અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટરની સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી રાજકોટનો ક્રિશ ગજેરા, 80 દિવસ સુધી વેન્ટીલેટર પર રહ્યો, અંતે સ્વસ્થ્ય થઈ નિરોગી થયો

રાજકોટમાં એક તરફ કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યો છે અને હવે નાના બાળકો પણ કોરોનગ્રસ્ત થઈ રહ્યા છે. આ સમયે બાળકોને વાઇરલ ઇન્ફેક્શનથી લકવાની અસર થતા ગુલિયાન બારી સિન્ડ્રોમના શિકાર પણ બને છે ત્યારે આજે વાત કરવી છે રાજકોટના દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા 10 વર્ષીય બાળક ક્રિશ ગજેરાની જે સતત 102 દિવસ સુધી ગુલિયાન બારી સિન્ડ્રોમ સામે ઝઝૂમ્યો, 80 દિવસ સુધી વેન્ટીલેટર પર રહ્યો અને આજે સ્વસ્થ્ય થઈ નિરોગી થયો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના દસ વર્ષના ક્રિશ ગજેરાને સતત સાત દિવસ સુધી તાવ અને માથુ દુખવા સાથે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો તેમજ હાથ પગ પણ ચલાવી શકતો નહોતો. તેને ધોરાજીથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને તેના રોગનું નિદાન થયું. જી.બી.એસ – ગુલીયન બારી સિનડ્રોમ.

માત્ર 14 દિવસની અંદર આ રોગ વધી જાય છે
આ અંગે રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના ડો.પંકજ બુચ કહે છે કે, શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેકશન અને શરદી ખાંસી જેવી તકલીફ આ રોગમાં જોવા મળે છે,. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે, પગથી અસર શરૂ થયા બાદ સમગ્ર શરીર, ગળું અને શ્વસનતંત્ર લકવાગ્રસ્ત થાય છે ત્યારે દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. માત્ર 14 દિવસની અંદર આ રોગ વધી જાય છે. અને તુરત જ સારવાર ના મળે તો દર્દી મૃત્યુ પણ પામી શકે છે.

આ વિશે વધુમાં ડો. ભૂમી ચાંગેલાએ જણાવ્યું હતું કે,ક્રિશ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન તેને ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ હતી.ક્રિશના ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરી ઇમ્યુનો ગ્લોબીન થેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી . તેમજ તેને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી શ્વાસોચ્છવાસ કરાવવામાં આવે છે. આ સમયે ઘન ખોરાકને બદલે દર્દીને માત્ર નળી વાટે જ પ્રવાહી ખોરાક આપવામાં આવ્યો હતો.

વેન્ટીલેટરની સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી છે
ક્રિશ ગજેરાની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટરની સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી છે. તેના માતા-પિતાએ પણ કહ્યું કે, ક્રિશને ખાનગી હોસ્પિટલમાં પણ સિવીલ હોસ્પિટલ જેવી શ્રેષ્ઠ સારવાર ન મળી શકી હોત. સમયસર ડોક્ટર આવીને ચેક કરી જાય, સમયસર ભોજન – દુધ, મગનું પાણી, પ્રોટીનયુક્ત આહાર મળી રહેતા હતા.

ક્રિશને ફિઝીયોથેરાપી આપવામાં આવી હતી
આ બાળકને નવજીવન બક્ષવાનું શ્રેય કે.ટી. ચિલ્ડ્રન્સ હોસ્પિટલની સમગ્ર ટીમને ફાળે જાય છે. બાળકને વેન્ટિલેટર દ્વારા આપવામાં આવતા ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડનું લોહીમાં પ્રમાણ માપવા ઉપરાંત સ્વસ્થ થયા બાદ બાળકને ઝીયોથેરાપી પણ આપવી પડે છે, ડો. પારસ અને ડો. તૃપ્તિ દ્વારા ક્રિશને ફિઝીયોથેરાપી આપવામાં આવી છે.

સરેરાશ રૂ.2.50 લાખનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે
વધુમાં ડો. ભૂમી ચાંગેલાએ જણાવ્યું હતું કે, શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80હજાર થી રૂ.1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે. આ સિવાયની સારવારનો લગભગ રૂ.8 હજાર જેટલો પ્રતિદિન થાય છે. એક બાળકના 70થી 90 દિવસના હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ રૂ.2.50 લાખનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો