અસ્સલ રાજસ્થાની ટેસ્ટની દાલ-બાટી આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. મોટાભાગના ગુજરાતીઓ દાલ-બાટી ખાવાનું મન થાય એટલે હાઈ-વે પરના ઢાબા પર પહોંચી જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઘરે પણ દાળ-બાટી બનાવવી સાવ આસાન છે? આ રેસિપી વાંચ્યા પછી તમને પણ ઘરે દાળ-બાટી બનાવવાનું ચોક્કસ મન થઈ જશે.

બાટી બનાવવા માટે સામગ્રીઃ

  • ઘઉંનો લોટ- આશરે 4 કપ કે 400 ગ્રામ
  • સોજી- 100 ગ્રામ
  • ઘી- અડધો કપ કે 100 ગ્રામ
  • અજમો- અડધી ચમચી
  • બેકિંગ પાવડર- અડધી ચમચી (વૈકલ્પિક)
  • મીઠુ- સ્વાદાનુસાર

દાળ બનાવવા માટે સામગ્રીઃ

  • અડદની દાળ- અડધો કપ અથવા 100 ગ્રામ
  • મગની દાળ- પા કપ અથવા 50 ગ્રામ
  • ચણાની દાળ- પા કપ અથવા 50 ગ્રામ
  • ઘી- બે મોટા ચમચા
  • ચપટી હિંગ
  • 1 ચમચી જીરુ
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરુ પાવડર
  • અડધી ચમચી લાલ મરચુ પાવડર
  • 2-3 ટામેટા
  • 1-2 લીલા મરચા
  • 2 ઈંચ લાંબો આદુનો ટુકડો
  • પા ચમચી ગરમ મસાલો
  • અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર
  • મીઠુ સ્વાદાનુસાર

બાટી માટે લોટ બાંધવાની રીતઃ

એક વાડકીમાં ઘઉંનો લોટ, સોજી કે રવો મિક્સ કરીને તેમાં 3 મોટી ચમચી ઘીનું મોણ, બેકિંગ પાવડર, મીઠુ અને અજમો નાંખો. સહેજ હૂંફાળા પાણીથી રોટલી જેવો લોટ બાંધો અને 20 મિનિટ માટે તેને ઢાંકી રાખો. ત્યાર બાદ સહેજ તેલ લઈને લોટને થોડો મસળી મુલાયમ બનાવો અને બાટી જેવા મધ્યમ કદના ગોળા તૈયાર કરો.

બાફીને બાટી બનાવવાની રીતઃ

જો તમે પાણીમાં બાફીને બાટી બનાવવા માંગતા હોવ તો 1 લીટર જેટલુ પાણી ગેસ પર ઉકાળવા મૂકો. પાણી ઉકળી જાય એટલે એક પછી એક બાટીના લૂઆ પાણીમાં નાંખતા જાવ. લગભગ 15 મિનિટ સુધી તેને ઉકાળો. બાટી સહેજ નીતરે એટલે તેને તવા પર ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો. બાટીને થોડો સમય પીગળેલા માખણમાં ડૂબાડી રાખો અને પછી એક બાઉલ કે પ્લેટમાં કાઢી રાખો.

બાફ્યા વિના ઓવનમાં બાટી બનાવવાની રીતઃ

જો તમે ઓવનમાં બાટી બનાવવા માંગતા હોવ તો ઓવનને 350 ડીગ્રી પર પ્રિહીટ કરો.તેમાં બાટીને 30 મિનિટ સુધી બેક કરો. થોડી થોડી વારે બાટીને ફેરવતા રહેશો તો તે બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે શેકાઈ જશે. બાટી શેકાઈ જાય એટલે તેને પીગળેલા માખણમાં ડૂબાડી રાખો અને પ્લેટ કે બાઉલમાં મૂકી દો.

દાળ બાફવાની રીતઃ

ત્રણે દાળ મિક્સ કરી વ્યવસ્થિત ધોઈને પાણીમાં પલાળી રાખો. કૂકરમાં દાળ કરતા બે ગણુ વધારે પાણી લઈ તેમાં મીઠુ નાંખીને દાળ ચડવા દો. 1 કે 2 સીટી વાગે પછી તેને 2થી 3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.

વઘાર કરવાની રીતઃ

ઝીણા સમારેલા ટમેટા, લીલા મરચા, આદુનો ટુકડો વગેરે એક મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે જીરુ નાંખી તતડવા દો. જીરુ તતડે એટલે હીંગ નાંખો અને પછી તેમાં ધાણાજીરુ પાવડર, હળદર ઉમેરો. થોડી વાર હલાવ્યા બાદ તેમાં મિક્સરમાં પીસેલી પેસ્ટ, લાલ મરચુ વગેરે નાંખી તેલ છૂટુ પડે ત્યાં સુધી સંતળાવા દો.

આ રીતે બનાવો ટેસ્ટી દાળઃ

પેસ્ટ સંતળાઈ જાય અને મસાલો ચડી જાય એટલે તેમાં બાફેલી દાળ તૈયાર કરો. દાળ ઉકળી જાય ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. દાળ ઉકળે એટલે તેમાં છૂટથી ઝીણી સમારેલી કોથમીર નાંખો.

ગરમાગરમ દાળને પીગાળેલા માખણમાં ડૂબાડેલી બાટી સાથે સર્વ કરો. દાલ બાટી સાથે એક્સ્ટ્રા ઘી અને ઝીણી સમારેલી ડુંગળી સર્વ કરવાનું ન ભૂલતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો