ઢોલરાની કરોડોની જમીનમાં જામનગરના યુવક સાથે છેતરપિંડી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાંચે બે દિવસ સુધી ગોંધી રાખ્યો અને લખાણ કરાવી લીધું
કમિશનબાજીની તપાસ ચાલુ છે ત્યાં યુવકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરતાં વધુ એક વિવાદ થવાની સંભાવના
રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચ કમિશનબાજી કરતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કરતાં આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક પગલાંના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે જામનગરનો એક યુવાન જાહેરમાં આવ્યો હતો અને તેણે પણ ઢોલરાની કરોડોની જમીનમાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાંચે તેને જામનગરથી ઉઠાવી લઇ બે દિવસ ગોંધી રાખ્યાનો અને પોલીસ કમિશનરે સમાધાન કરી લેવાનું કહી પૂરા પરિવારને ફિટ કરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ હતી. યુવકે આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.
પીડિતે જમીન મામલે લેખિત અરજી કરી હતી
જામનગરમાં ગુલાબનગરની બાજુના રવિપાર્કમાં રહેતા કુમારભાઇ પ્રવીણભાઇ કુંભારવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વર્ષ 2013માં ઢોલરામાં ભીખા પાંચા પુંજાણી પાસેથી જમીન ખરીદ કરી હતી અને ટોકન પેટે રૂ.21.51 લાખ જમીનમાલિકને આપ્યા હતા અને બાકીની રકમ કરાર થયા મુજબ ચૂકવવા તૈયાર હતા. ત્યારબાદ જમીનમાલિક ભીખાએ પારિવારિક પ્રશ્ન આગળ ધરી દસ્તાવેજ કરી આપ્યા નહોતા અને અલગ અલગ બહાના શરૂ કર્યા હતા. વર્ષ 2018માં ભીખા પુંજાણીએ અન્ય પાર્ટીને જમીન વેચવા માટેની તજવીજ કરતાં કુમારભાઇએ જિલ્લા પોલીસમાં અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ અંગે લેખિત જાણ પણ કરી હતી.
પોલીસે ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી
વર્ષ 2021માં જમીનના ભાવ આસમાનને અડતાં જમીનમાલિક ભીખાએ પોતાના પરિચિતો અને અન્ય લોકો દ્વારા કુમારભાઇને સમજાવી કરાર રદ કરાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કુમારભાઇ કોઇ દબાણમાં આવ્યા નહોતા. અંતે ગત તા.23 સપ્ટેમ્બર 2021ના રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રિના કુમારભાઇના ઘરે ધસી ગઇ હતી અને કોઇપણ વાત કર્યા વગર અને પરિવારજનોને પણ જાણ કર્યા વગર કુમારભાઇને વાહનમાં બેસાડી રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા. પોલીસે જમીનના કરાર રદ કરવા માટે દબાણ શરૂ કર્યું હતું, ગાળો ભાંડવા ઉપરાંત અન્ય ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી અને આખીરાત લોકઅપમાં રાખ્યા હતા. બીજા દિવસે બપોરે કુમારભાઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસે તેની કચેરીમાં લઇ જવાયા હતા.
હવે પૈસાય નથી આપવા, જમીન પણ નહીં મળેઃ અગ્રવાલ
કુમારભાઇએ આક્ષેપ કર્યો હતો કે, કમિશનર અગ્રવાલે ધમકી આપતા કહ્યું હતું કે, ‘જમીન ખરીદનારાઓ પૈસા આપતા હતા તો પૈસા લેવામાં શું તકલીફ થતી હતી, હવે પૈસા પણ નથી આવપાના અને તારી જમીન પણ નહીં મળે, આ લોકો જ્યાં તને લઇ જાય ત્યાં તેની સાથે જજે અને તે કહે તેમ બધું પૂરી કરી નાખજે, જો તને તેમાં કોઇ તકલીફ હોય તો તું અત્યારે કહી દે તો પહેલા જ સર્વિસ કરી લઇએ, અને જો ફરિયાદ કરવી હોય તો ફરિયાદ મારી પાસે જ આવશે તને ખબર છે, ફરિયાદ કરવી હોય તો તું કરજે પણ યાદ રાખજે તારી જેમ તારા ભાઇ અને તારા પપ્પાને ફિટ કરી દઇશું, આખા ઘરને જેલમાં નાખી દેતા મને આવડે છે એ સમજી લેજે.
ગૃહમંત્રીને પણ ફરિયાદ કરીઃ અરજદાર
કુમારભાઇ કુંભારવાડિયાએ કહ્યું હતું કે, આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવી તથા પીએસઆઇ સાખરા સામે એડિશનલ ડી.જી.વિકાસ સહાય તપાસ ચલાવી રહ્યા છે અને તપાસ રિપોર્ટ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહીનો ગૃહવિભાગે નિર્દેશ આપ્યો છે ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ સામે વધુ એક હવાલાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઇ હતી.
કુમારને ગેરકાયદે લોકઅપમાં રાખ્યાની વાત જાહેર થતાં યુવકને પોલીસે ધોકાવ્યો
કુમારે તેવું કહ્યું હતું કે જ્યારે તેને ગેરકાયદે જામનગરથી ઉઠાવીને ક્રાઇમ બ્રાંચમાં લઇ અવાયો હતો ત્યારે એક અખબારના પત્રકારે ફોન કરી આ મામલે પૃચ્છા કરતાં પોલીસની ટુકડી ઉશ્કેરાઇ હતી અને બહાર આ વાત કેવી રીતે જાહેર થઇ તેમ કહી કુમારને માર મારી ધમકાવ્યો હતો.
વકીલે કહ્યું, તારો બાપ ઉપાડી લાવ્યો છે તેને ફોન કરું
કુમાર કુંભારવાડિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ક્રાઇમ બ્રાંચની ટીમ સ્વિફ્ટ કારમાં તેને 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલ પાસે આવેલી એડવોકેટની ઓફિસે લઇ ગયા હતા ત્યાં ત્રણ કોરા કાગળ, એક લખાણ વાળા કાગળ અને એક મોટા ચોપડામાં સહી કરાવવા કહ્યું હતું, કુમારે કોરા કાગળ પર સહી કરવાનો ઇનકાર કરતાં એડવોકેટે કહ્યું હતું કે, તું સહી કરી આપશ કે તને ઉઠાવી લાવનાર તારા બાપને ફોન લગાડું, ત્યારબાદ ધમકાવીને સહી કરાવી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..