જામનગર-77 ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીની મત ગણતરી ઓશવાળ સ્કુલ ખાતે ત્રણ રૂમમાં રાખાયેલા 14-14 ટેબલ પર હાથ ધરવામાં આવી હતી.
શાંતિપૂર્ણ વાતવારણ વચ્ચે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના જેન્તીભાઇ સભાયાને લીડ મળ્યા બાદ ભાજપના રાઘવજી પટેલની લીડ સતત વધતી ગઇ હતી અને 18માં રાઉન્ડના અંતે આ લીડ 29545 પહોંચી હતી. જેમાં અંતે રાઘવજી પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી વિજેતા થયા છે, આમ જોવા જઇએ તો ગત વખતમાં ભાજપના ઉમેદવાર તરીકે રાઘવજીભાઇ પટેલ આ વખતે ચુુંટણીમાં પોતાની જીતનો દાવો મતદાન પછી કર્યો હતો. જે આજે ઇવીએમ મશીન ખુલ્યા બાદ સાચો રહ્યો છે.
રાઘવજીભાઇ પટેલ 17મા રાઉન્ડના અંતે તેમને મળેલી લીડ અને મતગણતરીમાં બાકી રહેલા મતો બાદ કરતા રાઘવજી પટેલની જીત નિશ્ર્ચિત બની ગઇ હતી. જેેને લઇને ભાજપના કાર્યાલયે ઉત્સાહનું વાતાવરણ બન્યું હતું અને જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, માજી.મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના આગેવાનો એકબીજાને રાઘવજી પટેલની જીતને લઇને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના કાર્યકરોએ જામનગર લોકસભાની બેઠક સાથે જામનગર ગ્રામ્યની બેઠક મળી બન્ને બેઠકઓ ઉપર વિજયના વધામણા કર્યા હતા.
જામનગર 77-ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલે આ જીતને ભાજપના કાર્યકરોની જીત ગણાવી હતી અને જામનગરના ગ્રામ્યના મતદારોનો આભારા માનતા જણાવ્યું હતું કે, મારા ઉપર મુકેલો વિશ્ર્વાસ હું વધુ પ્રજાના કામકરીને પૂર્ણ કરીશ. આ જીત મારી નથી પણ ભાજપની છે. ખાસ કરીને રાઘવજી પટેલે આ ચુંટણીમાં જામનગર ગ્રામ્યના મતદારોએ તમામ ખોટી અફવાઓમાં આવ્યા વગર ભાજપના વિકાસને મહત્વ આપ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ આ ચુંટણીમાં મારો વિજય થયો છે.