પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ શાંતિલાલ પટેલ હતું. તેઓ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા અને રસ્તામાં શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળતા સાધુ જીવન તરફ વળી ગયા હતા.

1929માં શાળા પ્રવેશ

બાપાને 16 મે 1929ના રોજ ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડવામાં આવ્યા હતા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. વર્ગમાં ભણીને નંબર લાવવામાં સ્પર્ધા થતીને તેઓ હંમેશાં પ્રથમ -દ્બિતિય ક્રમાંકે વર્ગમાં રહેતા.

સાયકલ ચલાવી જતા સ્કૂલ

એકથી પાંચ ધોરણ બાદ, તેમણે છઠ્ઠા ધોરણ માટે ,પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. મિત્રો સાથે છ કિ.મી. સાયકલ લઈ, ઉબડ-ખાબડ રસ્તે, વરસાદના અંતરાયો વચ્ચે પણ અભ્યાસ માટે નિયમિત જતા હતા. તેમને માતાએ બનાવેલા ઢેબરાં,વડાં, ગળી પૂરી અને અથાણું ખૂબ ભાવતા હતા.

અદ્યાત્મ સાથે વિવિધ રમતોમાં પણ ખૂબ રસ લેતા

શાળાના સમય પછી કે રજાઓમાં ગામના તળાવે તરવા જવું, ત્રણ મિંદિરો એવા સત્યનારાયણ, સ્વામીનારાયણ અને હનુમાન ગઢીએ દર્શન કરવાં, હનુમાન ગઢીના મહરાજશ્રી હરિદાસજી પાસે બેસી, શાંતિથી રસપૂર્વક હરિદ્વાર ને ઋષિકેશ તીર્થોની ને ભગવાન રામ કૃષ્ણની વાતો સાંભળવી, એ સહજ બાળક્રમ હતો. તેમને ભજન ગાવાનો ખૂબ જ શોખ એટલે ગામની ભજન મંડળીમાં જોડાઈ ને ગાતા અને કરતાલ પણ વગાડતા હતા. રમતો રમવાના પણ એટલા જ શોખીન હતા. તેઓ દેશી ગેડી-દડા રમવા ઘરેથી છાના-માના પહોંચી જતાને ક્રિકેટ માટે મોંઘાં સાધનો પણ લાવવા ભેગા મળી આયોજન કરતા. હતા.

ક્રિકેટના સાધનો લેવા જતા મળી શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી

એક દિવસ શાંતિલાલ ઘરેથી ક્રિકેટના સાધનો ખરીદવા માટે વડોદરા જવા નીકળ્યા, આ દરમિયાન રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું ”ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચિઠ્ઠી આપી છે”. ત્યાર બાદ અઢાર વર્ષના શાંતિએ કવર ખોલી ચિઠ્ઠી વાંચી તો તેમાં લખ્યું હતું.” સાધુ થવા આવી જાઓ’

7 નવેમ્બર 1939ના રોજ કર્યો ગૃહ ત્યાગ

ત્યાર બાદ શાંતિ પટેલ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી ગયા અને માતા-પિતાને ચિઠ્ઠી બતાવીને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નિલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. ત્યાર બાદ આ હરિભક્ત પરિવારે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે, કોઈપણ પ્રકારની આનાકાની વિના 7 નવેમ્બર 1939ના રોજ  શાંતિ પટેલને ગૃહત્યાગ માટે વિદાય આપી.

10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા

ઘરેથી વિદાય લીધા બાદ શાંતિ પટેલે 22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને સાધુ જીવનમાં પ્રવેશ કરાવ્યો. ત્યાર બાદ તેમને 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી અને શાંતિમાંથી નારાયણસ્વરૂપ દાસ સ્વામી બની ગયા.

28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમાયા

BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા તેમણે ઈ.સ. 1946-માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા. અધ્યાત્મની કેડી અળપાતી ગઈ, ગુરુની કૃપા નારાયણ સ્વરૂપદાસજીમાં ઉતરતી ગઈ.

શાસ્ત્રી સ્વામી મહારાજની અંતરની આંખોએ અંદેશ આપી દીધો હતો કે ખરેખર આ નારાયણ સ્વરૂપદાસજી નારાયણ સ્વરૂપ છે અને તેમાં જનજનને જગદીશ બનાવવાની ધગશ છે. બીજી બાજુ નારાયણ સ્વરૂપજી તો ગુરુની આજ્ઞાને સર્વોપરિ માની અને ધર્મના પ્રસાર અર્થે વિચરણ કરતાં કરતાં લોકસેવામાં જોડાતા ગયા.

21-5-1950ના રોજ 29ની વયે બન્યા BAPS સંસ્થાના પ્રમુખ

21-5-1950ના રોજ શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમની નિયુક્તિ કરી, બસ ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.

900થી વધુ હિંદુ મંદિરો બનાવવાનો વિક્રમ અને યુનોની ધર્મ સંસદમાં ગુજરાતીમાં પ્રવચન

યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. માત્ર એટલું જ નહીં, નિઃસ્વાર્થભાવે સેવા કરતા 844થી વધુ ત્યાગી પૂર્ણકાલીન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને 900થી વધુ હિંદુ મંદિરો બનાવવાનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે.

મૂશળધાર વરસાદમાં ગુરૂને મળવા પહોંચ્યા

ગુરુપૂર્ણિમાનો પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો જાણિતો કિસ્સો છે. શાસ્ત્રીજી તેમના નારણ’દાને યાદ કરે છે તેવું માલૂમ થતા જ પ્રમુખ સ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સાળંગપુર પહોંચ્યા હતા. શાસ્ત્રીજી સાળંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ’દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. આ વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે.

સંપત્તિના નામે હરિનામની માળા, 4 વસ્ત્ર, ઠાકોરજી અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર

18000થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો નવો માર્ગ બતાવ્યો. 2,50,000 જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી અને 9090 જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા. 55 હજાર હજાર સ્વયં સેવકોની ફૌજ તૈયારી કરીને ભૂકંપ અને પૂર જેવી આપત્તિઓમાં સમાજ સેવાની ધૂણી ધખાવી. આ ઉપરાંત હોસ્પિટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર