રાજકોટમાં સિટી બસના ચાલકની ગુંડાગીરી: સિટી બસના ચાલકે બાઇકસવાર વૃદ્ધને જાહેરમાં ફડાકા ઝીંકી બેફામ માર માર્યો, ગાળો ભાંડી રોફ જમાવ્યો

રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે વિજય કાપડી નામના બસચાલકની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાહેરમાં લુખ્ખાગીરી કરી વૃદ્ધ પર રોફ જમાવ્યો
શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારે 11 વાગ્યે રોડ ક્રોસ કરતા બાઈકચાલક અને સિટી બસચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે એકસાથે 3-3 સિટી બસના ડ્રાઇવર-કંડક્ટર એકઠા થઇ ગયા હતા અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે ટ્રાફિકજામ થતાં સામાન્ય રાહદારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી બસચાલકની અટકાયત કરી
ટ્રાફિક સમસ્યા સર્જાય અને મારામારીની ઘટના સમયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્પેક્ટર સી.જે. જોશી પસાર થયા હતા, આથી તેમણે સિટી બસના ચાલક વૃદ્ધને માર મારતો હોવાનું જોતાં તાત્કાલિક અસરથી બસચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભૂલ થઈ ગઇ એનો મને અફસોસ છેઃ આરોપી બસચાલક
આરોપી બસચાલક વિજય કાપડીએ મીડિયાને જણાવ્યું હતું કે, હવે મારાથી ભૂલ થઈ ગઈ, એ વાતનો મને અફસોસ છે. વૃદ્ધ બીજા બસવાળા સાથે લપ કરતા હતા તો હું છૂટા પાડવા ગયો હતો. આથી દાદા ગાળો બોલવા લાગ્યા હતા એટલે હાથાપાઈ થઈ ગઈ. બેફામ નથી માર્યા પણ બે-ચાર ફડાકા જ ઝીંક્યા હતા.

આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ નક્કી કરાશેઃ મ્યુનિ. કમિશનર
આ અંગે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આજે બનેલા બનાવ અંગે સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ સાથે અગાઉ બનેલી આ પહેલાંની ઘટનામાં ડ્રાઇવરને છૂટા કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિટી બસનું સંચાલકન કરતી એજન્સીને પણ કડક સૂચના આપવામાં આવશે અને જરૂર જણાયે આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવશે.

2 મહિના પહેલાં સિટી બસના ચાલકે રિક્ષાચાલક વૃદ્ધને બેફામ માર્યા હતા
અગાઉ બે મહિના પહેલાં સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી હતી. શહેરના કાલાવડ રોડ પર સિટી બસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટી બસના ડ્રાઇવર-કન્ડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી હતી. બાદમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.

21 જૂનના રોજ રાજકોટના આઝાદ ચોકમાં સિટી બસે એક્ટિવાને ઉલાળતાં મહિલાને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. બાદમાં ઉશ્કેરાયેલાં ટોળાંએ સિટી બસ પર પથ્થર મારો કરતાં બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો. જોકે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસં ઘટનાસ્થળે દોડી આવી મામલો શાંત કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં સિટી બસના ડ્રાઇવરે રિક્ષાચાલકને ફડાકા માર્યા હતા
કોઠારિયા અને મેટોડા રૂટની 15 નંબરની બસ ત્રિકોણબાગ પાસે આવી ત્યારે બસ-ડ્રાઇવર અને રિક્ષા-ડ્રાઇવર વચ્ચે પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી મારામારીમાં ફેરવાઇ હતી. બસ-ચાલકે રિક્ષાવાળાને ફડાકા મારી શર્ટ ફાડી નાખ્યો હતો. રિક્ષાચાલકે બે હાથ જોડી માફી પણ માગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો