રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લઈને ઉપાડ્યું અનોખું અભિયાન.

રાજકોટના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો.અનુજા ગુપ્તાએ રાજકોટ નજીક આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા ગુજરાત કેડર આઇએએસ વાઇવ્ઝ એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે અને ત્યાં છાત્રોના ઉત્કર્ષ માટે વિવિધ શૈક્ષણિક, ઇત્તર પ્રવૃત્તિ આદરી છે. આ શાળામાં જીઓગ્રાફી, સાયન્સ, મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ બનશે.

તજજ્ઞ રમતવીરો દ્વારા શાળાના બાળકોને રમતગમતની તાલીમ મળે એવું પણ આયોજન

અમદાવાદ હાઇવે પર આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા નંબર-2ને દત્તક લઇ આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. એની શરૂઆત એક રસપ્રદ સ્થિતિથી થઇ છે. શાળાની પાસે જ એક મોટુ ક્રિડાંગણ છે. ત્યાં એટલું ઘાસ ઉગી ગયેલું કે બે ત્રણ સર્પોનો વસવાટ બની ગયું. મેદાન મોટું અને ઘાસ જાજું. એટલે સર્પો પકડી પણ શકાય નહીં. પહેલા આ મેદાન સાફ કરાવવામાં આવ્યું. મેદાન સાફ થયું એટલે સર્પો નાસી છૂટ્યા અને અહીં બનાવાયું એથ્લેટિક્સ મેદાન. અહીં રનિંગ ટ્રેક બનાવાયો. આ મેદાનમાં લાલ રેતી નાખી મેદાન બનાવાશે. તજજ્ઞ રમતવીરો દ્વારા શાળાના બાળકોને રમતગમતની તાલીમ મળે એવું પણ આયોજન છે. શાળામાં મધ્યાહન ભોજન યોજનાના શેડ પાસે સ્કેટિંગ રિંગ બની શકે એમ છે. એટલે ત્યાં લોકસહયોગથી સ્કેટિંગ શૂઝ મેળવી બાળકોને સ્કેટિંગ શીખવવામાં આવશે. શાળાની દિવાલો પર ચિત્રનગરીના સહયોગથી સુંદર મજાના ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોથી શાળા પટાંગણ દીપી ઉઠ્યું છે.

શાળામાં જ સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવાશે

અહીં નૃત્ય ક્લાસ પણ શરૂ કરવામાં આવશે. રસ ધરાવતા બાળકોને પાશ્ચાત્ય નૃત્યની પણ તાલીમ આપવામાં આવશે. છાત્રાઓને મહેંદી મૂકવાની તાલીમ આપવામાં આવશે. જ્યારે યુવાનોને મોબાઇલ રિપેરિંગ સહિતના ટેકનિકલ કોર્સ શીખવવામાં આવશે. શાળામાં અભ્યાસ કરવા આવતી છાત્રાઓ માટે દરકાર લેવામાં આવી છે.

શાળામાં જ સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવાશે. અનુજા ગુપ્તા પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી કડી પૂરવા માટે તત્પર છે. આણંદપર પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારનો સ્માર્ટ ક્લાસ તો ચાલે છે. પણ, તેનું વિસ્તરણ કરવામાં આવશે. શાળાના એક ઓરડામાં જીઓગ્રાફી, સાયન્સ અને મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ બનાવવાનું આયોજન છે. જેમાં બાળકોને વિજ્ઞાન સરળ પદ્ધતિથી શીખવવામાં આવશે. જ્યારે, ભૂગોળમાં માત્ર ગુજરાત કે ભારતના જ નહીં સમગ્ર વિશ્વની ભૌગોલિક સ્થિતિનું જ્ઞાન બાળકોને આપવામાં આવશે. શાળા આસપાસ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં ફૂલફળાદીના વૃક્ષો રોપવામાં આવશે.

પ્રાથમિક શાળાના મેદાનને ડેવલપ કરી ત્યાં ક્રિડાંગણ બનાવાયું, શાળાની દિવાલોને સુંદર ચિત્રકામ થકી સજાવવામાં આવી

ઉચ્ચ કક્ષાની કોમ્પ્યુટર લેબ બનશે

શાળામાં ઉચ્ચ કક્ષાની કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે. આનુષાંગિક ઉપકરણો સાથે લેપટોપ મૂકવામાં આવશે અને તેનું પણ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. કોમ્પ્યુટર શિક્ષણ માટે નિઓ-રાજકોટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ અભિયાન લાંબા સમય સુધી ચાલે એવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આણંદપર પ્રાથમિક શાળાના ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાત કેડર આઇએએસ વાઇવ્ઝ એસોસીએશન વિશેષ રુચિ દાખવી રહ્યું છે.

આણંદપર શાળા દત્તક લેવાની ક્યાંથી પ્રેરણા મળી?

પ્રો. અનુજા ગુપ્તા કહે છે કે, વિજયભાઇ રૂપાણી અને તેના પત્ની અંજલીબેન રૂપાણીની રાહબરી હેઠળ રાજકોટ શહેરમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સુંદર પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે જોઇ આ શાળા દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. શાળાના બાળકો ઘણા ઉત્સાહી છે. બાળકોની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ ખૂબ સારી છે. તેથી આ અભિયાનથી તેમનો સર્વાંગી વિકાસ થશે અને દેશના સારા નાગરિક બનશે.

શાળાના વિકાસ માટેના ભાવિ આયોજન

-સ્કેટિંગ રિંગ, કોચિંગ

-નૃત્યના વર્ગો

-મહેંદી મૂકવાની તાલીમ

-મોબાઈલ રીપેરિંગ સહિતના ટેકનિકલ કોર્સ

-આધુનિક કોમ્પ્યુટર લેબ

-ભૂગોળ, ગણિત, વિજ્ઞાનની સ્માર્ટ લર્નિંગ લેબ.

-ઘનિષ્ઠ વૃક્ષારોપણ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો