ગરીબોનો સહારો
પુણે: મધ્યમ વર્ગના કોઈ વ્યક્તિને જો હ્રદયની બીમારી થઈ જાય તો તેની સારવારનો ખર્ચો સાંભળીને જ તેને મોટો ધ્રાસ્કો પડે છે. તેમાંય જો સર્જરી કરાવવાની આવે ત્યારે તો આખી જિંદગીની બચત ઘણી વાર ધોવાઈ જતી હોય છે. જોકે, આવા લોકોની વ્હારે આવે છે મહારાષ્ટ્રના એક ડોક્ટર, જેમનું નામ છે ડૉ. મનોજ દુરીરાજ. જેઓ આજ સુધીમાં કેટલાય પેશન્ટનો ફ્રીમાં ઈલાજ કરી ચૂક્યા છે.
બહારના રાજ્યના લોકોને પણ કરે છે મદદ
પુણેના ડૉ. દુરીરાજ છેલ્લા 10 વર્ષમાં 350 જેટલી હાર્ટ સર્જરી મફતમાં કરી ચૂકયા છે. તેમણે અનેક મહિલાઓ અને બાળકોને પણ હ્રદયની ખામી સુધારી નવું જીવન આપ્યું છે. જો દર્દી મહારાષ્ટ્રનો ન હોય, અને તેની પાસે બીપીએલ કાર્ડ ન હોય તો તેની સારવાર તેઓ અહેમદનગરમાં આવેલા ચેરિટેબલ ટ્રસ્ટમાં કરે છે, જ્યાં બાયપાસ માત્ર 50,000 રુપિયામાં કરાય છે.
સામાન્ય લોકો પણ દાન આપે છે
ડૉ. દુરીરાજ પુણેમાં મારિઅન કાર્ડિઆક કેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન નામની હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલને કોઈ જરુરિયાતમંદ દર્દી આવે તેમ 30 જેટલા દાતા દાન આપતા રહે છે. આ દાતા પણ પાછા કોઈ મોટા માણસો નથી. વર્કિંગ પ્રોફેશનલ્સથી લઈ નિવૃત્ત લોકો ડૉ. દુરીરાજને મદદ કરતા રહે છે.
જાતે ઉભું કરે છે ફંડ
જેમ રુપિયાની જરુર પડે તેમ તેઓ દાતાઓ પાસેથી ફંડ માગતા રહે છે. ગયા વર્ષે 12 વર્ષની એક છોકરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. તેના માટે ડૉ. દુરીરાજે સાડા છ લાખ રુપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. ભલે કોઈ દર્દી પાસે રુપિયા ન હોય, પરંતુ આ ડૉક્ટર તેની સારવારમાં ક્યારેય કશીય કચાશ નથી રાખતા.
દવાઓનો ખર્ચો પણ આપે છે
મોટાભાગના દર્દીઓને ઓપરેશન થઈ ગયા પછી પણ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. જેના માટે પણ ઘણો ખર્ચો થાય છે, દર મહિને દવાઓ પણ લાવી પડે છે. જે ગરીબ દર્દીઓની પહોંચની બહાર હોય છે, અને સરકાર તેના માટે કોઈ સહાય નથી કરતી. આવા દર્દીઓને ડૉ. દુરીરાજ મફતમાં કન્સલ્ટેશન આપે છે, અને દવાઓની વ્યવસ્થા પણ કરી આપે છે.
હાર્ટ ટ્રાનસ્પ્લાન્ટ પણ કરી આપે છે
જલગાંવની 14 વર્ષની છોકરી પ્રેરણાના હ્રદયમાં ખામી હતી, અને તેને હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટની જરુર હતી. તેના માટેની તમામ વ્યવસ્થા ડૉ. દુરીરાજે કરી હતી. આજે તેઓ પ્રેરણાની દવાઓ પાછળ થતો મહિને દસ હજાર રુપિયાનો ખર્ચો પણ આપે છે. પ્રેરણાને ફરી સ્કૂલે જતી જોઈ તેની માતા કહે છે કે, તેમણે આ દિવસની કલ્પના પણ નહોતી કરી.
પિતાએ શરુ કરી હતી પરંપરા
દુરીરાજ ફાઉન્ડેશનની શરુઆત 1988માં ડૉ. દુરીરાજના પિતા મેન્યુએલ દુરીરાજ દ્વારા કરાઈ હતી. તેઓ આર્મીમાં 21 વર્ષ સુધી ડૉક્ટર રહ્યા હતા, અને ઝૈલ સિંહ, એન સંજીવ રેડ્ડી તેમજ આર વેંકટરમણ એમ કુલ ત્રણ રાષ્ટ્રપતિઓના માનદ ફિઝિશિયન પણ હતા. પિતાએ શરુ કરેલી પરંપરા તેમનો દીકરો આજે પણ ચલાવી રહ્યો છે.