીયા તરીકે થઇ હતી અને તેનાં ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે શા માટે આત્મહત્યા કરી તેની વિગતો હતી, તેમજ કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ લખ્યું છે.
વેપારી જસદણમાં દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા
જસદણમાં દુકાન ચલાવીને ભીખુભાઇ મોલિયા પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધંધામાં થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના જ દિલીપ ગોવિંદ ચાંવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સામે તેણે તેને એક કોરો ચેક લખીને આપ્યો હતો. ભીખુભાઇએ વ્યાજખોર દિલીપ પાસેથી આવી રીતે 3થી 4 વખત રૂપિયા લીધા હતા અને તેના બદલમાં તેણે તેને સામે કોરા ચેક પણ આપ્યા હતા
વ્યાજે પૈસા આપી વ્યાજખોર કોરો ચેક લઇ લેતો
3થી 4 વર્ષ પહેલા મૃતક ભીખુભાઇએ દિલીપ ચાંવ પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેને દિલીપને એક કોરો ચેક પણ આપ્યો હતો, મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી દીધા હતા. આમ છતાં વ્યાજખોર દિલીપ ભીખુભાઇને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઇએ તેની પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો. આટલાથી નહિ અટકેલા વ્યાજખોર દિલીપે ભીખુભાઇનો કોરો ચેક બેન્કમાં જમા કરાવીને બાઉન્સ કરાવ્યો હતો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું અને દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા હતા અને અલગ અલગ શહેરોમાં છૂપાયને રહેતા હતા. આ અસહ્ય ત્રાસ સહન ન થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને મોતને વ્હાલું કર્યું હતું ,
કોણ છે દિલીપ ચાવ, શું છે તેનો મુખ્ય ધંધો
દિલીપ જી. ચાંવ એ જસદણના વીંછિયા રોડ ઉપર રહે છે અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવનો છે, દિલીપ પૈસાની જરૂરિયાતવાળા લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખૂબ જ તોંતિગ વ્યાજ સાથે. દિલીપનું વ્યાજ 5 ટકાથી શરુ થઇને 10-15 ટકા સુધીનું હોય છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જો આ દિલીપના વ્યાજના વિષચક્રમાં ફસાય જાય તો ક્યારેય બહાર નીકળી શકતો નથી. દિલીપ જ્યારે પૈસા વ્યાજે આપે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક કોરો ચેક અને સાથે અનેક શરતો કરે છે. જેમાં સમયસર વ્યાજના પૈસા ન આપે તો પેનલ્ટી સહિતની શરતો હોય છે. જો વ્યક્તિ વ્યાજ આપવામાં એક દિવસ મોડું કરે તો એક દિવસની પેનલ્ટી 200 રૂપિયા જેટલી વસૂલે છે.
2013માં પણ વ્યાજના વિષચક્રમાં ફસાઇ એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો
આ વ્યાજખોર ભીખુભાઇ જેવા અનેક વ્યક્તિને વ્યાજના વિષચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે અને પોતે માલામાલ થઇ ગયો છે. તે એક ખાસ પદ્ધતિથી વ્યાજે પૈસા આપતો હતો. જેમાં તે એક બુક રાખે છે અને તેમાં તે રોજે રોજના પૈસા પણ વ્યાજે આપે છે. જેનું વ્યાજ 10 ટકાથી પણ વધારે હોય છે અને આવા વ્યાજના પૈસા તો નાના લોકો જ લે છે અને દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટે છે. બેફામ વ્યાજખોરીના ચક્રમાં ભીખુભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો છે, દિલીપ ચાંવનો ગુનાહિત ઇતિહાસ આવો જ 2013માં પણ એક વ્યક્તિએ તેના વ્યાજખોરીના કડક ઉઘરાણીને લઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..