જો તમે પણ તમારા લાડકવાયાને પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવો છો તો આ સત્ય જાણવું જરૂરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં વેંચાતી બાળકોની દૂધની બોટલ અને સિપરમાં ખતરનાક કેમિકલ હોય છે. એક રીસર્ચ બાદ આ સત્ય જાણવા મળ્યું છે. બાળકોના સ્વસ્થ્ય અંગે નાની નાની વાતોનું ધ્યાન રાખતા લોકો પણ આ વાત વિશે અજાણ હોય છે. માતાપિતાએ બાળકોને સિપર આપતાં પહેલા આ વાત જાણવી પણ જરૂરી છે.
તાજેતરમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યાનુસાર બાળકોની દૂધની બોટલ અને સિપરમાં રસાયણની માત્રા મળી રહી છે. આ રસાયણ જીવલેણ પણ સાબિત થાય છે. બાળકોના આ સિપર અને બોટલમાં બિસ્ફેનોલ એ નામનું રસાયણ મળી આવ્યું છે. આ કેમિકલના પ્રભાવના કારણે બાળકોને અલગ અલગ બીમારીઓ પણ થાય છે. દેશના અલગ અલગ ભાગમાંથી એકત્ર કરેલા નમૂનાના આધારે દિલ્હીની એક સંસ્થાએ આ રીપોર્ટ રજૂ કર્યો છે.
રીપોર્ટ અનુસાર બજારમાં વેંચાતી દૂધની બોટલ અને સિપર બાળકો માટે સુરક્ષિત નથી. આ વસ્તુઓ બનાવવામાં બીઆઈએસના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ સર્વે માટે જે સેમ્પલ લેવામાં આવ્યા તેમાં 14 બોટલ અને 6 સિપરનો સમાવેશ થાય છે. આ સેમ્પલ દિલ્હી ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુરમાંથી લેવામાં આવ્યા હતા. આ પ્રકારની બોટલમાં કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે જેથી તે મુલાયમ કરે છે. આ કેમિકલ બોટલને લાંબા સમય સુધી ખરાબ થવા દેતું નથી.
બોટલમાં મળતું આ કેમિકલ હૃદય, કિડની, લિવર અને ફેંફસાની બીમારીનું જોખમ વધારે છે. બાળકોના ડોક્ટરો અનુસાર જે બાળકો સતત બોટલથી દૂધ પીતા હોય છે તેમના ગળામાં સોજો આવી જાય છે. આવા બાળકોને વારંવાર ઝાડા, ઉલ્ટી જેવી તકલીફ પણ થાય છે. એટલા માટે બજારમાં મળતી સસ્તી બોટલો કરતાં મેડિકેડેટ બોટલોનો જ ઉપયોગ કરવો. આ બોટલ મેડિકલ સ્ટોરમાં મળતી હોય છે.
મહત્વપૂર્ણ છે કે પોલી કાર્બોનેટથી બનેલી બેબી બોટલ પર બીઆઈએમએ પ્રતિબંધ મુક્યો હતો પરંતુ તેમ છતા ખુલ્લેઆમ આ બોટલનું વેચાણ થાય છે. આ વેચાણ માટે કોઈ કડક કાયદો ન હોવાથી તેનો લાભ વેપારીઓ લે છે.