જો કોઇના ખિસ્સામાં પૈસા નથી તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે, હવે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચા મળી શકે છે. પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા દાહોદમાં એક અનોખા પ્રયોગના ભાગરૂપે પ્લાસ્ટિક કેફે શરૂ કરાયું છે. અહીં તાલુકા પંચાયત કચેરી સામે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને રોકવા માટે દાહોદમાં આ પ્રયોગને સૌથી અનોખી પહેલ માનવામાં આવી રહી છે. અહીં પ્લાસ્ટિકના એક કિલો કચરાના બદલે નાસ્તો અને અડધો કિલોના બદલામાં ચ્હા આપવા તંત્રએ જ પ્લાસ્ટિક કેફે ખોલ્યું છે.
પ્રયોગ દાહોદમાં સફળ થતાં જિલ્લાના દરેક તાલુકા મથકે આવું કેફે શરૂ કરાશે
કચરો વીણવાવાળી ગરીબ વ્યક્તિ હોય કે પછી શહેરને સ્વચ્છ રાખવા તત્પર એક જાગૃત નાગરિક હોય તે દરેક નાગરિક માટે આ કેફે ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. જો તમે પણ એક કિલો પ્લાસ્ટિક લાવો છો તો તેના બદલામાં તમને સમોસા, ભજિયા કે પૌંવા મળશે. આ ઉપરાંત 500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ટી પાર્ટી પણ કરી શકો છો. આ કેફેમાં એકઠું થનારું પ્લાસ્ટિક તંત્ર દ્વારા રિસાઇકલ માટે વેચવામાં આવશે. આ અનોખો પ્રયોગ દાહોદમાં સફળ થતાં જિલ્લાના દરેક તાલુકા મથકે આવું કેફે શરૂ કરાશે.
1 કિલો પ્લાસ્ટિક પર નાસ્તો, 500 ગ્રામ પર ચ્હા
આ પ્લાસ્ટિક કેફેમાં રિસાઈકલ કરી શકાય તેવું દરેક પ્રકારનું પ્લાસ્ટિક લેવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓ સાથે પ્લાસ્ટિકની ડોલ કે ટબના ટુકડા પણ લઇને તેનું વજન કરીને નાસ્તો કે ચ્હા પીરસવામાં આવશે. અહીં વિવિધ પ્રકારની કંપનીના નાસ્તાના પાઉચ કે જે રિસાઇકલ નથી થઇ શકતા તેવું પ્લાસ્ટિક નહીં લેવાય એવું જાણવા મળ્યું છે.
પ્લાસ્ટિક સમસ્યાના સમાધાન સાથે રોજગારીનો હેતુ
દાહોદના ડીડીઓ રચિત રાજના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક કચરાની સમસ્યાના સમાધાનની સાથે-સાથે સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળે તે માટે દાહોદમાં પ્રથમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક કચરાનો ઘટાડો, પુન: ઉપયોગ અને અન્ય વસ્તુમાં રૂપાંતર કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..