વડોદરા શહેરમાં પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા કરતા ધો-10ના સ્ટુડન્ટ મિહિર રાણાએ બોર્ડની પરીક્ષામાં 99.48 પર્સેન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. હવે મિહિર પેટ્રોલ કેમિકલ એન્જીનિયર બનાવાની ઇચ્છા ધરાવે છે.
મિહિર ઘરના દરેક કામમાં માતા-પિતાને મદદ કરે છે
વડોદરા શહેરના નવી ધરણી રાણાવાસ ખાતે રહેતા સુનિલભાઇ રાણા અને તેમની પત્ની વર્ષાબેન રાણા નાનપણથી પોલિયોગ્રસ્ત છે. સુનિલભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે વર્ષાબેન હાઉસ વાઇફ છે. સુનિલભાઇનો દિકરો મિહિર વડોદરા શહેરની જીવન સાધના સ્કૂલમાં અભ્યાસ કરે છે. મિહિર વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ધો-10માં સારૂ પરિણામ લાવવા માટે દરરોજ 6થી 7 કલાસ વાંચન કરતો હતો. સુનિલભાઇ અને વર્ષાબેન પોલિયોગ્રસ્ત હોવા છતાં બંને પોતાના કામ જાતે જ કરે છે. પરંતું તેમ છતાં મિહિર માતા-પિતાના દરેક કામમાં મદદ કરે છે. ઘરમાં રસોઇ બનાવવાથી લઇને તમામ કામોમાં દિકરો માતા-પિતાને મદદ કરે છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ મિહિરે ખુબ જ મહેનત કરીને ધો-10માં સારૂ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
મારા રિઝલ્ટ માટે તમામ શ્રૈય હું મારા માતા-પિતાને આપુ છું
મિહિર રાણાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને મારા માતા-પિતાનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો. મારા સારા રિઝલ્ટ માટે તમામ શ્રૈય હું મારા માતા-પિતાને આપુ છું. હું આગળ જઇને એન્જીનિયર બનવા માંગુ છું.
મને મારા દિકરા પ્રત્યે ગૌરવ છે
મિહિરના માતા વર્ષાબેન રાણાએ જણાવ્યું હતું કે, મને મારા દિકરા પ્રત્યે ગૌરવ છે. તેને ખુબ જ મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે. તે અમારા પરિવારનું નામ રોશન કરશે તેવો અમને વિશ્વાસ છે.